બારડોલી/ મહુવા ફોરેસ્ટમાં 180 રૂપિયાની લાંચ લીધી અને એસીબીએ દબોચી લીધો

20 રૂપિયાની પરમીટ માટે વધારાનાં 180 રૂપિયાની લાંચ સ્વીકારતા નાણા આપનાર શો મીલના માલિક તેમજ બીટ ગાર્ડ મળી બે વ્યક્તિને એન્ટી કરપ્શન બ્યુરો દ્રારા રંગે હાથ ઝડપી લીધા છે

Gujarat Others
મહુવા

બારડોલીના ધુલિયા રોડ પર અગાસી માતાના મંદીર નજીક મહુવા રેંજ ફોરેસ્ટ વિભાગની ચેકપોસ્ટ ખાતે લાંચ રૂશવત વિભાગ દ્રારા રેડ કરવામાં આવી હતી, લાકડાની હેરાફેરી માટે જરુરી એવી 20 રૂપિયાની પરમીટ માટે વધારાનાં 180 રૂપિયાની લાંચ સ્વીકારતા નાણા આપનાર શો મીલના માલિક તેમજ બીટ ગાર્ડ મળી  બે વ્યક્તિને એન્ટી કરપ્શન બ્યુરો દ્રારા રંગે હાથ ઝડપી લેતા ફફડાટ મચી જવા પામી છે.

ડમી ગ્રાહકને ઉભો કરી તેનાં દ્રારા બારડોલીના ધુલિયા ચાર રસ્તા નજીક આવેલ ભગવાન શો મીલમાંથી 2,600 રૂપિયા માત્રની કિમતના ત્રણ સાગી લાકડાઓ ખરીદવામાં આવ્યાં હતાં, લાકડા વલસાડ લઇ જવાના હોઇ ડમી ગ્રાહકે પરમીટ પાસની માંગણી કરતા શો મીલનાં સંચાલક હરેશભાઇ કાંતિલાલ પટેલે રિલાયન્સ પંપ નજીક આવેલી મહુવા ફોરેસ્ટ ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતા બીટ ગાર્ડ ઇમરાન અબ્દુલ કરીમ મહેસાણીયા ને પાસ બનાવી આપવાનું જણાવ્યું હતુ. બીટ ગાર્ડે 20 રૂપિયાની ફી ધરાવતાં પાસ માટે 200 રૂપિયા આપવાનું કહેતાં ડમી ગ્રાહકે શો મીલ માલિકને 200 રૂપિયા આપી બીટગાર્ડને આપવા માટે જણાવ્યું હતુ, આખર એ.સી.બી દ્રારા ગોઠવવામાં આવેલી ટ્રેપમાં શો મીલ માલિક તેમજ બીટગાર્ડ બન્ને ભેરવાયા હતાં, અને એન્ટી કરપ્શન બ્યુરોનાં વલસાડ વિભાગના પી.આઈ ડી.આર.વસાવાએ 180 ની લાંચ માટે બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : દેશમાં કોરોનાના સક્રીય કેસમાં નોંધપાત્ર વધારો,એક જ દિવસમાં નવા 13 હજારથી વધુ કેસ