#Navratri festival/ નવરાત્રિ તહેવાર ટાણે ફૂલોના ભાવમાં ધરખમ વધારો

અમદાવાદના ફૂલ બજારમાં ફૂલનો ભાવ સૌથી ઓછો હોય છે. તહેવાર દરમ્યાન ફૂલ બજારમાં પણ ફૂલોના ભાવમાં 40 થી 60 ટકા જેટલો વધારો નોંધાયો છે.

Ahmedabad Gujarat
navratri flower

તહેવારમાં ફૂલોની સુંગધ બની મોંઘી

ગુજરાતમાં અત્યારે નવરાત્રિ તહેવારની પૂરજોશમાં ઉજવણી ચાલી રહી છે. નવરાત્રિમાં માતા જંગદબાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ ભક્તિના રંગે રંગાઈ માતાની આરાધના કરે છે. નોરતાંમાં માતાની પૂજામાં ફૂલોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. લોકોને મનગમતા તહેવાર સમયે જ ફૂલોના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો. અમદાવાદના ફૂલ બજારમાં ફૂલનો ભાવ સૌથી ઓછો હોય છે. ત્યારે હાલમાં ફૂલ બજારમાં પણ ફૂલોના ભાવમાં 40 થી 60 ટકા જેટલો વધારો થયો છે. ફૂલોના ભાવ વધતા લોકો નારાજ થયા છે.

વર્તમાન સમયમાં જોવા મળી રહ્યું છે કે સિઝનમાં તમામ વસ્તુઓ વધુ મોંઘી બનવા લાગી છે. કેરીની સિઝનમાં કેરી મોંઘી બને છે તો નજીવી કિમંતના ફૂલ અત્યારે તહેવાર ટાણે મોંઘા બન્યા છે. અમદાવાદમાં જમાલપુરનું ફૂલ બજાર ફૂલોની ખરીદી માટે વધુ ખાસ માનવામાં આવે છે. જમાલપુરના ફૂલ બજારમાં ગુલાબ, લીલી અને ગલગોટા જેવા તમામ પ્રકારના ફૂલ ઉપલબ્ધ હોય છે. ઘરે લગ્નપ્રસંગ હોય કે પછી કોઈ ફકંશન હોય લોકો જમાલપુરના ફુલ બજારમાંથી ફૂલ લેવાનું પસંદ કરે છે. કેમકે જમાલપુરમાં સૌથી સસ્તા દરે તમામ પ્રકારના ફૂલ મળી રહે છે. જો કે હાલમાં જમાલુપર ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં 60 ટકાનો વધારો જોવા મળ્યો.

નવરાત્રિ તહેવાર પર્વ દરમ્યાન ગલગોટાના ભાવ રૂ. 30થી વધીને 50 થયો. જ્યારે ફૂલોના રાજા ગુલાબનો ભાવ રૂ.100થી વધી 150-200 જેટલો થયો. અને સામાન્ય દિવસોમાં લીલી ફૂલનો ભાવ નજીવી કિમંતે હોય છે જેની કિમંત નવરાત્રિમાં 100 રૂપિયા જેટલી થઈ છે. ગુલાબ અને ગલગોટામાં છૂટક ફૂલ અને માતાને ચઢાવવામાં આવતા હારના ભાવ અલગ-અલગ છે. તહેવાર અને લગ્ન પ્રસંગ ઉપરાંત વેલેન્ટાઈન ડેના દિવસોમાં પણ ફૂલોના ભાવમાં ધરખમ વધારો જોવા મળતો હોય છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી તહેવારની સિઝન ચાલી રહી છે. જન્માષ્ટમી, ગણેશોત્વસ બાદ નવરાત્રિના તહેવારની લોકો ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે. હિંદુ પરંપરામાં મોટાભાગના ધાર્મિક તહેવારમાં કરાતી પૂજામાં ફૂલનો વિશેષ ઉપયોગ થતો હોય છે. નવરાત્રિ તહેવારમાં પૂજા ઉપરાંત સુશોભન માટે પણ ફૂલોનો ઉપયોગ થાય છે. અનેક સ્થાનો પર સુંદર સજાવટ માટે ફૂલોની રંગોળી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં ફૂલના ભાવમાં બમણો વધારો થતા શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં ઓટ આવી શકે છે. ફૂલોના ભાવ વધવાથી ફૂલોના વેપારીઓને કમાવવાની તક મળી છે ત્યારે સામાન્ય માણસ માતાની પૂજામાં ફૂલોનો ઇચ્છા મુજબ ઉપયોગ કરી શકશે નહિ.