Gujarat Gas Supply Update: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસરો હવે ભારતના રસોડા સુધી પહોંચવા લાગી છે. વૈશ્વિક સ્તરે ગેસના પુરવઠામાં અવરોધ આવવાની આશંકા વચ્ચે ગુજરાતના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે મોટી હૈયાધારણા આપી છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે સરકારની પ્રાથમિકતા સામાન્ય નાગરિકના ઘરનો ચૂલો સળગતો રાખવાની છે, જેના માટે ઉદ્યોગોના ગેસ પુરવઠામાં કાપ મૂકવામાં આવ્યો છે.
ક્યાં કેટલો કાપ મૂકાયો?
ઘરેલું રાંધણ ગેસ (LPG) નો પુરવઠો નિયમિત રીતે જળવાઈ રહે તે માટે સરકારે અન્ય સેક્ટરમાં ગેસ કાપ મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે મુજબ, ઉદ્યોગોના ઇન્ડસ્ટ્રીયલ ગેસ પુરવઠામાં 50% નો મોટો કાપ ઝીંકવામાં આવ્યો છે. આ ઉપરાંત ફર્ટિલાઈઝર (ખાતર) અને દૂધના પ્લાન્ટ્સ માટે પણ ગેસના પુરવઠામાં ૪૦% નો કાપ મૂકાયો છે. જોકે, આ સ્થિતિ વચ્ચે વેપારીઓને મળતા કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો યથાવત રાખવા માટે સરકાર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવશે.
સિલિન્ડર બુકિંગના નિયમોમાં ફેરફાર
કેન્દ્ર સરકારે ગેસનો સંગ્રહ (Hoarding) અટકાવવા માટે સિલિન્ડર બુકિંગના ‘વેઇટિંગ પિરિયડ’માં વધારો કરી દીધો છે. નવા નિયમ મુજબ, હવે એક સિલિન્ડર બુક કર્યા પછી બીજો સિલિન્ડર 25 દિવસ પછી જ બુક કરી શકાશે. અગાઉ આ મર્યાદા 21 દિવસની રાખવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી જરૂર ન હોવા છતાં લોકો ગેસનો બિનજરૂરી સ્ટોક ન કરે અને ખરેખર જરૂરિયાતમંદ નાગરિકોને નિયમિતપણે ગેસનો પુરવઠો મળી રહે.

₹60 મોંઘો થયો રાંધણ Gas
યુદ્ધની અસરો વચ્ચે 7 માર્ચથી ગેસના ભાવમાં મોટો વધારો ઝીંકાયો છે. ઘરેલું સિલિન્ડર (14.2 kg) ના ભાવમાં ₹60 નો વધારો થતા હવે દિલ્હીમાં તેનો નવો ભાવ ₹913 થઈ ગયો છે. આ ઉપરાંત, કોમર્શિયલ સિલિન્ડર (19 kg) ના ભાવમાં પણ ₹115 નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે તેની નવી કિંમત વધીને ₹1883 થઈ ગઈ છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે રાહત
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 130 ડોલર પ્રતિ બેરલને પાર નહીં કરે, ત્યાં સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવશે નહીં. હાલમાં ક્રૂડ 100 ડોલરની આસપાસ છે, તેથી ભાવ સ્થિર રહેવાની શક્યતા છે.
ભારત પાસે પૂરતો સ્ટોક, ગભરાવાની જરૂર નથી
ઉર્જા મંત્રીએ જણાવ્યું કે ભારત પાસે ઇંધણ અને ATF (વિમાનનું બળતણ) નો પૂરતો સ્ટોક છે. સપ્લાય ચેઇન જાળવી રાખવા માટે ભારતે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ સિવાયના વૈકલ્પિક સમુદ્રી માર્ગોથી પણ ક્રૂડ ઓઈલ મંગાવવાનું શરૂ કર્યું છે. ભારતની આ રણનીતિની દુનિયાના અન્ય દેશો પણ પ્રશંસા કરી રહ્યા છે અને સલાહ માંગી રહ્યા છે.
આ પણ વાંચો:આઠમા પગાર પંચથી લઈને LPGના ભાવ… આજથી બદલાશે આ 10 નિયમો, તમારા ખિસ્સાને થશે અસર
આ પણ વાંચો:ટ્રેન ટિકિટ, LPG, UPI થી માંડીને મોબાઇલના સિમ સુધી…1 માર્ચથી બદલાશે નિયમો…ખિસ્સા પર કરશે અસર!
આ પણ વાંચો:LPG સિલિન્ડર મોંઘા, ઘરેલુ સિલિન્ડરમાં ₹60, કોમર્શિયલમાં ₹115નો વધારો,આજથી નવા દર લાગુ
