Kutch News: દેશની સરહદની સુરક્ષા કરતાં જવાનો પાયાની સગવડથી કેવી રીતે વંચિત હોય છે તેનો પુરાવો કચ્છ સરહદે જોવા મળ્યો છે. કચ્છ સરહદે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના બે જવાનોના મોત થયા છે. આ મોત કંઈ પાકિસ્તાન સાથે સરહદે અથડામણથી થયા નથી પણ પાણી ન મળવાના લીધે થયા છે.
સરહદ પર જવાનોની પેટ્રોલિંગ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી. કચ્છમાં લખપત નજીકના સિરક્રીકની ખાડીમાં કળણવાળા વિસ્તારમાં આખી ટુકડી ખૂંપી ગઈ હતી. તેમાથી બહાર નીકળવામાં તેઓને વધારે સમય લાગ્યો હતો. આ દરમિયાન તેમની પાસેનો પાણીનો પુરવઠો ખલાસ થઈ જતાં તેઓ ડીહાઇડ્રેશનનો ભોગ બન્યા હતા. આ પાંચેય જવાનને પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમા પછી એક અધિકારી અને એક જવાનનું મોત થયું હતું. સિરક્રિકના પિલર નંબર 1,136 પાસે આ દુર્ઘટના બની હતી.
બીએસએફ ઘટના અંગે વધુ તપાસ કરશે. સુરક્ષા જવાનમાં શોકનું મોજું ફરી વળતાં ભારે ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે બંને મૃતદેહ હાલ ભુજ સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
લખપત નજીક આવેલ બોર્ડર આઉટ પોસ્ટ 1136 નજીક દલદલી ક્રિક પાસે આ ઘટના બની હતી. કળણ ક્રિક નજીક પેટ્રોલિંગ દરમિયાન ક્રિકમાં ફસાઇ જતા પાણી ન મળવાના કારણે મોત થયા હોવાનું હોસ્પિટલ ચોકીના નિવેદનમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, બંને જવાનના મૃતદેહને તેમના વતન મોકલવામાં આવશે. પાંચ જવાનને ડ્રિહાઇડ્રેશનની અસર થવા પામી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં એક્રોપોલીસ મોલમાં આગ લાગી, ચોતરફ દોડધામ
આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસને થાપ આપી ભાગી છૂટેલો નામચીન મોન્ટુ નામદાર પકડાયો
આ પણ વાંચો: મહેસાણામાં અમદાવાદના નશામાં ધૂત નબીરાઓએ અકસ્માત સર્જ્યો
