દેશમાં મંદિર અને મસ્જિદના વિવાદ હંમેશા ચાલુ જ રહે છે, જે હંમેશા દેશની એકતા અને અખંડિતતા પર જોખમી સાબિત થતા રહે છે. તાજેતરમાં પણ આવો એક વિવાદ ચાલી રહ્યો છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મસ્જિદના પરિસરમાં વીડિયોગ્રાફીનું કામ પુરુ થઇ ગયું છે. વીડિયોગ્રાફી અને સર્વેની કામગીરી દરમિયાન મસ્જિદની અંદર એક શિવલિંગ મળ્યાનું ચર્ચાય રહ્યું છે. જેના કારણે જે વિસ્તારમાંથી શિવલિંગ મળ્યું છે તેને સીલ કરાયું છે. જેથી આ જગ્યા પર કોઇ જ નહીં જઇ શકે. જોકે શિવલિંગ મળ્યાના દાવાને મુસ્લિમ પક્ષ દ્વારા નકારીને તે ફૂવારો હોવાની દલીલો અપાઈ રહી છે.
આ મસ્જિદની કમિટીએ કોર્ટમાં દાવો કર્યો છે કે, શિવલિંગ મળ્યાના દાવાથી કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. વજૂખાનામાં કોઇ શિવલિંગ નથી, અહીંયા માત્ર એક ફુવારો છે. જેના આકારને શિવલિંગ બતાવવામાં આવી રહ્યું છે. જ્યારે હિન્દૂ પક્ષનો દાવો છે કે મસ્જિદમાં સર્વેની કામગીરી દરમિયાન ૧૨ ફુટ ઉંચુ શિવલિંગ મળ્યું છે. વાદી પક્ષ લક્ષ્મી દેવીએ આ વિસ્તારમાં પૂજા કરવાની માગ કરતી અપીલ કોર્ટમાં કરી છે. તેમના પતિ સોહનલાલ આચાર્ય પણ સર્વેની ટીમમાં સામેલ છે. સોહનલાલે દાવો કર્યો હતો કે મસ્જિદમાં શિવનું મંદિર હોવાના પુરાવા મળ્યા છે. હવે અમે આ મસ્જિદની પશ્ચિમ તરફની દિવાલના કાટમાળની તપાસની પણ માગણી કરીશું.
આ બાદ વિવાદને વધુ વકરતો રોકવા માટે મસ્જિદમાં પણ હવે માત્ર ૨૦ જ મુસ્લિમો નમાઝ માટે જઇ શકશે. જે સ્થળે શિવલિંગ મળ્યું છે ત્યાં હવે કોઇને પણ જવા નહીં દેવાય, અને તેની સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી પોલીસ અને કલેક્ટરને સોપી દેવામાં આવી છે. સોમવારે સર્વેનો ત્રીજો દિવસ હતો. હવે આ સંપૂર્ણ રિપોર્ટ અને વીડિયોગ્રાફીને કોર્ટમાં રજુ કરવામાં આવશે. બીજી તરફ અલ્લાહાબાદ હાઇકોર્ટે સર્વે કરાવવા અને કમિશનની નિમણુક માટે જે પણ આદેશ આ મસ્જિદને લઇને આપ્યા છે તેને મસ્જિદ કમિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં મંગળવારે થઇ શકે છે.
નોંધનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ પણ બાબરી મસ્જિદ જેટલો જુનો છે. સૌથી પહેલા ૧૯૯૧માં કોર્ટમાં અપીલ કરાઇ હતી અને પૂજાની છૂટ આપવાની અપીલ કરવામાં આવી હતી. બાદમાં ૧૯૯૩માં અલ્લાહાબાદ હાઇકોર્ટે યથાસ્થિતિ રાખવાનો આદેશ આપ્યો હતો. ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડરની સમય મર્યાદા છ મહિના સુધીની નક્કી કરી હતી. ૨૦૧૯માં વારાણસીની કોર્ટમાં ફરીથી આ મામલે સુનાવણી શરૂ કરવામાં આવી હતી. ૨૦૨૧માં જ આ મસ્જિદની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનો આદેશ અપાયો હતો. જોકે વીડિયોગ્રાફીનો મુસ્લિમ પક્ષ દ્વારા વિરોધ કરાયો હતો, કોર્ટે ફરી વીડિયોગ્રાફીનો આદેશ આપ્યો હતો અને તેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો : જાણો જ્ઞાનવાપીનો સમગ્ર વિવાદ, પહેલો કેસ નોંધાયો ત્યારથી શું થયું?
