Neeta Chaudhary/ નીતા ચૌધરીને પકડવા ગયેલી ટીમને પણ ખબર ન હતી કે કોની ધરપકડ કરવાની છે

નીતા ચૌધરી ચર્ચાસ્પદ નામ બની ચૂક્યું છે. બૂટલેગરની આ પોલીસ કોન્સ્ટેબલ ગર્લફ્રેન્ડની એટીએસે કઈ રીતે ધરપકડ કરી તે એક રોમાંચક કાર્યવાહી છે. પોતે ક્યારેય પોલીસના ચુંગાલમાં નહીં પકડાય તેવા ગુમાનમાં રાચતી નીતા ચૌધરીની એટીએસે ધરપકડ કરતાં નીતા ચૌધરી પોતે પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: નીતા ચૌધરી ચર્ચાસ્પદ નામ બની ચૂક્યું છે. બૂટલેગરની આ પોલીસ કોન્સ્ટેબલ ગર્લફ્રેન્ડની એટીએસે કઈ રીતે ધરપકડ કરી તે એક રોમાંચક કાર્યવાહી છે. પોતે ક્યારેય પોલીસના ચુંગાલમાં નહીં પકડાય તેવા ગુમાનમાં રાચતી નીતા ચૌધરીની એટીએસે ધરપકડ કરતાં નીતા ચૌધરી પોતે પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. કચ્છ પોલીસના હાથમાં ન આવેલી નીતા ચૌધરીને પકડવી તે એટીએસ માટે મોટો પડકાર હતો. નીતા ચૌધરી ATSના હાથે ઝડપાઈ તેના થોડા દિવસ પહેલાં જ ATSને તેને પકડવા માટેની રિક્વેસ્ટ કરવામાં આવી હતી. જેના પગલે ATSએ બે ટીમ બનાવી હતી. એક ટીમ ગાંધીધામ તરફ તપાસ કરતી હતી પણ ત્યાં નીતાનું કોઈ લોકેશન મળતું નહોતું. જામીન રદ થયા પછી નીતા ભાગી ત્યારથી તેણે પોતાનો મોબાઇલ ફોન વાપરવાનું બંધ કરી દીધું હતું. એટલે ATSએ આખરે હ્યુમન રિસોર્સની મદદ લેવી પડી હતી. જેમાં તેમને સફળતા પણ મળી.

ATSને બાતમી મળી કે નીતા સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ભલગામડા ગામે હોઈ શકે છે. આ બાતમી મળ્યા બાદ શરૂ થયું એક ગુપ્ત ઓપરેશન. જેના વિશે ફક્ત ATSના ઉચ્ચ અધિકારીઓને જ જાણ હતી. આ અધિકારીઓએ નીતાને કેવી રીતે પકડવી તેનો આખો પ્લાન બનાવી લીધો. એ માટે સૌથી પહેલું કામ હતું નીતાના લોકેશનની ખરાઈ કરવાનું. ATSએ બીજી એક ટીમ તૈયાર કરી. આ ટીમમાં PI પીયૂષ દેસાઇ, 2 PSI અને એક મહિલા કોન્સ્ટેબલ સહિત 3 કોન્સ્ટેબલ હતા.

નીતાની ધરપકડના ત્રણ દિવસ અગાઉ ATSના ઉપરી અધિકારીએ PI દેસાઇને ફોન કર્યો હતો અને તાત્કાલિક ઓફિસે બોલાવ્યા હતા. PI દેસાઇ જેવા ઓફિસે પહોંચ્યા કે તેમને ટીમ સાથે એક ઓપરેશન પાર પાડવા જવાનું છે તેવું કહેવાયું હતું. આ આપરેશન શું હતું? ક્યાં જવાનું છે? શા માટે જવાનું છે? આ તમામ બાબતોથી PI દેસાઇ પણ અજાણ હતા. તેમને ફક્ત એક ઓપરેશન માટે જવાનું છે એટલી જ ખબર હતી. PI દેસાઇ પોતાની ટીમને સાથે રાખીને ખાનગી ઇનોવા કારમાં નીકળી પડ્યા હતા. ઇનોવા કાર અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર દોડી રહી હતી. ડ્રાઇવર પણ મૂંઝવણમાં હતો કારણ કે કારને ક્યાં સુધી હંકારવાની છે એ વિશે તેને પણ ચોક્કસપણે કશું જણાવાયું નહોતું. જેવી કાર અડધે રસ્તે પહોંચે છે કે PI દેસાઇનો મોબાઇલ રણક્યો હતો. ફોનના સામા છેડે તેમના ઉપરી અધિકારી હતા. તેમણે PI દેસાઇને નીતા ચૌધરીના લોકેશન વિશે માહિતી આપી હતી. હવે PI દેસાઇ અને તેમની ટીમને પોતાના મિશન અંગે જાણ થઈ. ATSની ટીમની આ કામગીર બાકીના ઓપરેશનથી થોડી અલગ હતી. કારણ કે આ કેસમાં જેને ધરપકડ કરવા જઈ રહ્યા હતા એ નીતા ચૌધરી પોતે જ એક સમયે પોલીસ બેડાનો ભાગ હતી અને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. વળી, નીતા ફરાર થયા બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઊઠવા લાગ્યા હતા. એટલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું હતું.

