પાકિસ્તાનના બલૂચિસ્તાન (Balouchistan) વિસ્તારમાં અસંતોષનો ચરૂ ઉકળી રહ્યો છે… કહેવાય છે કે લોઢુ ગરમ હોય ત્યારે જ ઘા મારી દેવો જોઈએ તે ન્યાયે ભારત પાસે બલૂચિસ્તાનને બીજું બાંગ્લાદેશ બનાવવાની પૂરતી તક છે…. અહીં ભારતને સૌથી મોટી શાંતિ એ હશે કે નિરાશ્રિત બાંગ્લાદેશીઓનો પ્રવાહ ભારતમાં ઘૂસી આવ્યો હતો તેવી સ્થિતિનું અહીં પુનરાવર્તન નહીં થાય…. ભારત અહીં દૂર રહીને પણ બલૂચિસ્તાન બનાવી શકે છે… ભારતે તેના માટે બલૂચોને ફક્ત પ્લેટફોર્મ જ પૂરુ પાડવાનું છે. આ પ્લેટફોર્મ આંતરરાષ્ટ્રીય સ્તરથી લઈને રાજકીય સ્તરથી લઈને શસ્ત્રોની મદદ સુધી પૂરુ પાડવાનું છે….
ભારતે ચીન-પાકિસ્તાનના જોડાણને આગળ વધતા રોકવું હોય તો બલૂચિસ્તાનનો એક્શન પ્લાન જમીન પર ઉતાર્યા વગર છૂટકો નથી…. કહેવાય છે કે પહેલા ઘા તે રાણાનો તે ન્યાયે પાકિસ્તાનમાં બલુચિસ્તાન સામેનો એક્શન પ્લાન ભારત અમલી બનાવે તો તેની સાથે ભારત એક કાંકરે ત્રણ પક્ષી મારી શકે છે…. એક તો તે બલૂચ પ્રજાના સ્વરૂપમાં કાયમી સાથીદાર મેળવી શકે છે. બીજું બલૂચિસ્તાનમાંથી ચીનને ઉચાળા ભરાવી શકે છે અને ત્રીજું બલૂચિસ્તાન બનતા પાકિસ્તાન તેનો જમીનનું 44 ટકા ક્ષેત્રફળ વગર યુદ્ધે ગુમાવી દેશે. તેના કાશ્મીરના રાગ આલાપને કાયમ માટે પૂર્ણવિરામ મૂકી દેવામાં મદદ મળશે. તેની સાથે ચીનનુ આધિપત્ય ખતમ થઈ જશે.
બાંગ્લાદેશમાં હાલમાં જો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ ઘૂસણખોરી કરીને ભારત વિરોધી તત્વોને ઉત્તેજન આપી શકતી હોય તો પછી ભારતે પણ શા માટે બલૂચ બળવાખોરોને ઉત્તેજન ન આપવું જોઈએ…. દુશ્મનનો દુશ્મન તે આપણો દોસ્ત તે ન્યાયે અફઘાનિસ્તાન અને બલૂચિસ્તાન ભારત માટે ભાવિ સાથીદારની ગરજ સારી કરી શકે છે….
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને પણ પાકિસ્તાન સાથે બનતું નથી…. આ ન્યાયે ભારત અફઘાનિસ્તાન સાથે પણ પાછલા બારણે સારા સંબંધ કેળવીને પાક.ની સ્થિતિ વધુ બગાડી શકે છે. તેની સાથે અફઘાન રૂટનો ઉપયોગ કરીને બલૂચોને વધુમાં વધુ મદદ પૂરી પાડી શકે છે…. આ ઉપરાંત તે બલૂચોને અફઘાનિસ્તાનમાં તાલીમ પૂરી પાડવાની પણ વ્યવસ્થા કરી શકે છે. ભારત આ બધુ અફઘાનિસ્તાન રૂટે સરળતાથી કરી શકે છે….
ઉલ્લેખનીય છે કે બલૂચોએ ક્યારે પાકિસ્તાન પરના તેમના કબ્જાને સ્વીકાર્યો નથી…. ભારતનું વિભાજન થયા પછી સ્ટેટ ઓફ કલાત એટલે કે બલૂચિસ્તાન લગભગ 227 દિવસ સુધી એક સ્વતંત્ર રાષ્ટ્ર હતું. બલૂચિસ્તાન પાકિસ્તાનમાં ક્યારેય સામેલ થવા માંગતું ન હતું અને આજે પણ બલૂચોનું માનસિક વલણ આ પ્રકારનું છે…. મોહમ્મદ અલી ઝીણાની મુસ્લિમ લીગને બલૂચોએ ક્યારેય સમર્થન આપ્યું ન હતું… અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે દરેક રજવાડાને સ્વતંત્ર મૂકીને ગયા હતા…. તેના પછી દ્વિરાષ્ટ્રની થિયરી મુજબ રજવાડાઓ ભારત અને પાકિસ્તાનમાં જોડાયા હતા. આ સમયે બલૂચિસ્તાન પણ અલગ જ રહેવાનો ઇરાદો ધરાવતું હતું….
