MANTAVYA Vishesh/ રશિયન આર્મીમાં એક ગુજરાતી યુવકનું મોત,ભારતીય યુવાનો સાથે છેતરપિંડી કરીને યુદ્ધમાં મોકલ્યા

રશિયન આર્મીમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતા એક ગુજરાતી યુવકનું મોત થયું છે.ત્યારે આજે મંતવ્ય વિશેષમાં જાણો કેવી રીતે આ યુવકોને કપટથી રશિયા મોકલીને ત્યાંની સેનામાં સામેલ કરવામાં આવ્યા અને આ મામલે ભારત સરકારે અત્યાર સુધી શું કહ્યું છે…

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh
  • રશિયન આર્મીમાં ભારતીયો
  • આર્મીમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે યુવાનો
  • દોઢ લાખ પગાર, હેલ્પરની નોકરી      
  • રશિયન આર્મીમાં એક ગુજરાતી યુવકનું મોત
  • છેતરપિંડી કરીને યુદ્ધમાં મોકલવામાં આવ્યા
  • આ યુવકોને કપટથી રશિયા મોકલવામાં આવે છે !

રશિયન આર્મીમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતા એક ગુજરાતી યુવકનું મોત થયું છે.એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક ભારતીય યુવકો જંગલ વિસ્તારમાં રશિયન સેનાનો યુનિફોર્મ પહેરેલા જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં એક ભારતીય યુવક તેના હાથ પર ઈજા બતાવી રહ્યો છે. તે રશિયામાં છે અને કહી રહ્યો છે કે તે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઘાયલ થયો છે.આ ભારતીય યુવાનોને હેલ્પર અને સુરક્ષા સંબંધિત નોકરીઓ માટે લાખો રૂપિયા આપીને રશિયા મોકલવામાં આવ્યા હતા. સારી નોકરી અને સારી કમાણીની આશામાં રશિયા ગયેલા આ યુવાનોને ટ્રેનિંગ આપીને રશિયન આર્મીમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ તમામને ભારત પરત લાવવાની વિનંતી કરવામાં આવી હતી.

રશિયન રક્ષા મંત્રાલયના એક અધિકારીને ટાંકીને લખાયેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા એક વર્ષમાં લગભગ 100 ભારતીયો રશિયા ગયા છે.તો અન્ય એક અહેવાલ અનુસાર તાજેતરમાં કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરના કુલ 16 લોકો રશિયા ગયા હતા. રશિયામાં એજન્ટો મોકલનારા આ નેટવર્કમાં બે એજન્ટ રશિયાના અને બે એજન્ટ ભારતના હતા.તો રશિયાને લગતા ઘણા વીડિયો છે, જેમાં રશિયામાં રોજગારી આપવાનો દાવો કરવામાં આવ્યો છે.એવા ઘણા વીડિયો છે જેમાં લોકોને સારી નોકરી માટે રશિયા જેવા દેશોમાં મોકલવાની પ્રક્રિયા અને ખર્ચનો ખુલાસો કરવામાં આવ્યો છે.

ત્યારે હવે જાણીએ કે ભારતીયોને નોકરી માટે રશિયા કોણે મોકલ્યા? તો કેટલાક એજન્ટોએ મળીને કુલ 35 લોકોને રશિયા મોકલવાનો પ્લાન બનાવ્યો હતો.સૌથી પહેલા 9 નવેમ્બર 2023ના રોજ ત્રણ લોકોને ચેન્નાઈથી શારજાહ મોકલવામાં આવ્યા હતા, અને ત્યાંથી 12 નવેમ્બરે તેને રશિયાની રાજધાની મોસ્કો લઈ જવામાં આવ્યા.ત્યારબાદ 6 વધુ ભારતીયોને, અને થોડા દિવસો પછી 7 વધુ ભારતીયોને રશિયા પહોંચાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયામાં કામ કરવા ગયેલા કેટલાક લોકોના નામ પણ સામે આવ્યા છે. જેમાં હૈદરાબાદના મોહમ્મદ અફસાન, તેલંગાણાના નારાયણપેટ વિસ્તારના સુફિયાન, ઉત્તર પ્રદેશના અરબાન અહેમદ, કાશ્મીરના ઝહૂર અહેમદ, ગુજરાતના હેમિલ અને કર્ણાટકના ગુલબર્ગના સૈયદ હુસૈન, સમીર અહેમદ અને અબ્દુલ નઈમનો સમાવેશ થાય છે. તે બધાને કહેવામાં આવ્યું કે તેઓએ મદદગાર તરીકે કામ કરવું પડશે અને સેનામાં સૈનિકોની જેમ લડવાનું નથી.આ ભારતીય લોકોના પરિવારજનોનું કહેવું છે કે રશિયા પહોંચ્યા પછી બધાને થોડા દિવસો માટે ટ્રેનિંગ આપવામાં આવી અને પછી 24 ડિસેમ્બર 2023ના રોજ રશિયન આર્મીમાં સામેલ કરવામાં આવ્યા. તો ભારતીય મૂળના એક રશિયન અધિકારીએ પણ જણાવ્યું હતું કે નોકરી શોધનારાઓને કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા જ કહેવામાં આવે છે કે તેમની નોકરી ‘આર્મી સિક્યુરિટી હેલ્પર્સ’ છે. આ સાથે નોકરીના જોખમો પણ જણાવવામાં આવ્યા છે. કરારમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે 6 મહિના પહેલા નોકરીમાંથી રજા અથવા સમાપ્તિની કોઈ જોગવાઈ નથી. તેમાં ભારતીયોને દર મહિને 1 લાખ 95 હજાર રૂપિયા અને વધારાના લાભો તરીકે 50 હજાર રૂપિયા આપવાની જોગવાઈ પણ સામેલ છે.

