NSAT 3DS Satellite Rain Alert India: દેશભરમાં પડી રહેલી અસહ્ય, કાળઝાળ ગરમી અને હીટવેવના પ્રકોપ વચ્ચે સામાન્ય જનતા માટે આખરે રાહતના બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત ઉત્તર અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં હવામાન વિભાગ (IMD) દ્વારા ભારે વરસાદ અને તીવ્ર વાવાઝોડાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. આ આખા બદલાવ પાછળ આકાશમાં સર્જાયેલી એક વિશાળ અને શક્તિશાળી હવામાન પ્રણાલી જવાબદાર છે.

INSAT 3DS સેટેલાઇટે કેદ કરી ચોંકાવનારી તસવીર
ભારતના અત્યાધુનિક હવામાન ઉપગ્રહ INSAT 3DS એ અંતરિક્ષમાંથી દેશના આકાશની કેટલીક ચોંકાવનારી તસવીરો કેદ કરી છે. આ સેટેલાઇટની થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજમાં જોવા મળ્યું છે કે આકાશમાં આશરે 2500 કિલોમીટર જેટલો જંગી વ્યાપ ધરાવતો વાદળોનો એક મોટો સમૂહ સક્રિય થયો છે. આ વાદળોનું વિશાળ જૂથ ખૂબ જ ઝડપથી ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. ઘણા રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે ત્યારે આ વાદળો ગરમીથી મોટી રાહત અપાવશે.
જાણો કયા-કયા રાજ્યોમાંથી પસાર થશે આ વાદળોની સિસ્ટમ?
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, સેટેલાઇટ ઇમેજમાં દેખાતું આ વાદળોનું મોટું ચક્રવાત પાકિસ્તાન અને ઉત્તર-પશ્ચિમ ભારતના સરહદી વિસ્તારોમાંથી ઉદ્ભવ્યું છે. આ શક્તિશાળી સિસ્ટમ આગામી કલાકોમાં પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર (Delhi-NCR), ઉત્તર પ્રદેશ, મધ્ય ભારત અને પૂર્વ ભારતના કેટલાક ભાગોમાંથી પસાર થઈને બંગાળની ખાડી તરફ આગળ વધી જશે. આ સક્રિય સિસ્ટમના કારણે આ તમામ વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો આવશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી પરિભ્રમણ સક્રિય
હવામાન શાસ્ત્રીઓના મતે, આ વાદળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) અને અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડી એમ બંને તરફથી આવતા ભારે ભેજને કારણે સર્જાયા છે. સેટેલાઇટ પિક્ચરમાં દેખાતા એકદમ તેજસ્વી સફેદ વિસ્તારો સૂચવે છે કે વાદળોની ઉપરની સપાટી અતિશય ઠંડી થઈ ચૂકી છે. આ કન્ડિશન સૂચવે છે કે આગામી સમયમાં માત્ર સામાન્ય વરસાદ જ નહીં, પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વાવાઝોડું અને કરા પણ પડી શકે છે. હાલમાં ઉત્તરી પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરના ક્ષેત્રમાં વાદળોનું એક મજબૂત ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જે ગમે ત્યારે ત્રાટકી શકે છે.
આ પણ વાંચો: માર્ચના અંતમાં માવઠાનું સંકટ! ગુજરાતમાં ફરી ફૂંકાશે વાવાઝોડા જેવો પવન, અંબાલાલ પટેલની આગાહી
આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાનું સંકટ! અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતામાં,પલટાશે વાતાવરણ
આ પણ વાંચો: ઉત્તરાયણ પર પતંગ રસિકોને મોજ પડી જશે, પવન રહેશે એકદમ સાનુકૂળ: અંબાલાલ પટેલ
