કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ્થાને યુપી સંદર્ભે ગુરુવારે રાત્રે આ અંગે મહત્વની બેઠક યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં જીતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. . લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં યુપી ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશ ભાજપના પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ, સંગઠન મંત્રી સુનીલ બંસલ પણ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ભાજપની સહયોગી નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદ પણ હાજર હતા. તેઓ સતત ભાજપ પર MLC બનવા માટે દબાણ કરી રહ્યા છે તેમજ રાજ્યમાં મલ્લાહ (નિષાદ) સમુદાયના અનામતની માંગ પણ ઉઠાવી રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ બેઠકમાં ઉત્તર પ્રદેશની ચૂંટણીને લગતા વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય પીએમ મોદીના ઉત્તરપ્રદેશમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા પણ બેઠકમાં નક્કી કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે સીએમ યોગી, પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ અને સંગઠન મંત્રી સુનીલ બંસલને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવાની સૂચના પણ આપી હતી. બેઠકમાં યોગી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ, વિધાન પરિષદના ઉમેદવારો અને સંગઠન સંબંધિત બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે, ચૂંટણીમાં સાથીઓને સાથે લેવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહત્વની બેઠકમાં કેબિનેટ વિસ્તરણ અને એમએલસીના નામો પર સમજૂતી થઈ છે. આગામી કેટલાક દિવસોમાં કેબિનેટ વિસ્તરણ અને એમએલસીના નામોની જાહેરાત થઈ શકે છે. બેઠકમાં, કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને આપવામાં આવેલા અધિકારો હેઠળ, રાજ્યની કેટલીક સામાન્ય શ્રેણીમાં સમાવિષ્ટ જાતિઓને પછાત અને 17 અત્યંત પછાત વર્ગને અનુસૂચિત જાતિની શ્રેણીમાં સમાવવાની ચર્ચા કરવામાં આવી છે.
રાજ્યપાલના ક્વોટામાંથી નામાંકિત થનારા એમએલસીના નામો પર પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીમંડળના વિસ્તરણની સાથે સાથે એમએલસીના નામાંકનની પ્રક્રિયા પણ અત્યાર સુધી અટકી છે. એમએલસી માટે જેમની ઉમેદવારી સૌથી મજબૂત માનવામાં આવે છે તેમાં સંજય નિષાદ, જિતિન પ્રસાદ, નિષાદ પાર્ટીના લક્ષ્મીકાંત બાજપાઈ અને ખૂબ જ પછાત જાતિના વ્યક્તિને પણ સામેલ કરી શકાય છે. આમાંથી એક કે બેને કેબિનેટમાં પણ સામેલ કરી શકાય છે. શાસક ભાજપ રાજ્યમાં પછાત અને બ્રાહ્મણોને સમાવવાની વ્યૂહરચના અપનાવી શકે છે, કારણ કે વિપક્ષ આ બંને પર હુમલો કરવામાં વ્યસ્ત છે.
ઉત્તર પ્રદેશ સરકારમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત 53 મંત્રીઓ છે. જેમાં 23 કેબિનેટ મંત્રીઓ, નવ રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને 21 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં વધુમાં વધુ 60 મંત્રી બનાવી શકાય છે. અત્યારે કેબિનેટમાં વધુ સાત મંત્રી બનાવવાનો અવકાશ છે.
