દુનિયાભરમાં અત્યારસુધી કોરોના વાયરસે ભારે કહેર મચાવ્યો છે અને આ જીવલેણ વાયરસના કારણે મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાંથી ભારત અને એમાં પણ આપનું ગુજરાત રાજ્ય પણ બાકાત રહ્યું નથી. માર્ચ, 2020 થી શરુઆત થયા બાદ કોરોના વાયરસે ભારે કહેર મચાવ્યો છે, જેમાં મળતી વિગતો મુજબ માત્ર ગુજરાત રાજ્યમાં અંદાજીત 11,000 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 12 લાખથી વધારે લોકો આનાથી સંક્રમિત થયા હતા.
જો કે આ વાત તો માત્ર મનુષ્યની થઇ, ત્યારે હવે પ્રશ્ન ઉઠી રહ્યા છે કે, શું આ વાયરસ પ્રાણીઓમાં પણ ફેલાઈ શકે છે ?. ત્યારે આ બાબતે ગુજરાતમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે, શ્વાન, ગાય અને ભેંસમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. જો કે અભ્યાસમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, એ વાતનો કોઈ પૂરાવો નથી મળી શક્યો કે કોરોના સંક્રમિત પ્રાણી કેરિયર બની શકે, એટલે કે તેમના કારણે માણસોમાં સંક્રમણ ફેલાય. એવુ જાણવા મળ્યું કે, શક્ય છે કે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાને કારણે આ પ્રાણીઓ પણ સંક્રમિત થયા હોઈ શકે.
પ્રાણીઓમાં કોરોના વાયરસ ફેલાવ અંગે કામધેનુ યુનિવર્સિટીના અરુણ પટેલ તેમજ અન્ય લોકો, આ ઉપરાંત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના ડિનેશ કુમાર અને અન્ય સાથીઓ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો અને આ અભ્યાસની પ્રિ-પ્રિન્ટ તાજેતરમાં જ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ સ્ટડીમાં રીસર્ચ માટે 413 પ્રાણીઓના રેક્ટર સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 24 ટકા એટલે કે 95 પ્રાણીઓ સંક્રમિત જોવા મળ્યા હતા, જેમાં 69 શ્વાન, 15 ગાયો અને 13 ભેંસો છે.
સેમ્પલ માટે લેવામાં આવેલા413પ્રાણીઓમાં 195 શ્વાન, 64 ગાયો, 42 ઘોડા, 41 બકરીઓ, 39 ભેંસ, 19 ઘેટા, 6 બિલાડીઓ, 6 ઊંટ અને 1 વાંદરો સામેલ હતા. આ નમૂના અમદાવાદ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ અને મહેસાણાથી એકઠા કરવામાં આવ્યા હતા.
આ સ્ટડીને Surveillance and molecular characterization of SARS-CoV-2 infection in non-human hosts in Gujarat, India. શીર્ષક અપાયું હતું.
આ પણ વાંચો:ગોંડલની સિમેન્ટ ફેક્ટરીમાં બ્લાસ્ટ, ત્રણ શ્રમિકોએ ગુમાવ્યું જીવ
આ પણ વાંચો: ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો ગુજરત ATS અને કોસ્ટગાર્ડે કર્યો પર્દાફાશ, કરોડોનું ડ્રગ્સ ઝડપાયું

