રિપોર્ટર@ મોહસીન દલ, ગોધરા, પંચમહાલ
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના સિંદૂરી માતાના મંદિર પાસે નવા તીરઘર વાસમાં આવેલ ડો. આંબેડકર પ્રાથમિક શાળાની બહાર એક જાહેર શૌચાલય આવેલું છે. જેમાં પાલિકાની લાલીયાવાડીને લઇ અતિશય ગંદકીના કારણે શાળાના બાળકો સહિત શિક્ષકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. અનેકવાર રજુઆત કરવા છતાં જાહેર શૌચાલય સાફ સફાઇ કરવામાં આવતી નથી. જેના લીધે શિક્ષણના ધામની સામે અતિશય ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. સાથેજ જ્યાં દારૂની પોટલી ચારેય કોર જોવા મળી રહી છે. બીજી બાજુ માથું ફાટી જાય તેવી તીવ્ર દુર્ગંધથી અવર જવર કરતા સ્થાનિક લોકો સહિત બાળકો અને શિક્ષકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે,
ગોધરાના તીરઘર વાસમાં આવેલ ડો. આંબેડકર પ્રાથમિક શાળાના માજી આચાર્ય ખુશાલભાઈ શ્રીમાળી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકારનો અભિગમ છે કે ‘સ્વચ્છ ભારત, આબાદ ભારત સ્વચ્છતા ત્યાં દિવ્યતા’ બાળકો જે સરસ્વતી મંદિરમાં ભણે છે. ત્યાં જ સામે જાહેર શૌચાલય આવેલું છે એટલી દુર્ગંધ મારે છે કે આપણું માથું ફાટી જાય રસ્તામાં અવર જવર કરતા લોકોને પણ નાક દબાવીને જવું પડે છે. એક બાજુ રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા પર ભાર મુકે છે ત્યારે બાળકોને તો 6-6 કલાક સુધી સરસ્વતી માતાના બંદગી કરવાની હોય તો આવી દુર્ગંધમાં કઈ રીતે ભણી શકે, અનેકવખતની રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ કરવામાં આવતું નથી, લાખો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે. પ્રવેશ ઉત્સવ, મેળાવડા ત્યારે બાળકોના આરોગ્ય માટે આપણે કુપોષણની વાતો કરીએ છીએ. ત્યારે આવી દુર્ગંધમાં બાળક કઈ રીતે પોષણ મળી શકે આવી ગંદકીને લઇ કેટલાક રોગ લાગુ પડી શકે પછી આગ લાગે ત્યારે કુવા ખોદવા જઈએ તો ન ચાલી શકે. ત્યારે આ જાહેર શૌચાલયમાં સાફ-સફાઈ કરવામાં આવે તે માટે માંગ ઉઠવા પામી છે. બીજી બાજુ આ શાળામાં પીવાના પાણીની પણ અગવડ છે. મધ્યાન ભોજન માટે રસોડું નથી અને આ બાબતે રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી બેસી રહે છે, ત્યારે આ ગરીબ અને અતિ પછાત વિસ્તારની સ્કૂલ અને આ શાળાના બાળકો દિલથી ભણી શકે તે માટે આ કાર્ય કરવું જરૂરી છે અને આ જાહેર શૌચાલયની ગંદકીના કારણે શાળામાં આવતા શિક્ષકો મહિને મહિને બદલી કરાવીને જતા રહે છે. માટે આ જાહેર શૌચાલયની ગંદકી દૂર કરવામાં આવે અને સ્વચ્છ વાતાવરણ ઊભું કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માઈકલ સોલંકી જણાવ્યું હતું કે, અમે ડો. આંબેડકર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ અને અમારી શાળા બહાર જાહેર શૌચાલય આવેલું છે. જ્યાં ખૂબ જ ગંદકી છે. જેના લીધે અમે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જેને લઇ અમે મધ્યાહન ભોજનનો નાસ્તો ખૂબ જ તીવ્ર દુર્ગંધ મારે છે જેના લીધે અમે નાસ્તો પણ કરી શકતા નથી અને વહેલી તકે શૌચાલયની સાફ-સફાઈ કરવામાં આવે એવી અમારી માંગ છે.!!