હવે PI દેસાઇ અને તેમની ટીમ સુરેન્દ્રનગર પહોંચતાં સુધીમાં જ નીતાને કેવી રીતે પકડવી તે વિશે વિચારી લે છે. PI દેસાઇ પોતાની ટીમને જરૂરી સૂચનાઓ આપે છે. નીતા ચૌધરી ભલગામડાના કોઇ ઘરમાં હોવાની બાતમી મળી હતી પણ તે ઘર કયું હતું તેની કોઇ જ ખબર નહોતી. એટલે ઘર વિશે પણ ખાતરી કરવી ખૂબ જરૂરી હતી. આ વાતનો અંદેશો નીતાને આવી જાય તો ફરાર થવામાં વાર પણ ન લગાડે. જેના લીધે PI દેસાઇ અને તેમની ટીમ સાદા વેશમાં જ ભલગામડા પહોંચી હતી. ભલગામડા પહોંચ્યા બાદ PI દેસાઇને જાણવા મળ્યું કે નીતા ચૌધરી તેના મિત્ર બૂટલેગર યુવરાજસિંહની ઓળખાણથી આ ગામમાં સંતાઈ છે. ભલગામડામાં યુવરાજસિંહના સાળા આદિત્યસિંહ રાણાના મિત્ર મયૂરે નીતાને શરણ આપી હોવાની માહિતી ATSને મળી. જેના પગલે ATSએ તપાસ કરી તો એક નવી મુંઝવણ ઊભી થઈ.

ભલગામડામાં મયૂરનાં 2 ઘર છે. જેમાંથી એક ઘર ગામમાં છે જ્યારે બીજું ઘર ગામના પાદરમાં છે. જે 2BHK હતું. હવે ATS માટે મોટો પ્રશ્ન હતો કે નીતા ચૌધરી મયૂરના આ બન્ને ઘરમાંથી ક્યાં હોઈ શકે? મયૂરના બે ઘર વચ્ચે લગભગ 1 કિલોમીટરનું અંતર હતું. ATSની ટીમને એક ઉપાય સૂઝ્યો અને ટીમના સભ્યો બે અલગ-અલગ ગ્રૂપમાં વહેંચાઈ ગયા. ટીમની 2 વ્યક્તિએ ગામમાં આવેલા મયૂરના ઘર પાસે વોચ ગોઠવી, જ્યારે બાકીના સભ્યોએ ગામના પાદરમાં આવેલા મયૂરના ઘર પર વોચ રાખી. આ દરમિયાન મયૂર પાદરમાં આવેલા પોતાના ઘરે સવાર-સાંજ ફૂડપેકેટ લઇને જતો હોય તેવું જોવા મળ્યું હતું. પાદરમાં આવેલા તેના ઘરનો દરવાજો હંમેશાં બંધ રહેતો હતો. ફક્ત મયૂર જ્યારે જાય ત્યારે જ દરવાજો ખૂલતો હતો. આ જોઇને ATSની ટીમની શંકા વધુ મજબૂત બની કે નીતા અહીં જ હશે.

