કહેવત છે જે હાથમાં છે તે પરમાત્મા છે, આવું આજના યુગમાં મોબાઇલ (Mobile) અંગે કહી શકાય. આજના યુગના માનવી માટે મોબાઇલ કદાચ ઇશ્વર નથી, પણ ઇશ્વરથી કંઈ કમ પણ નથી તેવી સ્થિતિ છે. તેનું કારણ છે માનવીની બધી પ્રવૃત્તિઓ મોબાઇલમાં જ થઈ ગઈ છે. તેના બેન્ક ખાતાથી લઈ, ક્રેડિટ કાર્ડથી લઈને દરેક બિલોની ચૂકવણીથી લઈ નાણા મોકલવા સહિત મનોરંજન, ઓટીટી એપ્સ, ફિલ્મો, મેચ બધુ મોબાઇલમાં આવી ગયું છે. પછી તેને રેઢો કઈ રીતે મૂકાય. હવે આટલું ઓછું હોય તેમ તેમા આજના યુવાનોમાં મોબાઇલમાં ટૂંકા વિડીયો અને રીલ્સ જોવાની આદતે વેગ પકડ્યો છે.
મનોરંજક અને અસરકારક ટૂંકા વિડીયો યુવાનોમાં આગવું આકર્ષણ બની ગયા છે. પણ તેની સાથે-સાથે યુવાનોને હવે આ પ્રકારના ટૂંકા વિડીયો અને રીલ્સની લત પણ લાગી રહી છે. પણ હવે આ અંગે એક ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ રીતે મોબાઇલમાં આ રીતે ટૂંકા વિડીયો અને રીલ્સ જોવાની ટેવ તમને હાઇ બ્લડ પ્રેશરની (High bloodPressure) બીમારી સુધી લઈ જઈ શકે છે. આમ જે લોકો હાઈ બ્લડપ્રેશરનો શિકાર હજી સુધી થયા ન હોય તો તેઓ માટે તક છે કે તેઓ તાત્કાલિક આ લતથી છૂટકારો મેળવે.

ચીનની ધ ફર્સ્ટ હોસ્પિટલ ઓફ હેબેઇ મેડિકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એક સંશોધન હાથ ધર્યુ હતું. ચીનના યુવાનો અને મધ્યમ વયની લોકોમાં હાઇપર ટેન્શનની (Hypertension વધતી જતી સમસ્યાને લઈને તેમણે સંશોધન કર્યુ હતુ. આ સશોધનમાં તેમને ખબર પડી હતી કે ટૂંકા વિડીયો અને રીલ્સ જોવા માટે ખર્ચાતા સ્ક્રીનટાઇમ અને તેઓના પથારીમાં સૂવા વચ્ચે ગાઢ સંબંધ છે. તેમના હાઇપરટેન્શનનું કારણ પણ તેની પાછળ છૂપાયેલું છે.
આના પગલે વૈજ્ઞાનિકોની ટીમે ચીનના ચાર હજારથી વધુ યુવાનો અને મધ્યમ વયના લોકોનો સરવે હાથ ધર્યો હતો. તેઓએ મોબાઇલ પર ટૂંકા વિડીયો અને રીલ્સ પર ખર્ચેલા સ્ક્રીન ટાઇમ અને તેઓની માંદગીના ડેટાનું એનાલિસિસ કર્યુ હતુ. આ વિશ્લેષણમાં તેઓને જામવા મળ્યું હતું કે આ બધા લોકોને સૂતી વખતે પથારીમાં મોબાઇલ ફોનમાં ટૂંકા વિડીયો અને રીલ્સ જોવાની ખરાબ લત લાગેલી હતી, જેના લીધે જાન્યુઆરી 2023થી સપ્ટેમ્બર 2023 વચ્ચે આ બધાએ તેમના આરોગ્યની ચકાસણી પણ કરાવવી પડી હતી.

