ઓપનર લોકેશ રાહુલની સદી અને પ્રથમ વિકેટ માટે રોહિત શર્મા (83) સાથે 126 રનની ભાગીદારીના કારણે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે મજબૂત શરૂઆત કરી હતી. ભારતે પ્રથમ દિવસની રમતના અંતે ત્રણ વિકેટે 276 રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 42 રનની ઇનિંગ રમી હતી.બીજી ટેસ્ટના પહેલા દિવસે ભારતે શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલની ઓપનિંગ જોડીએ ટીમ ઇન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિત (83) અને રાહુલે પ્રથમ વિકેટ માટે 126 રનની ભાગીદારી કરી હતી. બંને વચ્ચેની આ ભાગીદારી 2011 બાદ એશિયાની બહાર પ્રથમ ઓપનિંગ સદીની ભાગીદારી છે. આ પહેલા વર્ષ 2010 માં વીરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે સદીની ભાગીદારી કરી હતી.
કેએલ રાહુલે પોતાની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. લોર્ડ્સમાં ઓપનર તરીકે સદી ફટકારનાર તે ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો. વિરાટ અને રાહુલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 117 રનની સદીની ભાગીદારી થઇ હતી, ઇંગ્લેન્ડ માટે જેમ્સ એન્ડરસને બે વિકેટ લીધી જ્યારે ઓલી રોબિન્સને એક વિકેટ લીધી.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસે વરસાદના કારણે ટોસ પણ અડધો કલાક મોડો થયો હતો અને બાદમાં રમતમાં વિક્ષેપ પડ્યો હતો. લોકેશ રાહુલે લોર્ડ્સમાં 212 બોલમાં વુડ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. 2014 માં અજિંક્ય રહાણેની સદી બાદ લોર્ડ્સમાં ભારતીય બેટ્સમેન દ્વારા આ પ્રથમ સદી છે. સાત વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ આ ગ્રાઉન્ડ પર સદી રાહુલે કરી છે. રાહુલ માટે આ તેની છઠ્ઠી ટેસ્ટ સદી છે. રોહિત સિવાય બીજો આઉટ થનાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા (09) હતો.
