સમગ્ર ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શિયાળાની સિઝન દરમિયાન પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે. તેવા સંજોગોમાં હાલની પરિસ્થિતિ મુજબ સમગ્ર જિલ્લાના ખેડૂતો દ્વારા શિયાળાની શરૂઆત થતાની સાથે જ શિયાળુ પાકોનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ શિયાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદી ઝાપટાંને પગલે શિયાળું પાકમાં વાવેતરને નુકસાનની ભીતિ સર્જાઇ હોય તેવું ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. તા. 30મી નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ વધ્યું છે અને ભારતનાં મોટા ભાગમાં 30 નવેમ્બરથી 2 ડિસેમ્બરમાં માવઠું આવે તેવી શક્યતાઓ પણ વર્તાઇ રહી છે. ત્યારે ગઈકાલે સોમવારે રાતથી જ સુરેન્દ્રનગર જિલ્લાનું વાતાવરણ વાદળછાયું બન્યું છે અને વાતાવરણમાં ભેજ હોય તેનો સ્પષ્ટ અહેસાસ થઇ રહ્યો છે.
આ મામલે સુરેન્દ્રનગર હવામાન તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી અચાનક વાતાવરણમાં પલટો આવશે કમોસમી વરસાદ પડવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ત્યારે ખેડૂતોએ પણ ખુલ્લામાં પડેલા પોતાનો ઉત્પાદિત માલના સલામત સ્થળે ખસેડી લેવા માટે સૂચના આપવામાં આવી છે. રણપ્રદેશમાં તથા તળાવ વિસ્તારમાં ન જવા માટે પણ સૂચના તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે
સમગ્ર વિશ્વ હાલમાં ગ્લોબલ વોર્મિંગ સામે લડી રહ્યું છે, તેવા સંજોગોમાં પ્રદૂષણ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે અને ઋતુચક્ર પર તેની ભારે અસર જોવા મળી રહી છે. તેવા સંજોગોમાં વોર્મિંગના કારણે અવારનવાર વાતાવરણ ભેજવાળું બની જઈ રહ્યું છે અને શિયાળો હોય કે ઉનાળો અચાનક વાતાવરણમાં પલટો આવી અને વરસાદી વાતાવરણ સર્જાઇ રહ્યું છે ત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણ અને ઋતુચક્રમાં ભારે ફેરફાર થઈ જવા પામ્યા છે જેને લઇને ખેતી ઉપર અને જનજીવન ઉપર પણ અસર જોવા મળી રહી છે ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ શુદ્ધ બને અને ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો થાય તે જરૂરી બન્યું છે.
જેના અન્વયે ખેડૂતોને પોતાના ઉત્પાદિત થયેલા પાક એટલે કે, ખેત પેદાશ અને ઘાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા અથવા તાડપત્રી ઢાંકીને રાખવા, એ.પી.એમ.સી. અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઈ જવાતી ખેત પેદાશોને ઢાંકીને લઈ જવા, શક્ય હોય તો હવામાન વિભાગની આગાહી હોવાથી તેવા સમય દરમિયાન ખેત પેદાશ વેચવાનું ટાળવા જણાવવામાં આવ્યું હતું.
વધુમાં શાકભાજી, ફળો, મરી-મસાલા જેવા બાગાયતી પાકોની સલામતી માટે પણ કાળજી લેવા, શિયાળુ ઊભા ખેત પાકોમાં શક્ય હોય તો પિયત ટાળવા તેમજ કમોસમી વરસાદ થાય તો જરૂરી પાક સંરક્ષણના પગલાં હાથ ધરવા અને ખેતી ઈનપુટ જેવા કે બિયારણ ખાતર વગેરેના જથ્થાને પણ સલામત સ્થળે રાખવા જણાવાયું હતું.
જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી. ખેતીવાડી અધિકારીની કચેરીએ જિલ્લાના ખેડૂતોને પાક સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા અને સતર્ક રહેવા અપીલ કરી હતી. જો ખરીદી કેન્દ્રો પર વેચાણ માટે કૃષિ પેદાશોને આવરી લેવાનું શક્ય હોય, તો હવામાન વિભાગની આગાહી મુજબ તે સમય દરમિયાન કૃષિ પેદાશોનું વેચાણ ટાળવાની સલાહ પણ આપવામાં આવી હતી.
