@અમિત રૂપાપરા
સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગણી સાથે આદિવાસી સમાજના આગેવાનો સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. આદિવાસી આગેવાનોએ સૂત્રોચાર કરી નરાધમને ફાંસીની સજાની માગણી કરી હતી અને પોલીસને આવેદન આપ્યું હતું.

સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં આરજેડી પાર્કમાં નવનિર્મિત બિલ્ડીંગમાં પરિવાર સાથે સુતેલી 4 વર્ષની બાળકીને 21 વર્ષનો નરાધમ ઉઠાવી ગયો હતો અને ત્યારબાદ તેને અવાવરું જગ્યા પર લઈ જઈ 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ આ બાળકીને લોહી લુહાણ હાલતમાં રજડતી મૂકી ભાગી ગયો હતો. ત્યારબાદ બાળકી જેમતેમ કરી પોતાના પરિવારના સભ્યો પાસે પરત ગઈ હતી અને પરિવારના સભ્યોએ પોલીસને માહિતી આપી બાળકીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

ડોક્ટરની તપાસમાં સામે આવ્યું હતું કે, બાળકીના શરીર પર આગળ અને પાછળની ભાગે ઇજાઓ મળી આવી હતી. આ ઉપરાંત ચહેરા પર પણ ઇજાના નિશાન મળી આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ઈચ્છાપોર પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બી.આર. સાયન્સ પાર્ક પાસેથી આરોપી અજયરાજ રાયની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મૂળ બિહારનો વતની છે. આ નરાધમ બાળકીને ઓળખતો હતો અને તે બાળકીને અવારનવાર ચોકલેટ ખવડાવવા અને રમાડવા માટે લઈ જતો હતો. તેથી બાળકી પણ આ ઈસમને સારી રીતે ઓળખતી હતી પરંતુ નરાધમે 4 વર્ષની બાળકી પર નજર ખરાબ કરી તેને બાળકીને ઉઠાવી જઈ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. નરાધમે બાળકીના ઘરની 500 મીટર દૂર આવેલી અવાવરું જગ્યા પર બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ બાળકી રડવા લાગતા આરોપી બાળકીને રસ્તા પર મૂકીને ભાગી ગયો હતો. ત્યારબાદ કોઈ ઘટના બની જ ન હોય તે રીતે આરોપી પોતાના ઘરે જઈ સૂઈ ગયો હતો. હાલ તો પોલીસે અજય રાજ નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટનાને લઈને સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરના આગેવાનો દ્વારા નરાધમ અજયને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના આગેવાનો સુરત પોલીસ કમિશનર કચેરી પર પહોંચ્યા હતા અને ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેને ઇજા પહોંચાડનાર અજયરાયને ફાંસી આપો નારા લગાવ્યા હતા. આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સુરત પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને પોલીસ, ન્યાયતંત્ર અને સરકાર આ બાબતે આરોપીને સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને ફાંસી આપે તેવી તેમની માગણી છે. આ ઉપરાંત આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, સરકારમાં આદિવાસી મંત્રી હોવા છતાં પણ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેઓ હજુ સુધી આ પરિવારની મુલાકાતે પહોંચ્યા નથી.
આ પણ વાંચો:આવતીકાલે બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ
આ પણ વાંચો:સુરતમાં માતા-પિતા સાથે સૂતેલી માસૂમને ઉઠાવી ગયો હવસખોર, દુષ્કર્મ આચર્યા બાદ રડતી મૂકી ભાગ્યો
આ પણ વાંચો:સુરતમાં બે લક્ઝુરિયસ કારનો અકસ્માત, બે લોકોના ઘટના સ્થળે જ મોત
આ પણ વાંચો:બિપોરજોયના કહેરથી ધરતી પુત્રને રોવાનો વારો, દિયોદરમાં બાજરીના પાકોનો સત્યાનાશ