સ્ટેટ ઓફ કલાત (હાલનું બલૂચિસ્તાન) સ્વતંત્ર દેશી રાજ્ય હતુ, તેણે પાકિસ્તાનમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો…. પણ મોહમ્મદ અલી ઝીણાએ ગદ્દારી કરીને સ્ટેટ ઓફ કલાતને પાકિસ્તાનમાં ભેળવી દીધું હતું…. સ્ટેટ ઓફ કલાતના ખાન ઇચ્છતા હતા કે તેમને સ્વતંત્ર રહેવામાં ભારત અને અફઘાનિસ્તાન મદદ કરે, પણ તેવું થઈ શક્યું ન હતું…. બીજી બાજુ ઝીણાએ સ્ટેટ ઓફ કલાતને પાકિસ્તાનમાં ખાસ દરજ્જો આપવામાં આવશે તેમ કહીને તેમનામાં ભેળવ્યું હતું….
પાકિસ્તાનના જાણીતા ઇતિહાસકાર મુબારક અલીએ જણાવ્યું હતું કે પાક.માં દેશી રાજ્યોએ તે શરતે વિલય કર્યો હતો કે તેમની આંતરિક કામગીરીમાં પાક સરકાર દખલગીરી નહીં કરે, તે ફક્ત કેન્દ્રીય સત્તા તરીકે કામ કરશે…. પણ પાકિસ્તાને તેની સ્વભાવગત લાક્ષણિકતા મુજબ કરારની શરતોનું કોઈપણ દેશી રાજ્યની જેમ સ્ટેટ ઓફ કલાતના કિસ્સામાં પણ પાલન કર્યું ન હતું…. તેના પછી પાક. સરકારના સૂબાઓની આ રાજ્યોના કામમાં દખલગીરી વધી ગઈ હતી…..ઝીણાની બધી જ ખાતરીઓ હવા થઈ ગઈ હતી. આજે પણ પાક.માં ભળનારા બધા દેશી રાજ્યો જેમણે ઝીણાની ખાતરી પર વિશ્વાસ રાખ્યો હતો તે બધા પસ્તાય છે….
કલાતના ખાન બદલાતા સમયને પારખવામાં અને તેમા પણ ખાસ કરીને ઝીણાને પારખવામાં નિષ્ફળ નીવડ્યા…. તેમને કલ્પના પણ ન હતી કે જે ઝીણાએ કલાત સ્વતંત્ર રાજ્ય રહે તે માટે તેમનો કેસ લડ્યા હતા અને તેમને જીતાડ્યા હતા તેમના વલણમાં આટલા ટૂંકાગાળામાં ધરમૂળથી પરિવર્તન આવશે…. આ જ ઝીણાએ જ્યારે 1948માં કલાતની સામે લશ્કરી કાર્યવાહી કરીને હાલના બલૂચિસ્તાનને પાક.માં ભેળવી દેવાનો આદેશ આપ્યો ત્યારે કલાતના ખાન સમજી ગયા કે હવે તેમની સ્થિતિ શું થવાની છે. તેમને આપવામાં કોઈપણ વચનોનું પાલન થવાનું નથી….
પાકિસ્તાનની આ જ બળજબરી સામે બલૂચિસ્તાનના સ્વતંત્રતા માટેના સંઘર્ષનો 1950માં પાયો નંખાઈ ગયો હતો…. પાકિસ્તાને બલૂચિસ્તાનને તેનામાં ભેળવ્યા પછી તેના માટે કશું જ કર્યુ નથી ઉપરથી ફક્ત તેનો ફાયદો જ ઉઠાવ્યો છે…. આજે પણ દરેક બલૂચિસ્તાનના હૃદયમાં સ્વતંત્ર બલૂચિસ્તાનની આશા છે…. બલૂચ લિબરેશન આર્મીના હુમલા વધુને વધુ ઘાતક બની રહ્યા છે અને હવે તે રીતસરના લશ્કર પર ત્રાટકી રહ્યા છે કે આગામી દિવસોમાં બલૂચિસ્તાન માટેની લડત વધુ લોહિયાળ બનવાની છે. …પાકિસ્તાને બસ ફક્ત એટલું જ કરવાનું છે, તેના સૈનિકો અને આર્મી જવાનો માટે વધુને વધુ કોફિનો અને કબ્રસ્તાનો તૈયાર રાખવાના છે, કેમકે બલૂચો તેમને ત્યાં પાક. સૈનિકોને દફનાવવા પણ નહીં દે….
આ પણ વાંચો: બલુચિસ્તાનના ગ્વાદર પોર્ટ પર થયો આતંકી હુમલો, 8 હુમલાવરોને કરાયા ઠાર
આ પણ વાંચો: બલુચિસ્તાનમાં મહિલાઓનું થઈ રહી છે ગુમ, પાકિસ્તાની સૈન્યની હદ પાર
આ પણ વાંચો: બલુચિસ્તાન યુનિવર્સિટી પાસે વિસ્ફોટ
