વલસાડના ગુંદલાવ પાસે અમદાવાદ- મુંબઇ નેશનલ હાઇવે પર પિકઅપ ટેમ્પો અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બેના ઘટના સ્થળે જ મોત થયા છે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. જોકે પોલીસે સ્થળ પર પહોંચીને વાહનવ્યવહાર ચાલુ કરાવ્યો હતો.
વલસાડ ના ગુંદલાવ પાસે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર સુરત તરફથી પૂરઝડપે આવી રહેલા એક ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો હાઇવેના ડિવાઇડર સાથે ટકરાઈ ડિવાઇડર કુદાવી ટેમ્પો અન્ય લેનમાં ફંગોળાયો હતો. એ વખતે જ મુંબઈ તરફથી સુરત તરફ આવી રહેલા એક સ્કોર્પિયો ગાડીને ટેમ્પો ટકરાયો હતો. જેના કારણે બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ઘટનામાં ટેમ્પો અને સ્કોર્પિયોના ચાલક બંનેના મોત નિપજયા હતા.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને પ્રાથમિક તપાસમાં ટેમ્પોમાંથી વીરજી ઠુંમરનું આધારકાર્ડ મળી આવ્યું હતું, જ્યારે સ્કોર્પિયોમાંથી રામકુમાર ચૌહાણ નામના વ્યક્તિના આધાર કાર્ડ અને પાસપોર્ટ મળી આવ્યા હતા.પાસપોર્ટમાં ઇન્ડિયન નેવીના સિક્કા લગાવેલા હતા. આથી સ્કોર્પિયો ચાલક કોઈ વહાણમાં કામ કરતા હોવાનું મનાઈ રહ્યું છે. આથી પોલીસે બંને વ્યક્તિઓની સાચી ઓળખ અને તેમના પરિવારજનોને જાણ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી
