Patan HNGU MBBS Scam: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ના વર્ષ 2018 ના બહુચર્ચિત MBBS ઉત્તરવહીકાંડમાં કાયદાનો ગાળિયો આખરે મુખ્ય આરોપી કનુ ચૌધરી પર મજબૂત બન્યો છે. સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન ફગાવી દઈ 30 એપ્રિલ સુધીમાં સરેન્ડર કરવાનો કડક આદેશ આપતા, અંતિમ દિવસે આરોપીએ પાટણ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી છે.
Patan : સુપ્રીમ કોર્ટનો કડક આદેશ અને સરેન્ડર
લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા મુખ્ય આરોપી કનુ ચૌધરીએ સુપ્રીમ કોર્ટના કડક વલણ સામે નમતું જોખ્યું છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે આરોપીએ 30 એપ્રિલ સુધીમાં કોઈપણ સંજોગોમાં પોલીસ સમક્ષ હાજર થવું પડશે. આ આદેશનું પાલન કરતા કનુ ચૌધરી મંગળવારે પાટણના B-ડિવિઝન પોલીસ મથકે હાજર થયો હતો, જ્યાં પોલીસે તેની કાયદેસરની અટકાયત કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
શું હતું વર્ષ 2018નું એ કૌભાંડ?
આ સમગ્ર કેસ વર્ષ 2018માં તબીબી વિદ્યાશાખાની પરીક્ષા દરમિયાન પ્રકાશમાં આવ્યો હતો, જેમાં CID ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. જુલાઈ 2018માં લેવાયેલી પ્રથમ વર્ષ MBBSની પરીક્ષામાં બેઠક નંબર 391, 392 અને 406 ધરાવતા વિદ્યાર્થીઓની અસલ ઉત્તરવહીઓ ગાયબ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ નાપાસ થયેલા આ વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે સત્તાધીશો અને મળતિયાઓએ મળીને અસલ ઉત્તરવહીઓના સ્થાને બહારથી લખાવેલી નવી ઉત્તરવહીઓ ગોઠવી દેવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું.
હવે થશે અનેક મોટા ખુલાસા
કનુ ચૌધરીના આત્મસમર્પણ બાદ હવે તપાસનો રેલો યુનિવર્સિટીના અન્ય ઉચ્ચ સત્તાધીશો સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. પાટણ પોલીસ આરોપીના રિમાન્ડ મેળવીને પૂછપરછ કરશે કે આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ હતું અને આર્થિક વ્યવહારો કઈ રીતે થયા હતા. આ કાર્યવાહીથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
