કચ્છની છ બેઠકો પર મતદાન ચાલી રહ્યુ છે. આ વખતે કચ્છ કોને કાપશે અને કોને મત આપશે તેના પર બધાની નજર છે. ગઈ ચૂંટણીમાં કચ્છમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દ્વિપક્ષીય જંગ છે તો આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ છે.
કચ્છના અકળ મતદારો કોઈનું મન કળાવવા દેતા નથી. સામાન્ય રીતે કચ્છની બેઠકોનો ઝોક ભાજપ તરફી જોવા મળે છે. તેથી આ વખતે ભાજપે કચ્છની છએ છ બેઠકો કબ્જે કરવાની તૈયારી આદરી છે. તેના ભાગરૂપે કોંગ્રેસના પ્રદ્યુમ્નસિંહ જાડેજાને ભાજપમાં લીધા છે.
કચ્છ જિલ્લામાં કુલ 16.74 લાખથી વધારે મતદારો નોંધાયેલા છે. તેમા 8.44 લાખ પુરુષ અને 7.90 લાખ મહિલા મતદારો છે. મતદાન માટે 1,861 મતદાન મથકો ઊભા કરાયા છે. કચ્છના કુલ 1861 મતદાન મથકોમાંથી 530 મથકો સંવેદનશીલ છે.
કચ્છ જિલ્લાની છ બેઠક માટે કુલ 55 ઉમેદવારો મેદાનમાં છે. કચ્છની છ બેઠકો પર કુલ કુલ 93 ફોર્મ ભરાયા હતા, પણ 21 ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને 17ના ફોર્મ પરત ખેંચાતા છેલ્લે 55 ફોર્મ બાકી રહ્યા હતા. કચ્છની ચૂંટણીમાં કુલ 55 ઉમેદવારોમાંથી 52 પુરુષ અને ત્રણ મહિલા મતદારો છે.
કચ્છમાં ભાજપે અબડાસામાં પ્રદ્યુમ્નસિંહ જાડેજાને રિપીટ કર્યા છે. તેની સામે કોંગ્રેસે જિલ્લા પંચાયતના સભ્ય મામદ જતને ટિકિટ આપી છે. જ્યારે અહીં પહેલી વખત ઝંપલાવનારા આપે વસંત ખેતાણીને ટિકિટ આપી હતી, પરંતુ પછી તેમણે અચાનક રહસ્યમય રીતે ગુમ થયા પછી ભાજપને ટેકો જાહેર કર્યો હતો અને તેનો ખેસ પહેર્યો હતો. આમ આ બેઠક પર હવે દ્વિપક્ષીય જંગ છે.
તેની સામે માંડવીમાં ભાજપે અનિરુદ્ધ દવેને ટિકિટ આપી છે તો તેની સામે કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને કોંગ્રેસમાં પરત ગયેલા રાજેન્દ્રસિંહ જાડેજા છે. જ્યારે કોંગ્રેસમાંથી આપમાં ગયેલા કૈલાશ ગઢવીને માંડવીમાંથી ટિકિટ મળી છે. આમ માંડવીની બેઠક પર ત્રિકોણીય જંગ છે.
ભુજમાં ભાજપે કેશવલાલ પટેલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે અરજણ ભૂડિયા અને રાજેશ પંડોરિયાને ટિકિટ આપી છે. અંજારમાં ભાજપે ત્રિકમ છાંગા, કોંગ્રેસે રમેશ ડાંગર તથા આપે અરજણ રબારીને ટિકિટ આપી છે. ગાંધીધામમાં ભાજપે માલતી મહેશ્વરીને ટિકિટ મળી છે,જ્યારે કોંગ્રેસે ભરત સોલંકીને ટિકિટ આપી છે. આપમાંથી બીટી મહેશ્વરીને ટિકિટ મળી છે. રાપરમાં ભાજપે વિરેન્દ્ર જાડેજાને તો કોંગ્રેસે બચુભાઈ અરેઠિયાને તેની સામે આપે અંબાલાલ પટેલને ટિકિટ આપી છે.
આમ ભાજપે કચ્છની છ બેઠકમાંથી ત્રણ બેઠકમાં પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને માલતી મહેશ્વરીને રીપીટ કર્યા છે તો બીજા ત્રણની બાદબાકી કરી છે. કોંગ્રેસ પણ આને જ અનુસર્યુ છે. જ્યારે આપ પહેલી વખત બધી બેઠકો પર લડી રહ્યું છે.
ગઈ ચૂંટણીમાં ભાજપે કચ્છમાં છમાંથી ચાર બેઠકો કબ્જે કરી હતી અને બે કોંગ્રેસના ફાળે ગઈ હતી. કચ્છમાં અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા અને રાપરમાંથી સંતોકબેન અરેઠિયા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. તેની સામે ભાજપમાંથી માંડવીમાંથી વિરેન્દ્રસિંહ જાડેજા ગયા વખતે જીત્યા હતા. ભૂજમાંથી નીમાબેન આચાર્ય, અંજારમાંથી વાસણભાઈ આહિર અને ગાંધીધામમાંથી માલતી મહેશ્વરી જીત્યા હતા. કચ્છ જિલ્લામાં 441 સેવા મતદારો (સર્વિસ વોટર) નોંધાયા છે. જિલ્લા મતદાન મથકોએ બીયુ 2830, સીયુ 2499 અને 2761 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
ગુજરાત ચૂંટણી 2022/19 જિલ્લાની 25,430 બેઠકોમાંથી 13,065 બેઠકોનું લાઇવ વેબકાસ્ટિંગ
પારડી બેઠક પર નાણામંત્રી કનુ દેસાઇ મતદાન કરવા પહોચ્યા અને ઇવીએમ ખોટકાયું
