Vadodara News/   વડોદરામાં પીએમ મોદીના ભવ્ય રોડ-શોમાં ઉમટ્યું માનવ મહેરામણ, લોકોએ કર્યું ઉષ્માભેર સ્વાગત

Narendra Modi in Vadodara: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની કર્મભૂમિ વડોદરામાં ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી ભવ્ય રોડ શો યોજ્યો. 16 સ્ટેજ પરથી વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરાઈ.

Gujarat Top Stories Vadodara
Narendra Modi in Vadodara

Narendra Modi in Vadodara: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે પોતાની કર્મભૂમિ વડોદરાની વિશેષ મુલાકાત લીધી હતી. સરદારધામના લોકાર્પણ બાદ પીએમ મોદીએ વડોદરાવાસીઓ સાથે સીધો સંવાદ સાધવા માટે એક ભવ્ય રોડ-શોનું આયોજન કર્યું હતું. ગદા સર્કલથી શરૂ કરીને જૂના એરપોર્ટના ગેટ સુધીના આ દોઢ કિલોમીટર લાંબા રોડ-શોમાં વડોદરાની જનતાએ પોતાના લોકલાડીલા નેતાનું ભારે હર્ષોલ્લાસ અને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

Narendra Modi in Vadodara

Vadodara: 16 વિશેષ મંચો પરથી રજૂ થઈ સાંસ્કૃતિક વિવિધતા

વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રોડ-શોના સમગ્ર રૂટ પર ખાસ 16 જેટલા સુસજ્જ મંચ (સ્ટેજ) ઉભા કરવામાં આવ્યા હતા. આ મંચો પરથી પ્રધાનમંત્રીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સ્વપ્નને સાકાર કરતી વિવિધ રાજ્યોની આકર્ષક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ગદા સર્કલ ખાતે પ્રથમ મંચ પરથી પીએમ મોદીનું ભાવભીનું સ્વાગત થયા બાદ, ગુજરાતની શાન સમાન ગરબાની રમઝટ સાથે આ ઐતિહાસિક યાત્રા આગળ વધી હતી.

કયા મંચ પરથી શું રજૂ કરાયું?

આ રોડ-શોમાં અનેકતામાં એકતા અને ભારતીય સંસ્કૃતિની ભવ્યતાના દર્શન થયા હતા, જેમાં ખાસ કરીને બંગાળી કલાકારોની મનમોહક પ્રસ્તુતિ અને અસમના ઐતિહાસિક વારસાને દર્શાવતું ‘બીહુ નૃત્ય’ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ ઉપરાંત તમિલનાડુનું પ્રખ્યાત ‘ભરતનાટ્યમ’, કેરળ અને ઓરિસ્સાની ‘કથકલી’ તેમજ મણિપુરી નૃત્યની રમઝટ જોવા મળી હતી. સાથે જ કેરળના કાંતારા કલા જૂથનું પર્ફોર્મન્સ, જગતજનની મહાકાલીની ભક્તિમય આરાધના, બાલ ગુરુજી દ્વારા ‘નાદસ્વરમ’ વાદન અને રામાયણની થીમ પર આધારિત ‘અયોધ્યા’ નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતીય સેનાના શૌર્યને પ્રદર્શિત કરતું ‘ઓપરેશન સિંદૂર’, જોમવંતું પંજાબી ભાંગડા અને રાષ્ટ્રના વિકાસને ઉજાગર કરતી ‘જય જય ગરવી ગુજરાત – મેક ઇન ઇન્ડિયા’ થીમ પણ પ્રસ્તુત કરવામાં આવી હતી.

Narendra Modi in Vadodara

વડોદરાવાસીઓના હૃદયમાં અંકિત થઈ ઐતિહાસિક ક્ષણ

અતુલ્ય ભારત અને વિકાસની યાત્રાને જોડતા આ ભવ્ય કાર્યક્રમમાં વડોદરાની ભાવુક જનતા મનભરીને જોડાઈ હતી. પીએમ મોદીએ પણ ખુલ્લા મને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જેનાથી ત્યાં ઉપસ્થિત લાખો લોકોનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો.

નોંધનીય છે કે, વડોદરાના આ ઐતિહાસિક રોડ-શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વની મુલાકાત, રાજ્યના વિકાસ રોડમેપ પર ચર્ચા

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!

આ પણ વાંચો : સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ PM નરેન્દ્ર મોદીનું 100 કળશ નૃત્ય અને શંખનાદ સાથે કલામય સ્વાગત કરાશે