તો રશિયન આર્મીના મોસ્કો સેન્ટરમાં લગભગ 100 ભારતીયની ભરતી કરાઈ હતી.સમગ્ર રશિયામાં આ સંખ્યા વધુ હોઈ શકે છે. ત્યારે બાબા બ્લોગના ફૈઝલ ખાન કહે છે કે  ભારતમાં બેઠેલા એજન્ટો વીડિયો બનાવીને બેરોજગારોને ફસાવે છે અને તેમને યુદ્ધમાં મોકલવાની હકીકત છુપાવે છે. એજન્ટોએ ‘સિક્યોરિટી હેલ્પર’ની નોકરી માટે વ્યક્તિદીઠ 3 લાખ રૂપિયા લીધા હતા,અને તેમને 1.5 લાખનો પગાર આપવાનું વચન આપ્યું હતું, ત્યારે હેલ્પરની નોકરી હોવાનું કહીને તેમને યુદ્ધ લડવા મોકલી દેવાયા હતા. અને રશિયા ગયેલા ભારતીય યુવાનો લાંબા સમયથી તેમના પરિવારનો સંપર્ક કરી શક્યા ન હતા ત્યારે થોડા દિવસો પહેલા, મદદ માટે વિનંતી કરતા તેના કેટલાક વીડિયો સામે આવ્યા હતા.

તેલંગાણાના સુફિયાન, કર્ણાટકના સૈયદ ઇલ્યાસ હુસૈન, સમીર અહેમદ એક વીડિયોમાં કહી રહ્યા છે કે, “અમને સુરક્ષા સહાયક તરીકે કામ કરવા માટે નોકરી આપવામાં આવી હતી, પરંતુ અહીં અમને રશિયન આર્મીમાં સામેલ કરવામાં આવ્યા હતા. રશિયન અધિકારીઓ અમને યુદ્ધ મોરચે મોકલી રહ્યા છે. અમે જંગલમાં તૈનાત કરવામાં આવ્યા છે. બાબા વ્લોગના એજન્ટે અમારી સાથે દગો કર્યો છે.’ તો અન્ય એક વીડિયોમાં યુપીના અરબાઝ હુસૈન હાથ પર ઈજા દેખાઈ રહી છે. તેણે કહ્યું કે તેને યુદ્ધના મેદાનમાં મોકલવામાં આવ્યો હતો અને તે ત્યાંથી મોટી મુશ્કેલીથી ભાગી ગયો હતો. અરબાઝ તેમને કોઈક રીતે બચાવી લેવા વિનંતી કરી રહ્યો છે.

તો એક અહેવાલ અનુસાર, તાલીમ શરૂ થાય તે પહેલા, રશિયન અધિકારીઓએ છોકરાઓને બોન્ડ પેપર પર સહી કરવાનું કહ્યું. રશિયા ગયેલા મોહમ્મદ અફસાનના ભાઈ ઈમરાનના કહેવા પ્રમાણે, આ બોન્ડની ભાષા રશિયન હતી. છોકરાઓને એજન્ટ પર ભરોસો હતો એટલે બધાએ સહી કરી લીધી હતી.ફૈઝલ ​​ખાનનો વીડિયો જોયા બાદ અફસાને તેનો સંપર્ક કર્યો અને તે રશિયા ગયો હતો. રશિયા ગયા બાદ ઇમરાને 31 ડિસેમ્બરે અફસાન સાથે છેલ્લી વાત કરી હતી. અફસાને કહ્યું હતું કે તેને જે ટ્રેનિંગ મળી રહી છે તે અલગ છે અને એવું નથી લાગતું કે આ ટ્રેનિંગ હેલ્પરના કામ માટે છે. તે પછી અફસાને તેના પરિવાર સાથે કોઈ સંપર્ક કર્યો ન હતો. પરિવારના સભ્યોને પણ ખબર નથી કે અફસાન અત્યારે ક્યાં અને કઈ સ્થિતિમાં છે. અન્ય એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રશિયા પહોંચેલા ભારતીયોને સેનાના હથિયારો અને દારૂગોળાની જાળવણીની તાલીમ આપવામાં આવી હતી અને પછી તેમને યુદ્ધ મોરચે મોકલવામાં આવ્યા હતા.