ઘર પાસેથી રસ્તો પસાર થતો હતો. આ રસ્તો ATSને ઉપયોગી થયો. ATSએ આ રસ્તા પર રિક્ષા, બાઇક તેમજ અન્ય વાહનમાં સવાર થઇને પોતાની વોચ વધારી. ઘરમાં કોણ-કોણ જાય છે? ઘરમાંથી કોઈ બહાર આવે છે કે નહીં? ઘરમાં કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે? આ બધા પર ATSની ટીમે ધ્યાન કેન્દ્રિત કર્યું. આ જ રીતે ATSએ સતત 3 દિવસ સુધી વોચ રાખી. 3 દિવસના અંતે નક્કી થઇ ગયું કે નીતા ચૌધરી મયૂરના પાદરવાળા ઘરમાં જ રહે છે. નીતાનું એક્ઝેટ લોકેશન મળી જતાં હવે ATSની ટીમને થોડી રાહત થઇ હતી. PI દેસાઇએ ગામમાં મયૂરના બીજા ઘર પર વોચ રાખી રહેલી ટીમને પણ બોલાવી લીધી હતી. ત્રણ દિવસ બાદ પાક્કી ખાતરી થઈ એટલે નીતા ચૌધરીની ધરપકડ માટે ATSની ટીમ આગળ વધી.

16 જુલાઈ, 2024ની સાંજે અંદાજે સાડા પાંચ વાગ્યાનો સમય થયો હતો, ત્યારે ATSની ટીમ એક્શનમાં આવી. ટીમના દરેક સભ્યો અગાઉથી તૈયાર કરેલી રણનીતિ મુજબ ઘરને ચારેતરફથી ઘેરી લે છે. જેથી જો કદાચ નીતાને ખબર પણ પડી જાય કે ATS તેને પકડવા આવી છે તો પણ તે ક્યાંય ભાગી ન શકે.. નીતાએ દરવાજો ખોલ્યો તો સામે ATSની ટીમ ઊભી હતી. ઘરની આગળ લોખંડનો મુખ્ય દરવાજો હતો. જેને ખોલીને ATSની ટીમ અંદર પ્રવેશે છે. અંદર પહોંચી ગયા બાદ દરવાજો ખટખટાવે છે. થોડી મિનિટો પછી ઘરનો દરવાજો ખૂલ્યો તો ATSની ટીમે જોયું સામે નીતા ચૌધરી જ ઊભી હતી. છેલ્લા એક પખવાડિયાથી નીતા ચૌધરી મીડિયા અને પોલીસ બેડામાં ચર્ચાનો મુદ્દો હતી એટલે તેને ઓળખતા જરા પણ વાર ન લાગી.

અચાનક ઘરના દરવાજે અજાણ્યા લોકોને જોઈને નીતા ચૌધરીને પણ ધ્રાસકો પડ્યો. નીતાને કદાચ ભરોસો હશે કે કોઈ તેને શોધી નહીં શકે. નીતાના મનમાં ઘણા સવાલો ઊઠ્યા હશે. પણ તમામ સવાલોનો જવાબ માત્ર એક જ વાક્યમાં ખાનગી વેશમાં રહેલી મહિલા કોન્સ્ટેબલે આપી દીધો. કહ્યું, અમે ATSની ટીમ છીએ. સામે ઊભેલા લોકોની ઓળખ મળતા જ નીતા એકદમ ચોંકી ઊઠી હતી.

આટલા ઘટનાક્રમ પછી ATSની ટીમ ઘરની અંદર પ્રવેશી. ત્યાં સુધી નીતા સ્તબ્ધ હતી. ATSની ટીમના એક સભ્યે કહ્યું, બેન શાંતિથી બેસી જાઓ. ATSની મહિલા કોન્સ્ટેબલ નીતા પાસે જ ઊભી રહે છે. બાકીના સભ્યો ફટાફટ આખું ઘર તપાસી લે છે. આખા ઘરમાંથી ATSને વિશેષ કંઇ મળતું નથી ફક્ત એક બેગ જ હાથ લાગે છે. ટીમના સભ્યો બેગ ખોલીને જુએ છે તો તેમાં નીતાનાં કપડાં હતાં. ATSની ટીમ નીતાને કો-ઓપરેટ કરવાનું કહી તરત જ પોતાની ખાનગી ઇનોવા કારમાં બેસાડી દે છે અને કારને હંકારી મૂકે છે. ATSની ટીમ નીતા સંતાઈ હતી એ ઘરમાં દરોડો પાડી તેને પકડીને 15મી મિનિટે તો ગામની બહાર નીકળી ચૂકી હતી. સુરેન્દ્રનગરના ભલગામડાથી ATSની ટીમ નીતાને અમદાવાદની ઓફિસે લાવી હતી. ત્યાર બાદ કચ્છ પોલીસને સોંપી દેવાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય બજેટને ‘ખુરશી બચાવો બજેટ’ ગણાવ્યું

આ પણ વાંચો:મહેસાણામાં રૂ. 22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો