જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર કાનાલુસ ગામના પાટીયા પાસે મોડી સાંજે ખાનગી લક્ઝરી બસ પલટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી. જે બસની અંદર બેઠેલા મુસાફરો પૈકીના 10 વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. આ અકસ્માત બાદ 108 ની ટીમ અને પોલીસ તંત્ર દોડતું થયું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાનાલૂસ ગામના પાટીયા પાસે સાતેક વાગ્યાના અરસામાં એક ખાનગી લક્ઝરી બસ કે જે મોટી ખાવડી થી કેટલાક ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને જામનગર તરફ આવી રહી હતી, જે બસ અકસ્માતે પલટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી.

આ અકસ્માતમાં બસની અંદર બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી, અને ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. સૌપ્રથમ 108ની ટીમને જાણ કરાતાં 108 ની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ અન્ય ખાનગી કંપનીની એમ્બ્યુલન્સ પણ બનાવના સ્થળે પહોંચી હતી, અને સૌપ્રથમ 108 ની ટીમે ચાર ઇજાગ્રસ્તો ને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. આ ઉપરાંત અન્ય છ વ્યક્તિને પણ નાની-મોટી ઈજા થઈ હોવાથી ખાનગી કંપનીની એમ્બ્યુલન્સ મારફતે સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા છે.

આ અકસ્માતના બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે, સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યો છે, અને વધુ તપાસ ચલાવાઈ રહી છે.
@સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર
