Morbi News : મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક હચમચાવી દેનારી ઘટના બની છે. હળવદ તાલુકાના રણજીતગઢ અને કેદારીયા ગામની વચ્ચે આવેલા 109 નંબરના નાળા નજીક બપોર 12:30 વાગ્યા આસપાસ મહિલા અને તેના 3 બાળકોને લઈને રેલવે ટ્રેક ક્રોસ પસાર કરી રહ્યા હતા. આ દરમિયાન માલગાડીની અડફેટે આવી જતાં 2 માસૂમ બાળકોના કરૂણ મોત નિપજ્યાં છે.
વધુમાં મળતા માહિતી મુજબ માલગાડીની અડફેટે આવેલ બાળકો ગોપી બજાણીયા અને નિકુલ બજાણીયાના મોત નિપજ્યાં છે. જ્યારે તેમના માતા મંગુબેન બજાણીયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, આ દુર્ઘટનામાં અન્ય એક દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.
હળવદ પોલીસ અને રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સરપંચ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ તેમણે આ અંગે તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ રેલવે અને સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