તેમની માંદગીની વિગતોના તલસ્પર્શી વિશ્લેષણથી વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું હતું કે તેઓમાં હાઇપર ટેન્શનની તકલીફ છે, તેનો સીધો સંબંધ સૂતી વખતે જોવામાં આવતા ટૂંકા વિડીયો અને રીલ્સ સાથે છે. આમ તેઓ ખરાબ લતના શિકાર છે. આ લતના લીધે તેમને હાઇપરટેન્શનની બીમારી ઊભી થઈ છે.
ચીનના વૈજ્ઞાનિકોની આ ટીમ ફક્ત તારણ કાઢીને બેસી જ રહી ન હતી, તેણે આ તારણને બીએમસી પબ્લિક હેલ્થ જર્નમાં પ્રકાશિત પણ કર્યુ હતુ. તેની સાથે તેણે લોકોને સલાહ આપી હતી કે યુવાનો અને મધ્યમ વયના લોકો સૂતી વખતે વિડીયો જોવાની આદત પર અંકુશ મૂકે. તેની સાથે તેમણે લોકોને હાઇપરટેન્શનની તકલીફને દૂર કરવા માટે શરીરના વજનને, લોહીમાં રહેલી ચરબી અને કોલસ્ટોરેલ, લોહીમાં રહેલી સુગર તથા યુરિક એસિડના લેવલને કુશમાં લેવાની ભલામણ પણ કરી હતી. તેની સાથે તેમણે સોડિયમનું વધુ પડતું પ્રમાણ ધરાવતા ખોરાક અને ઠંડા પીણા પર અંકુશ મૂકવાની સલાહ આપી હતી.

આ અગાઉના સરવેમાં પણ આ પ્રકારનું તારણ વ્યક્ત કરવામાં આવ્યું હતું કે એક સપ્તાહમાં 30 મિનિટ કે તેથી વધુનો સ્ક્રીન ટાઇમ અને સતત મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવે તો હાઇ બ્લડપ્રેશર અને હાઇપર ટેન્શનની બીમારીનું જોખમ અનેકગણું વધી જાય છે.
ફક્ત ચીનમાં જ આ પ્રકારનું રિસર્ચ કરવામાં આવ્યું છે તેવું નથી યુરોપીયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી દ્વારા પ્રકાશિત થતાં યુરોપીયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા રિસર્ચમાં પણ સ્પષ્ટ સંકેત કરવામાં આવ્યો હતો કે મોબાઇલ ફોનમાંથી સતત વછૂટતા લો રેડિયો ફ્રીકવન્સીવાળા તરંગ અને માનવ શરીરમાં વધતા બ્લડ પ્રેશર વચ્ચે સીધો સંબંધ રહેલો છે.

વિશ્વ વ્યાપાર સંગઠન (હુ)ની આંકડાકીય માહિતી મુજબ વિશ્વમાં 30થી 80 વર્ષની વચ્ચેના લગભગ દોઢ અબજ લોકો બ્લડપ્રેશરની બીમારીનો સામનો કરી રહ્યા છે. બ્લડપ્રેશરથી પીડાતા લોકોને હાર્ટએટેક અને સ્ટ્રોક જેવા રોગ થવાનું જોખમ વધારે છે. ક્યારેક-ક્યારેક બ્લડ પ્રેશરના કારણે વ્યક્તિનું અકાળે અવસાન પણ થઈ શકે છે.
આમ જો તમને પણ મોબાઇલમાં શોર્ટ વિડીયો અને રીલ્સ જોવાની ટેવ હોય તો ચેતી જાવ. જો અત્યારથી જ સાવચેતી ન દાખવી તો આગળ જતા કાયમ માટે હાઇપરટેન્શન તમારા શરીરમાં ઘર કરી શકે છે. તમને લાંબા સમય માટે બ્લડપ્રેશરની ભેટ મળી શકે છે. તેથી જો મોબાઇલના કારણે થતી શારીરિક તકલીફોનો ભોગ બનતાં અટકવું હોય તો પછી સ્ક્રીન ટાઇમ મર્યાદિત કરી દો. તમારી આરોગ્ય અને સુખાકારી તમારા જ હાથમાં છે, મોબાઇલના હાથમાં નહીં.
આ પણ વાંચો: યુવતીઓ ભાગી જવા માટે મોબાઈલ જવાબદાર : મીના કુમારી
આ પણ વાંચો: ઘરમાં મોબાઇલ ચાર્જિંગમાં મૂકીને જવાની ટેવ છે તો ચેતજો, સુરતમાં આવ્યો ચેતવણીજનક કિસ્સો
આ પણ વાંચો: તમને સામાન્ય મોબાઇલમા પણ DSLR કેમેરા જેવા ફોટા મળશે, બસ આ ટિપ્સ અનુસરો
