મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અભિયાન હેઠળ જણાવ્યું હતું કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ પહેલા શહીદોના સન્માનમાં ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન શરૂ કરવામાં આવશે. વડાપ્રધાને દરેકને yuvaa.gov.in પર તેમના હાથમાં માટી સાથે શપથ લેતી સેલ્ફી અપલોડ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષે સ્વતંત્રતા દિવસે દેશભરમાં ત્રિરંગા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે પણ દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવો જોઈએ. જેથી કરીને લોકો તેમની ફરજો, આઝાદીનું મૂલ્ય અને આ પ્રયાસોથી દેશની આઝાદી માટે આપેલા અસંખ્ય બલિદાનોને યાદ કરી શકે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપણા શહીદોનું સન્માન કરવા તેમજ તેમને યાદ કરવા માટે ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત દેશભરમાં શહીદોની યાદમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે, શહીદ પુરુષો અને મહિલાઓના સન્માન માટે સ્વતંત્રતા દિવસ પહેલા ‘મારી માટી, મારો દેશ’ અભિયાન શરૂ કરવામાં આવશે.
જેને લઈને તાપીના સોનગઢથી ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ રાજ્ય વ્યાપી કાર્યક્રમનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરાવશે. જે અન્વયે તાજેતરમાં ગુજરાત રાજયના મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષસ્થાને તાપી કલેક્ટર કચેરી ખાતે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં માહિતી આપવામાં આવી હતી.
તાપી જિલ્લા કલેકટર કચેરીની હોલમાં આજરોજ તાપી જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગ દ્વારાપત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એમની સાથે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વી. એન. શાહ અને ડીસીએફ પુનિત નઈયર વિશેષ હાજર રહ્યા હતા. તાપી જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, 9 તારીખ થી બે તબક્કા મા કાર્યક્રમ યોજાશે. જેનો પ્રારંભ સોનગઢ ખાતેથી કરવામાં આવશે.આ કાર્યક્રમમાં સમગ્ર તાપી જિલ્લાને આવરી લેવામાં આવશે. જેમાં તા.9થી 15 ઓગસ્ટ સુધી પંચાયતના તાલુકાઓના, તા.12થી 20 નગરપાલિકાના, તા.27થી 28 મહાનગર પાલિકાઓના યુવાનો કળશ લઇને તા.29 તથા 30માં દિલ્હીમાં યોજાનારા વડાપ્રધાનના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેશે. મુખ્ય કાર્યક્રમમાં સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લાના સાત તાલુકાઓમાંથી પણ માટીનો કળશ લઇને યુવાઓ દિલ્હીના કર્તવ્યપથ ઉપર યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે.
જેમાં વધુ માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, 296 ગ્રામપંચાયતોમા 73 અમૃત સરોવરો પર કળશ યાત્રા, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, વીરો કો વંદન અને ધ્વજ વંદન- રાષ્ટ્રગાન સહિત કાર્યક્રમો યોજાશે. જ્યારે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે જણાવ્યું હતું કે 9 ઓગસ્ટને લઈને સંપૂર્ણ પોલીસ વિભાગ સજજ છેે અને તમામ પ્રકારના કાર્યક્રમો તાપી જિલ્લામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્માંણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસતંત્ર ખડેે પગે ઉભું છે.
વિશ્વ આદિવાસી દિવસ પર સોનગઢ ખાતે પધારી રહેલા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક નૃત્યો લોક કલાકારો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થનાર છે જેથી એની ભવ્ય ઉજવણી કરવા લોકોને પધારવા જાહેર આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.
