Vadodra News : વડોદરા શહેરમાં 26 ઓગસ્ટ,2024ના રોજ આવેલા પૂરને કારણે અનેક લોકો બરબાદ થઈ ગયાં હતાં. આ પૂર અંગે આજે પણ શહેરીજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિપક્ષ અને લોકોના વિરોધ બાદ હાલમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા નદીના પટમાં થયેલા દબાણને દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે વિશ્વામિત્રી બચાવો સમિતિ, શહેર કોંગ્રેસ પ્રમુખ અને VMCના પૂર્વ વિપક્ષી નેતાએ આક્ષેપો કર્યા છે કે, અગોરા મોલના જે દબાણો દૂર કરવામાં આવ્યા છે, તે માત્ર ને માત્ર લોકોના ગુસ્સાને શાંત કરવાનું ભાજપનું નાટક છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિના પ્રમુખ અને એડવોકેટ શૈલેષ અમીને કહ્યું કે, વિશ્વામિત્રી નદીના ઊંડાણ વાળા કોતરોની પ્રતિબંધિત વિસ્તાર-1 વાળી આશરે 75 લાખ ફૂટ જમીનોને ગેરકાયદેસર રીતે ઝોનફેર કરી બાંધેલા મકાનો દૂર કરવા બાબતનો પણ નિર્ણય સંભવિત પૂરથી રાહત આપવા જરૂરી છે. અગોરા મોલ દ્વારા નદી કિનારે પૌરાણિક હનુમાનજી મંદિર હતું, તે મંદિર હનુમાન જયંતિના દિવસે તોડી પાડ્યું હતું. આ મંદિરની જગ્યામાં સંજયનગર ઝૂંપડપટ્ટીના લોકો લગ્ન પ્રસંગ કરતાં હતાં. આ મંદિર અને વિશાળ જગ્યા દૂર કરી પુરાણ કરી દેવામાં આવ્યું હતું અને તે જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે.વિશ્વામિત્રી બચાવો સમિતીના પ્રમુખ અને એડવોકેટ શૈલેષ અમીને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અગોરા વાળાએ વિશ્વામિત્રી નદીના પટની સરકારી જમીન ઉપર બાંધેલી તોતિંગ દીવાલ, દીવાલની બાજુમાં કરેલું પુરાણ અને પુરાણ વાળી જમીન ઉપર બાંધેલું ક્લબ હાઉસ આમ ત્રણેય દુર કરાશે તોજ વિશ્વામિત્રી નદી પુનઃજીવિત થશે અને નદીનું વહેણ ચાલુ થશે તોજ વડોદરાવાસીઓને સંભવિત પૂરથી રાહત થશે.વધુમાં ઉમેર્યું કે, વડોદરા મહાનગરપાલિકાના વર્ષ 2015-16ના મ્યુનિસિપલ કમિશનર એચ. એસ. પટેલના આશિર્વાદથી વિશ્વામિત્રી નદીના પટની સરકારી જમીન ઉપર અગોરા વાળાએ તોતિંગ દિવાલ બાંધીને નદીની આશરે 80,000 ફૂટ જમીન ઉપર 20 ફૂટ જેટલું પુરાણ કરી દઇને કરેલા દબાણને કારણોસર વડોદરા શહેરમાં પૂર આવ્યું છે.
નદી પરના દબાણ દુર કરવા માટે મે 2016માં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ એટલે કે, જનહિત યાચિકા દાખલ કરી હતી, જેની સુનાવણી આગામી 18 ઓક્ટોબર 2024ના રાખેલી છે.નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જનહિત યાચિકા દાખલ કરતી વખત અમે કહ્યું હતું કે, આ અગોરાનું વિશ્વામિત્રી ઉપરનું દબાણ એક દિવસ વડોદરા ડુબાડશે, જે આઠ વર્ષ બાદ સાચું પડ્યું છે. આ આઠ વર્ષના ગાળામાં વડોદરા આવેલા તમામ મ્યુનિસિપલ કમિશનરોને અમે આવેદનપત્ર આપીને નદી પર અગોરાનું ગેરકાયદેસર દબાણ દુર કરવા માંગ કરી હતી. છતાય નદી પરના અવરોધો દુર કરવાની કોઈ કાર્યવાહી કરી નથી. પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જણાવ્યું છે કે, અગોરા બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલ વિશ્વામિત્રી નદીમાંના તમામ દબાણો દૂર કરવા. તેમજ ટેન્ડર મુજબ યોજના માટે આપેલી કુલ જમીન 39,685 ચો.મી. છે, જ્યારે વાસ્તવમાં બિલ્ડરે ગેરકાયદેસર 44,010 ચો.મી. જમીન એટલે કે, 4325 ચો.મી. વધારાની જમીનનો ઉપયોગ કર્યો છે.
