આંધ્રપ્રદેશમાં આવેલું તિરુપતિ બાલાજીનું મંદિર વિશ્વવિખ્યાત છે. અહી દર વર્ષે કરોડોની સંખ્યામાં દેશ ઉપરાંત વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે અને ભગવાન વેંકટેશ્વરના દર્શન કરી ભવ્યતા અનુભવે છે. જો કે હવે તિરુપતિ બાલાજી મંદિર વિશે અકે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યાં છે. અને આ સમાચાર એ છે કે ગુજરાતમાં પણ આંધ્રપ્રદેશમાં છે એવું જ તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર બની શકે છે. આ ભવ્ય મંદિરના નિર્માણ માટે 8 થી 10 એકરની જમીનની જરૂર પડશે.
દક્ષિણ ભારતના 5000 વર્ષ જૂના તિરુપતિ બાલાજીના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડમાં હાલમાં જ ડો. કેતન દેસાઈની કેન્દ્ર સરકાર દ્વારા સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ડો. કેતન દેસાઈ બે વર્ષ સુધી આ બોર્ડના સભ્ય તરીકે રેહશે. ડો.કેતન દેસાઈ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને વર્લ્ડ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ છે. તેઓબી.જે.મેડિકલ કોલેજના યુરોલોજી ડિપાર્ટમેન્ટના હેડ પણ રહી ચૂક્યા છે. ડો.કેતન દેસાઈ હાલના ગુજરાત મેડિકલ કાઉન્સિલના સભ્ય છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના સભ્ય તરીકેની પ્રથમ બેઠકમાં ડો.કેતન દેસાઈએ બોર્ડ સમક્ષ મહત્વપૂર્ણ પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવ ગુજરાતમાં તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર બનાવવા અંગેનો હતો. બોર્ડે તેમની રજૂઆત સાંભળીને સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. આ સાથે જ બોર્ડે કહ્યું કે જો ગુજરાત સરકાર 8 થી 10 એકર જમીન આપે તો તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ ગુજરાતમાં પણ તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર બનાવવા અંગે વિચાર કરી શકે છે. જો કે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે નિવેદન સામે આવ્યું નથી.
ગુજરાતમાં તિરુપતિ બાલાજી જેવું ભવ્ય મંદિર બનાવવા માટે બોર્ડે 8 થી 10 એકર જમીન જમીનની માંગણી કરી છે. એક શકયતા પ્રમાણે જો ગુજરાતમાં આ મંદિર બનશે તો એક ગુજરાતના પાટનગર ગાંધીનગર અને મેગાસીટી અમદાવાદની આસપાસ બને તેવી પ્રબળ શકયતા છે. ત્યારે જોવું રહ્યું કે આ અંગે ક્યારે સત્તાવાર જાહેરાત થશે.
