Gujarat Weather News:ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરુચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પોરબંદરમાં 24 કલાકમાં 26 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. દ્વારકામાં માત્ર બે કલાકમાં 10 ઇંચ વરસાદ પડતા યાત્રાધામમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. બીજી તરફ વલસાડમાં 6.5 ઇંચ તો ઉમરગામમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુરમાં મોડી રાત્રે ધોધમાર પાંચ ઇંચ સાથે રાત્રી સુધીમાં સાડા તેર ઇંચ પાણી વરસી ગયું હતુ. જયારે દ્વારકામાં સવારથી હળવા વરસાદ બાદ સાંજે ચાર વાગ્યે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બે કલાકમાં જ દશેક ઇંચ પાણી ઠાલવી દેતા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી.જયારે ખંભાળીયામાં ધોધમાર સાડા છ ઇંચ વરસાદ પડયો હતો.ભાણવડમાં સાડા ત્રણ ઇંચ પાણી વરસ્યુ હતુ. દેવભૂમિમાં ભારે વરસાદના કારણે તમામ ડેમોમાં નવા નીર આવ્યા હતા.
| પોરબંદર | 20 ઇંચ |
| દ્વારકા | 12 ઇંચ |
| ઉમરગામ | 8 ઇંચ |
| પારડી | 4.5 ઇંચ |
| વાપી | 4 ઇંચ |
| કલ્યાણપુરા | 18 ઇંચ |
| ખંભાળિયા | 6 ઇંચ |
| જામનગર | 5.5 ઇંચ |
| કાલાવાડ | 3.5 ઇંચ |
| કેશોદ | 8 ઇંચ |
| ઉપલેટા | 3 ઇંચ |
| પારડી | 2 ઇંચ |
| જૂનાગઢ | 6 ઇંચ |
| ધોરાજી | 9 ઇંચ |
સૌરાષ્ટ્ર 400 લોકોનું સ્થળાંતર, 57 ગામો પૂરને કારણે અસરગ્રસ્ત, રાહત અન ેબચાવ માટે ટીમો તહેનાત ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં 400 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા જ્યારે 57 ગામને અસર થઈ હતી. રાજ્ય સરકારના આંકડા અનુસાર આ ચોમાસામાં અત્યાર સુધી વરસાદ સંબંધિત અકસ્માતોને કારણે 42 લોકોના મોત નીપજ્યાં છે. સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી છે.
મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હોય તેમ દેખાયા છે. 41 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. સૌથી વધુ પોરબંદરના 17 રસ્તા, જૂનાગઢના 12 રસ્તા બંધ કરવા પડ્યા છે. 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તક રસ્તા અને અન્ય 10 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. ભારે વરસાદથી એસટી બસ સેવા પણ પ્રભાવિત થઇ છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે અનેક રૂટ પર એસટી બસ સેવા બંધ કરવાની ફરજ પડી છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ ડિવિઝનના 26 રૂટ પર એસટી બસો બંધ કરાઇ છે. પોરબંદર ડિવિઝનના 9 રૂટ પર બસો બંધ કરાઇ છે તો ગીર સોમનાથના 4 રૂટ પર બસ સેવા બંધ કરાઇ છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.
રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરોને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ NDRFની કુલ 10 ટીમો, SDRFની કુલ 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. 5 એન.ડી. આર.એફ.ની ટીમો રીઝર્વ રાખવામાં આવી છે.
ભારે વરસાદને લીધે કુલ 45 વ્યક્તિઓનું રેસ્ક્યુ, 398 વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં થયેલ ભારે વરસાદના પરિણામે રાજ્યના 57 ગામો અસરગ્રસ્ત થયા છે. રાજ્યના 09 સ્ટેટ હાઇવે, પંચાયતના 174 રસ્તાઓ તથા અન્ય 26 રસ્તાઓ મળી કુલ 209 રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદને પરિણામે 359 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી. જે પૈકી 314 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે તથા 45 ગામોમાં કામગીરી પ્રગતિમાં છે.
આ પણ વાંચો: પોરબંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ
આ પણ વાંચો: નાંદોદની ત્રણ દૂધ ઉત્પાદક મંડળીઓના કૌભાંડની તપાસમાં ભીનું સંકેલાયાની શંકા
આ પણ વાંચો: સર્વર ઠપ થતા અમદાવાદ એરપોર્ટની અન્ય મેટ્રો શહેર સાથે કનેક્ટિવિટી ઠપ