હાલમાં ચાલી રહેલ અગોરા મોલના ક્લબ હાઉસના ડિમોલિશન કર્યું એ માત્ર દેખાવો છે. તેમાં દીવાલ અને વધારાની આશરે 45,000 ચો ફૂટ જગ્યા બિલ્ડરે દબાવેલી છે, જેના માટે ભૂતકાળમાં તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. તપાસ સમિતિના અહેવાલો મ્યુનિસિપલ કમિશનરને પણ સુપરત કરવામાં આવ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ કાર્યવાહી ભાજપના પાછલા 30 વર્ષના કુશાસનમાં વિશ્વામિત્રી નદીમાં મોટાપાયે દબાણો સામે લોકોના ગુસ્સાને શાંત કરવા માટે છે. ભાજપના નેતાઓ અને વિકાસકર્તાઓ સાથેની મિલીભગતમાં ભ્રષ્ટ કારણોસર પ્રતિબંધિત ઝોનને રહેણાંક ઝોનમાં રૂપાંતરિત કરીને રેન્ડમ બાંધકામને મંજૂરી આપી છે. જે જમીન માલિકો ભાજપના નેતાઓ અને ડેવલપર્સ છે, તેમના નામ હવે સામે આવી રહ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તત્કાલીન કલેક્ટર અવંતિકા સિંઘ દ્વારા આ પ્રોજેક્ટ પર તપાસની માંગ કરવામાં આવી હતી અને ત્યારબાદ VMCને આ દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.
પરંતુ આજદિન સુધી તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એનજીટીએ પણ 2021માં આ મામલામાં ડિમોલિશનનો આદેશ આપ્યો હતો, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે ક્લબ હાઉસને ઇશારે દબાણો દૂર કરવામાં આવે છે.વધુમાં પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે માંગ કરી છે કે, સંબંધિત VMC અધિકારીઓ અને બિલ્ડર માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સામે ભ્રષ્ટાચાર, સરકારી જમીન પર દબાણ, નદીમાં પાણીનો ભંગાણ અને પૂરના સંભવિત અવરોધો માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ કોર્પોરેશનમાં છેલ્લા 30 વર્ષથી સત્તા ભોગવી રહેલા ભાજપને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, વડોદરાને પૂરમાં ડૂબાડનાર ભાજપ અગોરા મોલ સહિત 13 દબાણકારોને નોટિસ આપીને અને દબાણો દૂર કરીને ગૌરવ અનુભવી રહ્યા છે. પરંતુ ભાજપના સાશકોએ ભૂલે નહીં કે જુઠ્ઠાણું લાંબો સમય સુધી ચાલતું નથી. વડોદરા વિશ્વામિત્રી નદીમાં આવેલુ પૂર ભાજપ સર્જિત છે. આટલા દબાણો દૂર કરવાથી પૂર આવવાનું અટકવાનું નથી. નદી કિનારે માલેતુજારોએ કરેલા દબાણો અને ભાજપના આશિર્વાદથી બનાવી દેવામાં આવેલી સોસાયટીઓ, હોટલોના દબાણો દૂર કરવામા નહીં આવે ત્યાં સુધી નદી પૂર આવતાં રહેશે અને વડોદરાના લોકોને ભોગવવું પડશે.
આ પણ વાંચો:નવસારી: જાણીતા યુવા બિલ્ડરે બનાવી જોખમી રીલ, વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો:રીલ બનાવવા કાદવમાં સૂઈ ગયો બિગ બોસનો આ કન્ટેસ્ટન્ટ
આ પણ વાંચો:લોકો પોતાની રીલ વાયરલ કરવા કેવા ગતકડાં કરે છે! વીડિયો તો જુઓ…
