રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાથી આખો દેશ આઘાતમાં છે. હત્યાને અંજામ આપનાર બંને આરોપી મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ મામલે કાર્યવાહી ચાલુ છે. દરમિયાન, કનૈયાલાલના પુત્રો તરુણ અને યશે પિતાની હત્યા કરનાર બંને આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી છે. આ સાથે પોલીસ પર પણ બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
કનૈયા લાલના પુત્રોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘અમે ભૂલથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જે પછી પાડોશી નાઝિમે અમારા પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે 24 કલાક બાદ તેને જામીન મળી ગયા હતા. આ મામલે સમાધાન પણ થઈ ગયું હતું. અમે ચાર-પાંચ દિવસ અમારી દુકાન બંધ રાખી. કારણ કે અમને પ્રશાસન દ્વારા દુકાન બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હતું.
આ દરમિયાન કોઈએ પાપાને ધમકી આપી, જેના પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસ સુરક્ષાની માંગણી કરી. પુત્રોએ જણાવ્યું કે તેમને પોલીસ પ્રોટેક્શન મળ્યું હતું, પરંતુ તે પણ બે દિવસ પછી હટાવી લેવામાં આવ્યું હતું. પછી સાત દિવસ પછી દુકાન ખોલી ત્યારે અચાનક પાપાની ઘાતકી હત્યા કરવામાં આવી. પુત્રોએ કહ્યું, ‘અમને ફોન પર કોઈએ કહ્યું કે તમારા પિતાની હત્યા થઈ છે. કનૈયાના પુત્ર યશે કહ્યું કે જો પોલીસે રક્ષણ હટાવ્યું ન હોત તો પિતા બચી શક્યા હોત.
પુત્રોએ કહ્યું કે અમે બંને હજુ કોલેજમાં ભણીએ છીએ અને ઘરમાં કમાનાર પિતા જ હતા, જે હવે આ દુનિયામાં નથી. પુત્રોએ સરકાર અને વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે જેમણે તેમના પિતાની હત્યા કરી છે તેમને ફાંસીની સજા આપવામાં આવે. તેમને મૃત્યુદંડથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી.
ઉલ્લેખનીય છે કે કનૈયા મર્ડર કેસમાં બંને આરોપીઓનું પાકિસ્તાન સાથે કનેક્શન પણ બહાર આવ્યું છે, જે બાદ હવે આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી છે. બીજી તરફ રાજસ્થાનના ડીજીપી એમએલ લાથેરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે UAPA એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા લાથેરે એ પણ જણાવ્યું કે કનૈયાલાલની હત્યાનો આરોપી ગૌસ મોહમ્મદ વર્ષ 2014માં પાકિસ્તાનના કરાચી શહેરમાં ગયો હતો. તેઓ દાવત-એ-ઈસ્લામી નામના સંગઠન સાથે સંકળાયેલા હતા. તેમણે એ પણ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના કાનપુર સહિત દિલ્હી અને મુંબઈમાં દાવત-એ-ઈસ્લામીની ઓફિસ છે.
