નવી દિલ્હી: માસૂમ બાળકીએ દુનિયામાં પગ પણ મૂક્યો ન હતો તે પહેલાં તેની બોલી લગાવાઈ હતી. તે ગર્ભમાં હતી ત્યારે જે તેની કિંમત નક્કી થઈ ગઈ હતી. આ ડીલની ઓનલાઈન વાટાઘાટો પણ માત્ર એક વ્યક્તિ સાથે નહીં પરંતુ સાત યુગલો સાથે થઈ હતી. આ અંગે એવી શરત મૂકવામાં આવી હતી કે જે વ્યક્તિ સૌથી વધુ બોલી લગાવશે તેને બાળકી મળશે. આમ કરનારી મહિલાએ વિશ્વમાં સર્વોચ્ચ દરજ્જો મેળવનાર માતાના દરજ્જાને પણ શરમમાં મૂકી દીધો છે. મા તે મા, બાકી બધા વગડાના વા જેવી કહેવતને પણ આ મહિલાએ વામણી સાબિત કરી છે. સદનસીબે, પોલીસને છેલ્લી ઘડીએ તેના દુષ્કૃત્યોનો હવાલો મળ્યો અને હવે આ કળયુગી મા જેલના સળિયા પાછળ છે.
આ હૃદયદ્રાવક ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલાના સંબંધીએ યોગ્ય સમયે પોલીસને જાણ કરી. પોલીસના હાથે ઝડપાયા બાદ આ મહિલાએ પોતાનો ગુનો કબૂલી લીધો અને આખી વાત કહી. આ 21 વર્ષની મહિલાએ પ્રસૂતિની પીડા શરૂ થાય તે પહેલા જ ઘણા લોકો સાથે ઓનલાઈન વાત કરવાનું શરૂ કરી દીધું હતું અને બાળક માટે એડવાન્સ તરીકે 150 ડોલર (લગભગ 12 હજાર રૂપિયા)ની માંગણી કરી હતી.
મહિલાએ બાળકના બદલામાં વારંવાર પૈસા માગતાં સંબંધીને શંકા ગઈ હતી. મહિલાએ તેને કહ્યું કે તે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે અને તેના માટે તેણે એક એપાર્ટમેન્ટ ખરીદવું પડશે. આ ઉપરાંત ડોર ટુ ડોર ડિલિવરી માટે સસ્તી કારની પણ જરૂર પડશે. તેની પાસે પહેલાથી જ થોડા પૈસા છે, બસ થોડી વધુ જરૂર છે. તેણે વચન આપ્યું હતું કે તેનું કામ પૂર્ણ થયા પછી તે તેની પુત્રીને પાછી લઈ જશે.
બે દિવસ પહેલા ફેસબુક પોસ્ટ કરી હતી
આ પછી મહિલાના આ સંબંધીએ 22 સપ્ટેમ્બરે ફેસબુક પર એક પોસ્ટ મૂકી અને તેમાં તમામ વિગતો લખી. 24 સપ્ટેમ્બરના રોજ, મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો અને સૌથી વધુ બોલી લગાવનારની રાહ જોવા માટે તે હોસ્પિટલમાં જ રહી. દરમિયાન સંબંધીએ આ અંગે પોલીસને જાણ કરતાં તેનું સમગ્ર કાવતરું નિષ્ફળ ગયું હતું.
પોલીસે મહિલાના ફોનની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેણે તેના સંબંધીની પોસ્ટ પર કોમેન્ટ કરનારા ઘણા લોકોને ડાયરેક્ટ મેસેજ મોકલ્યા હતા. એક ચેટમાં મહિલાએ એક લેસ્બિયન કપલને હોસ્પિટલમાં મળવા માટે કહ્યું. તેણે આ લોકોને કહ્યું કે તે બાળકના જન્મ સુધી રાહ જોઈ શકતી નથી અને જો તેઓએ આ સોદો કરવો હોય તો તેણે પહેલા આવીને રકમ ચૂકવવી પડશે.
મહિલાએ એમ પણ કહ્યું કે તે 150 ડોલરથી ઓછી કિંમતમાં સોદો નહીં કરે. જ્યારે દંપતીએ કહ્યું કે તેઓ વકીલ મારફતે બાળકને દત્તક લેવા માગે છે, ત્યારે મહિલાએ સ્પષ્ટપણે તેમ કરવાની ના પાડી દીધી. આના પર દંપતીએ કહ્યું કે તેઓ હોસ્પિટલ પહોંચ્યાના થોડા કલાકો પછી પૈસા આપી દેશે. આખરે મહિલાએ તેમને એમ કહીને બ્લોક કરી દીધા કે જો તેમની પાસે તેના બાળક માટે $200 પણ ન હોય, તો સોદો થઈ શકશે નહીં.
સાત યુગલો સાથે વાતચીત
પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે હ્યુસ્ટન, ટેક્સાસની આ મહિલાએ તેની પુત્રી માટે સાત માતાપિતા સાથે પૈસાની ચર્ચા કરી હતી. પોલીસે જુનિપર બ્રાયસન નામની આ મહિલા વિરુદ્ધ બાળ તસ્કરીનો કેસ નોંધ્યો છે. જ્યુનિપરને હાલમાં હેરિસ કાઉન્ટી જેલમાં રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દિલ્હીમાં બાળ તસ્કરી કેસમાં CBIના દરોડા, હોસ્પિટલમાંથી બાળકો ગુમ થવાની ઘટનાઓ વધતા હાથ ધરી તપાસ
આ પણ વાંચો: દાહોદમાં બાળ તસ્કરીના આંતર રાજ્ય ગેંગનો પર્દાફાશ, બાળકોને ઉઠાવી મંગાવતા હતા ભીખ
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીના રેકેટનો કર્યો પર્દાફાશ