​ત્યારે તેલંગાણાના સૈયદ સુફિયાન 16 નવેમ્બર 2023ના રોજ રશિયા ગયો હતા. તે પહેલા તે દુબઈમાં કામ કરતો હતો. તેની માતાનું કહેવું છે કે તેણે 18 જાન્યુઆરીથી તેના પુત્ર સાથે કોઈ સંપર્ક કર્યો નથી. જ્યારે તેણે સુફીયાન સાથે વાત કરી તો તેણે કહ્યું કે તેની પાસે ફોન નથી, એટલે કે તેમને ફોનનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી.ફૈઝલ ​​ખાનના કહેવા પ્રમાણે, યુદ્ધના મેદાનમાં ફોનનો ઉપયોગ કરવામાં ખતરો છે. યુક્રેનની સેના સિગ્નલોને ટ્રેસ કરી શકે છે અને રશિયન સેનાનું સ્થાન શોધી શકે છે, તેથી યુદ્ધ દરમિયાન ફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. અઠવાડિયામાં માત્ર એક જ વાર ફોનનો ઉપયોગ કરવાની છૂટ છે.

તો એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા પહોંચેલા ભારતીયોને પુતિનની ખાનગી સેના વેગનરમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.જોકે જ્યારે ફૈઝલ સાથે વાત કરવામાં આવી તો તેણે બંને વખત અલગ-અલગ જવાબો આપ્યા. પહેલા કહ્યું કે ભારતીયોને વેગનરમાં સામેલ કરવામાં આવ્યા છે અને બાદમાં કહ્યું કે તેમને રશિયન સેનામાં સામેલ કરવામાં આવ્યા છે.

ત્યારે રશિયા ગયેલા એક ભારતીયના પરિવારના સભ્યો AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીને મળ્યા હતા. આ પછી ઓવૈસીએ વિદેશ મંત્રી એસ જયશંકરને ભારતીયોની વાપસી માટે પ્રયત્નો કરવા કહ્યું હતું. સોશિયલ મીડિયા સાઈટ X પર જયશંકરને ટેગ કરતાં તેમણે લખ્યું કે, ‘આ ભારતીયોની જિંદગી જોખમમાં છે. તેના પરિવારના સભ્યો ચિંતિત છે. કૃપા કરીને તેમને ઘરે પાછા લાવવાનો પ્રયાસ કરો.

તો વિદેશ મંત્રાલયે પણ પુષ્ટિ કરી છે કે ઘણા ભારતીયો રશિયામાં આર્મી સપોર્ટ સ્ટાફ તરીકે કામ કરી રહ્યા છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘અમને માહિતી મળી છે કે કેટલાક ભારતીય નાગરિકોએ રશિયન આર્મીમાં સપોર્ટ સ્ટાફ તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે. ભારતીય દૂતાવાસ આ અંગે રશિયન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. અમે તમામ ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અને આ સંઘર્ષથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ. વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ પણ જારી કરી છે અને કહ્યું છે કે, ‘અમે મીડિયામાં કેટલાક ખોટા અહેવાલો જોયા છે કે ભારતીયો રશિયન સેનાથી બચવા માટે મદદ માંગે છે. મોસ્કોમાં ભારતીય દૂતાવાસના ધ્યાન પર આવી હોય તેવી દરેક બાબત અમે રશિયન સત્તાવાળાઓ સાથે મજબૂતીથી ઉઠાવી છે અને મંત્રાલયના ધ્યાન પર લાવવામાં આવેલી બાબતોને દિલ્હીમાં રશિયન દૂતાવાસ સાથે ઉઠાવવામાં આવી છે. જેના કારણે ઘણા ભારતીયોને પહેલાથી જ છૂટા કરી દેવામાં આવ્યા છે. અમે ભારતીય નાગરિકોની વહેલી મુક્તિ માટે રશિયન સત્તાવાળાઓ સાથે વાતચીત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે એ વાતની પુષ્ટિ કરી નથી કે રશિયન સેનામાં જોડાનારા ભારતીય યુવાનો સીધા યુદ્ધમાં ભાગ લઈ રહ્યા છે કે નહીં. રશિયન સેનામાંથી કેટલા યુવાનોને મુક્ત કરવામાં આવ્યા છે તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. ત્યારે નોંધનીય છે કે રશિયન સેનામાં ફરજ બજાવતા નેપાળના ઓછામાં ઓછા 10 નાગરિકો માર્યા ગયા છે. જે બાદ તાજેતરમાં નેપાળે તેના નાગરિકોને રશિયા અને યુક્રેનમાં કામ કરવાની પરમિટ આપવાનું બંધ કરી દીધું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલીવાર ઈસરોના આ કેન્દ્રમાં કોઈ વડાપ્રધાન પહોંચ્યા, ત્રણ મોટા પ્રોજેક્ટ થયા શરૂ

આ પણ વાંચો:પંકજ ઉધાસના નિધન પર PM મોદીનું ભાવુક ટ્વીટ, કહ્યું- તેમની ગઝલો સીધી આત્માથી…

આ પણ વાંચો:હરિયાણામાં થયેલી નેતાની હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી

આ પણ વાંચો:શાહજહાંની તાત્કાલિક ધરપકડ કરો: કોલકાતા હાઈકોર્ટ