તબલાવાદન તો કદાચ કેટલાય કરે છે, પરંતુ ઝાકિરહુસૈને તબલાવાદનને જે ઊંચાઈ બક્ષી હતી તેની તોલે કોઈ નહીં આવે. 15 ડિસેમ્બર 2024ના રોજ ઝાકિરહુસૈને સાન્ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા તે સાથે તબલાવાદનનો એક યુગ આથમી ગયો.
તેમના પિતા ઉસ્તાદ અલ્લારખ્ખા મશહૂર તબલાવાદક હતા, આમ તબલાવાદન તેમને ગળથૂથીમાં જ મળ્યું કહેવાય. 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં જન્મેલા ઝાકિરહુસૈન પહેલેથી જ પ્રતિભાશાળી હતા. તેઓ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરવાની સાથે-સાથે પિતાના કાર્યક્રમોમાં જવા લાગ્યા હતા અને નાની વયથી જ તેમણે તેમની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. તેમણે 12 વર્ષની ઉંમરે અમેરિકામાં તેમનો પહેલો પર્ફોર્મન્સ આપીને લોકોને દંગ કરી દીધા હતા. તે સમયે તેમને પાંચ રૂપિયાનું ઇનામ મળ્યુ હતું. ઝાકિરહુસૈને જણાવ્યું હતું કે તેમને જીવનમાં અનેક ઇનામ મળ્યા છે, પરંતુ આ પાંચ રૂપિયાનું ઇનામ આજે પણ તેમના માટે વિશેષ છે, તેમના જીવનનું તે સૌથી પહેલું ઇનામ હતું.

આ નાની શરૂઆત પછી તેમનું નામ એટલું ગૂંજ્યું કે તેમની એક કોન્સર્ટની ફી પાંચથી દસ લાખ રૂપિયા પહોંચી ગઈ, આ ફી આજની નહીં પરંતુ નેંવુના દાયકામાં હતી. તેમની કમાઈ તબલાવાદન અને અન્ય રીતે પણ થતી હતી. આ ઉપરાંત તે જાણીતા અભિનેતા પણ હતા અને તેમણે 12 ફિલ્મોમાં કામ પણ કર્યુ હતું. કરોડો લોકો તેમના દીવાના હતા.
ઝાકિરહુસૈને પોતે જણાવ્યું હતું કે તેઓ યુવાન હતા ત્યારે તબલાવાદન સમયે તેમને આગળની હરોળમાં બેસીને સુંદર યુવતીઓને આંખ મારવાની ટેવ હતી, તેના લીધે ઘણી વખત તેમના તાલ પણ છૂટી જતા હતા. આવી જ એક કોન્સર્ટ વખતે તેઓ એક સુંદર યુવતીને આંખ મારતા હતા ત્યારે તે યુવતી તેમની સામે જ આવીને બેસી ગઈ અને જણાવ્યું કે કોન્સર્ટ પછી મને જેટલી આંખ મારવી હોય તેટલી મારો પણ તબલાનો તાલ ન છૂટવો જોઈએ, યુવતી ફક્ત બોલીને જતી જ રહી ન હતી પણ તેણે બોલેલું પાળ્યું પણ હતુ. કોન્સર્ટ પછી તે રીતસર ઝાકિરહુસૈનની પાસે આવી અને કહ્યુ હવે હું બેઠી છું તમારે જેટલી આંખ મારવી હોય તેટલી મારો. યુવતીની આ પ્રકારની વાતના લીધે તેમને કલાનું મહત્વ સમજાયું. તેમણે જણાવ્યું કે તે સમયે મને ખબર પડી કે મહત્વ મારું નહીં પણ મારી તબલાવાદનની કલાનું છે, તેના કારણે લોકો મારી પાસે આવે છે. બસ તેના પછી ક્યારેય કોઈ કોન્સર્ટમાં તબલા સિવાય બીજા કોઈ પર ધ્યાન આપ્યું નથી.

તબલાવાદનમાં તેમને મળેલા પાંચ-પાંચ ગ્રેમી એવોર્ડ બતાવે છે કે તેઓ કઈ ઊંચાઈએ પહોંચી ગયા હતા. તેમણે આ ઉપરાંત 1988માં પદ્મશ્રી અને 2002માં પદ્મભૂષણ તથા 2023માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
તેમના કુટુંબમાં જોઈએ તો તેમની પત્ની ઇટાલિયન અમેરિકન છે. તેનું નામ એન્ટોનિયા મિનેકોલા છે અને બે પુત્રીઓ પણ છે. તેનું નામ અનિસા કુરેશી અને ઇસાબેલા કુરેશી છે. તેમની પત્ની મશહૂર દિવંગત ડાન્સર સિતારાદેવીની શિષ્યા હતી. આ સિવાય 90ના દાયકામાં દૂરદર્શન પર વાહ ઉસ્તાદ અને વાહ તાજની જાહેરખબર આવતી હતી, તેના લીધે પણ તબલાવાદક ઝાકિરહુસૈનનો ચહેરો ભારતભરમાં જાણીતો બની ગયો હતો. કેટલાય લોકોએ ભલે તેમના તબલાનો કાર્યક્રમ માણ્યો ન હતો, પણ આ જાહેરખબરમાં તેમના તબલાની થાપનો આસ્વાદ તો જરૂર લીધો હતો.
તેમણે તેમના બાળપણના દિવસો યાદ કરતાં જણાવ્યું હતું કે તેઓ નાના હતા તે સમયે તેમના પિતાની તબિયત ખરાબ રહેતી હતી અને તે સમયે તેમના કોઈ સગાસંબંધીએ તેમની માતાને તેવું ભરાવી દીધું હતું કે તમારું આ બાળક આવ્યા પછી જ તેમની તબિયત ખરાબ રહે છે, તેથી મારા માતાના મનમાં આ વાત ઠસી ગઈ હતી. તેના પગલે માતા મારા પર તે સમયે ખાસ ધ્યાન આપતી ન હતી, પરંતુ બીજા સંબંધીએ મને તેનું સંતાન ગણી ઉછેર્યો હતો.

