ભારતીય મહિલા ટીમે પ્રથમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું છે. નવી મુંબઈમાં રમાયેલી મેચમાં તિતાસ સાધુની 4 વિકેટની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને 19.2 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જવાબમાં ભારતીય મહિલા ટીમે એક વિકેટ ગુમાવ્યા બાદ અને સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની અડધી સદીના કારણે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું.
ભારતે 17.4 ઓવરમાં એક વિકેટે 145 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 142 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ભારતને સારી શરૂઆત અપાવી અને ટીમને જીતની નજીક લઈ ગઈ. સ્મૃતિ મંધાનાએ 52 બોલમાં 54 રન બનાવ્યા હતા. શેફાલી 44 બોલમાં 64 રન બનાવીને અણનમ રહી હતી. ભારતે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ જીતીને 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
અગાઉ, તિતાસ સાધુ (17 રનમાં ચાર વિકેટ)ના કારકિર્દીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને કારણે ભારતીય મહિલા ટીમે શુક્રવારે ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 19.2 ઓવરમાં 141 રનમાં આઉટ કરી દીધું હતું. સાધુ ઉપરાંત દીપ્તિ શર્માએ 24 રનમાં બે અને શ્રેયંકા પાટીલે 19 રનમાં બે વિકેટ લીધી હતી. સાધુએ શરૂઆતમાં ત્રણ વિકેટ લીધા બાદ ફોબી લિચફિલ્ડ (49 રન) અને એલિસ પેરી (37 રન)એ પાંચમી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને આ સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

આ પણ વાંચો:hijacked ship/અરબી સમુદ્રમાં જહાજનું અપહરણ, ભારતીય નૌકાદળે INS મોકલી કરી મદદ
