અમેરિકામાં ગોળીબારની ઘટનાઓની અસર હવે પડોશી દેશોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકાના પડોશી દેશ મેક્સિકોમાં ગુરુવારે ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે. મેક્સિકો સિટી હોલમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં મેયર સહિત 18 લોકોના મોત થયા હતા.
ઘટનાસ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, બુધવારે બપોરે અચાનક બંદૂકધારી ગુરેરો રાજ્યના સેન મિગુએલ ટોટોલાપનના સિટી હોલમાં પહોંચી ગયો અને લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો. ગોળીબારમાં માર્યા ગયેલા લોકોમાં મેયર કોનરાડો મેન્ડોઝા, તેમના પિતા અને ભૂતપૂર્વ મેયર જુઆન મેન્ડોઝા તેમજ સાત પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.

પોલીસે હુમલા બાદ આખા શહેરની નાકાબંધી કરીને આરોપીઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે હજુ સુધી તેઓની ધરપકડ કરી શકાઇ નથી. ઘટનાની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં સિટી હોલની દિવાલો પર ગોળીઓના નિશાન દેખાઈ રહ્યા છે. હોલની બારીના કાચ પણ તૂટેલા છે.
અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ દરરોજ સામે આવતી રહે છે. હવે મેક્સિકોમાં પણ આવી ઘટનાઓ બનવા લાગી છે. જો કે, મેક્સિકોમાં બનેલી ઘટનાઓ મોટાભાગે ડ્રગ સ્મગલરો વચ્ચે ફાયરિંગ અથવા ગેંગ વોર સાથે સંબંધિત છે.
