@અમિત રૂપાપરા
શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા ટ્રાફિક નિયમન જળવાય તેવા આશયથી સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં પોલીસ કમિશનરે સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં નવા ટ્રાફિક સિગ્નલો સત્વરે લગાડવા તેમજ ચાલુ સિગ્નલોની મરામત કરવાની તાકીદ કરી હતી. આ ઉપરાંત BRTS કોરિડોરમાં ભયજનક રીતે વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
આ ઉપરાંત તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓને જણાવ્યું હતું કે, કોઈ પણ સમયે પોલીસ બંદોબસ્ત જરૂર પડે ત્યારે DCP મારફતે પોલિસ કમિશનર કચેરીને અરજી કરવાથી બંદોબસ્ત મળી જશે. આ ઉપરાંત સાંજના સમયે બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરીને વાહન ચાલકોનું સઘન ચેકિંગ કરવા પણ જણાવ્યું હતું. બેઠકમાં રખડતા ઢોર બાબતે મહાનગરપાલિકા દ્વારા જુન-જુલાઈ માસ દરમિયાન 549 પશુઓને પકડી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે, તેમજ 8થી 9 લાખ જેટલા દંડની પણ વસુલાત કરવામાં આવી હોવાની વિગતો પાલિકાના અધિકારીએ આપી હતી.
આ ઉપરાંત ખાડી રોડ પર સાઈન બોર્ડ લગાવવા, ઝિબ્રા ક્રોસિગ, સ્ટોપ લાઈન તથા રબ સ્ટ્રીપ બનાવવાની કામગીરી સમયસર થાય, હજીરાથી ભાટિયા ટોલનાકા સુધી સ્પીડ લિમિટના બોર્ડ લગાવવા બાબતે જે તે વિભાગના અધિકારીઓને પોલીસ કમિશનર દ્વારા સુચના આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ મહિના દરમિયાન ટ્રાફિક શાખા દ્વારા ઓવર સ્પીડના 4021 કેસ, સ્પીડ ગનના 8000 ઉપરાંત રોગ સાઈડના 120 કેસો કરવામાં આવ્યા હોવાની વિગતો પણ બેઠકમાં આપવામાં આવી હતી. સાથે જ ડુમસ રોડ પર મહાનગરપાલિકાના દ્વારા આપવામાં આવેલ પે એન્ડ પાર્કિગના બોર્ડ મૂકવા, શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ટ્રાફિક નિયમન સ્પર્ધાઓ-કાર્યક્રમો યોજવા ઉપરાંત SVNITના વિદ્યાર્થીઓ સાથે રહીને શહેરમાં પાર્કિગ માટેની એપ બનાવવાની ચર્ચા પણ બેઠકમાં થઈ હતી.
નવી RTOમાં 235 જેટલા વાહનચાલકોને લાયસન્સ સસ્પેન્ડ કરવાની નોટીસો પાઠવવામાં આવી હોવાની વિગતો પણ અધિકારી દ્વારા સુરત પોલીસ કમિશનરને આપવામાં આવી હતી. આ ઉપરાંત શનિ-રવિવારના દિવસો દરમિયાન ડુમસ રોડ પર ખાણી-પીણીની લારીઓના કારણે થતી ટ્રાફિક સમસ્યાની સ્થિતિ નિવારવા માટે પાલિકાના અધિકારીઓ સાથે રહીને કાર્યવાહી કરવા પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:સુરતમાં જમીનના ખોટા દસ્તાવેજ બનાવી કરોડોની ઠગાઈ, ગેંગના એક સભ્યની ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદમાં દિવાલ ધરાશાયી, કાટમાળમાં દબાયેલા યુવકનું મોત
આ પણ વાંચો:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પંચમહાલના મોરવાહડફમાં સૌથી વધુ વરસાદ
