Congress On PM Modi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવ્યા બાદથી મોદી સરકાર પર પાર્ટી દ્વારા રોજેરોજ પ્રહારો કરવામાં આવી રહ્યા છે. તાજેતરના ઘટનાક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ફરી એકવાર મોદી સરકાર પર દેશવાસીઓના ફોન હેક કરવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું, “છેલ્લી ચૂંટણીઓ પહેલા, મોદી સરકારે વિદેશી મદદ સાથે પેગાસસ દ્વારા નાગરિકો, વિપક્ષ, ન્યાયતંત્ર, ચૂંટણી કમિશનર, પત્રકારોની જાસૂસી કરી હતી. હવે ચૂંટણી પહેલા ફરી એકવાર વિદેશી મદદ લઈને દેશવાસીઓના ફોન હેક કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે. આ લોકશાહી પર સીધો હુમલો છે.”
આ પહેલા શનિવારે (01 એપ્રિલ) સંસદમાં મડાગાંઠની વાત કરતી વખતે, સંયુક્ત સંસદીય સમિતિના મુદ્દે ફરી એકવાર કેન્દ્ર સરકારને ઘેરી. કોંગ્રેસ અદાણી મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવાની માંગ કરી રહી છે. દિલ્હીમાં AICC હેડક્વાર્ટર ખાતે મીડિયાને સંબોધતા, કોંગ્રેસના નેતા જયરામ રમેશે વિક્ષેપો વચ્ચે સંસદમાં ચર્ચા વિના મુખ્ય બિલો અને બજેટ પસાર કરવા બદલ સરકાર પર આકરા પ્રહારો કર્યા.
મીડિયા સુત્રોના જણાવ્યા અનુસાર રમેશે કહ્યું કે સરકારે હંગામા વચ્ચે ફાઈનાન્સ બિલ લોકસભામાં પાસ કર્યું અને એવી જ પરિસ્થિતિમાં રાજ્યસભાએ તેને પરત કરી દીધું. આગામી દિવસોમાં આવા વધુ બિલ પાસ થઈ શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, “જો જેપીસીની માંગને ડસ્ટબીનમાં નાખવામાં આવે છે, તો તે દુઃખની વાત છે કે બિલો હોબાળામાં પસાર થઈ જશે.”
રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ રદ કરવાના મુદ્દે કોંગ્રેસ પણ સરકાર સામે આક્રમક છે. કોંગ્રેસે રાહુલના સંસદ સભ્યપદ ગુમાવવા પાછળનું કારણ અદાણી વિવાદને ગણાવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, જયરામ રમેશે કહ્યું કે અદાણી કેસમાં જેપીસીની માંગને લઈને તમામ 19 વિપક્ષી પાર્ટીઓ એક છે અને સોમવારે (3 એપ્રિલ) પણ તેમની માંગ ચાલુ રાખશે.