તેના પછી એક બાબા આવ્યા હતા અને તેમણે મારી માતાને જણાવ્યું હતું કે આ બાળકને ચાર વર્ષ સુધી ઘણી તકલીફ રહેશે, પછી તેના પછી તે તેની તબિયત સુધરશે અને તેમના પિતાની તબિયત પણ સુધરશે. પણ આ બાળકનું નામ ઝાકિરહુસૈન રાખજો. મારી માતા પર તેમની વાતને જાદુઈ અસર થઈ અને તેણે મારું નામ ત્યારથી ઝાકિરહુસૈન રાખ્યુ, નહીં તો અમે તો કુરેશી હોવાથી મારું નામ પણ કુરેશી જ હોત. તેના પછી ચાર વર્ષ સુધી મારી તબિયત ઘણી ખરાબ રહી, ઘડીકમાં ટાઇફોઇડ થાય, ઘણું ન્યૂમોનિયા થાય તો કેટલીક વખત મેલેરિયા થાય. આવી ઘણી બીમારીઓએ મને ઘેર્યો હતો. પણ અહીં વાત એ હતી કે હું જેમ-જેમ માંદો પડતો હતો તેમ-તેમ મારા પિતાની તબિયત સુધરતી જતી હતી.
આમ માને પણ બાબાના આ વચનો પર વિશ્વાસ બેઠો અને પછી તો પિતાની તબિયત સારી થતાં અમને ઘરમાં પણ શાંતિ થઈ ગઈ. તેની સાથે મારા પર લાગેલું મનહૂસનું લેબલ પણ જતું રહ્યુ અને મારી માતા મને પ્રેમ કરવા લાગી તથા મારી દેખભાળ પણ રાખવા લાગી. પિતાને તબલાવાદન કરતાં જોઈને હું તેમની સાથે-સાથે જ તબલાવાદન કરવા લાગ્યો. તબલાવાદનની મને આ કુદરતી બક્ષિસ જ હતી, જે પિતા પાસેથી મને વારસામાં મળી હતી. હું ફક્ત પિતાની જોડે-જોડે તબલા બજાવતો હતો અને તે જ રીતે શીખી ગયો હતો. જો કે મારા બીજા ભાઈ પણ તબલા બજાવતા હતા, પરંતુ તે કમનસીબે મારા જેવી હથોટી કેળવી શક્યા ન હતા.

તેમણે જણાવ્યું હતું કે મારો જન્મ થયો અને હું દોઢ દિવસનો હતો તે વખતે રિવાજ મુજબ મને મારા પિતા અલ્લારખ્ખાની ગોદમાં બેસાડવામાં આવ્યો. આ સમયે પિતા બાળકના કાનમાં આશીર્વાદરૂપી શબ્દો કહેતા હોય છે, પણ ઉસ્તાદ સાહેબ ઝાકિરહુસૈનના કાનમાં રીતસર તબલાની થાપ બોલ્યા. તબલાના શાસ્ત્રમાં તેને તાલનો નિયમ કહે છે, આ ત્રણ તાલનો નિયમ છે, જેની ધૂનના બોલ તબલાવાદક બજાવતી વખતે બોલે છે.
ઉસ્તાદ અલ્લારખ્ખા કુરેશી પોતાના સમયના મશહૂર તબલાવાદક હતા. તેમણે તબલાના આ જ બોલ પોતાના દોઢ વર્ષના બાળકના કાનમાં કહ્યા. તેમણે જણાવ્યું હતું કે હું તબલાની ઇબાદત કરું છું. હું આ એક બંદગી જાણું છું અને તે મારા આશીર્વાદ પણ છે. ઉસ્તાદ અલ્લારખ્ખા કુરેશીનો આ પુત્ર ઝાકિરહુસૈનના નામે ઓળખાયો અને તેના તબલાની થાપ આખા વિશ્વએ ઓળખી અને માણી.
આ પણ વાંચો: ઝાકિરહુસૈનનું નિધન તબલાવાદનના એક યુગનો અંત
આ પણ વાંચો: વિખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિરહુસૈનનું અમેરિકામાં નિધન
આ પણ વાંચો: ઝાકિર હુસૈન બાદ આ પ્રખ્યાત ગાયકનું નિધન, ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ
