ગુજરાતને ક્રાઇમ સ્ટેટ (Crime State) બનતું અટકાવવા માટે ગુજરાત પોલીસે (Gujarat Police) કમર કસી લીધી છે. અમદાવાદમાં અસામાજિક તત્વો (AntiSocial Elements) સામે કાર્યવાહી શરૂ કરવામાં આવ્યા પછી રાજ્યના દરેક શહેરોમાં અસામાજિક તત્વોની યાદી બની રહી છે. આ તત્વોની પોલીસ બરોબર નશ્યત કરી રહી છે.
આના પગલે ઉત્તર ગુજરાત (North Gujarat) ની જેમ મધ્ય ગુજરાત (Central Gujarat) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પણ પોલીસે લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વો તથા હિસ્ટ્રીશીટરો (Historysheeter) સામે ચહલકદમી વધારી દીધી છે. તેના કારણે રસ્તા પર ખુલ્લેઆમ દાદાગીરી કરતાં લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વોની હાલત ખરાબ થઈ ગઈ છે. તેઓએ અત્યાર સુધીના તેમના જીવનમાં પોલીસની આ કામગીરી જોઈ ન હતી.

રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓ પોતે જ મેદાનમાં ઉતરતા પોલીસમાં પણ જોમ ઉમટ્યું હતું. વડોદરા પોલીસના ટોચના પોલીસ અધિકારીઓની સાથે પોલીસની મોટી ટુકડી મેદાનમાં ઉતરી હતી અને 500થી પણ વધારે ગુનાહિત તત્વો અને અસામાજિક તત્વોની અટકાયત કરી હતી. આ ઉપરાંત લગભગ સાડા ચારસો વાહનો ચેક કર્યા હતા અને 55 વાહનો ડિટેઇન કર્યા હતા.
આને લઈને છોટાઉદેપુર જિલ્લાના નાયબ પોલીસ વડા કે એચ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અસામાજિક તત્વો રસ્તા પર છાકટા થઈ રહ્યા છે તે જોઈને પ્રજાને સુરક્ષાનો અહેસાસ કરાવવા માટે અને લોકો બેખોફ રહે તથા ગુનેગારો ડરે તે માટે પોલીસે તેઓની સામે યુદ્ધના ધોરણે અભિયાન આદર્યુ છે. આના લીધે અસામાજિક તત્વોમાં જબરદસ્ત ખોફ પેઠો છે. તેઓએ તેમના જીવનમાં આ પ્રકારની કાર્યવાહી જોઈ ન હતી.

પોલીસે ગુંડાતત્વોની યાદી બનાવીને તેમને વ્યક્તિગત ધોરણે બોલાવીને ચેતવણી આપી છે કે જો તેઓ કોઈપણ પ્રકારના ગેરકાયદેસરના કૃત્યમાં સંડોવાયેલા માલૂમ પડ્યા તો તેમની સામે આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમની બરોબર સર્વિસ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાને પોતાના હાથમાં લેનારાના હાથપગની પોલીસ બરોબરની સર્વિસ કરશે.
આ જ રીતે ભરૂચમાં પણ પોલીસે આકરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી. જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો સામે ખાસ અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. તેમા શહેરના લગભગ બધા જ ડિવિઝનની પોલીસ, રૂરલ પોલીસ અને પાનોલી વિસ્તાર તથા જીઆઇડીસી પોલીસ બધા એકસાથે દરેક વિસ્તારમાં અભિયાન આદર્યુ હતુ. તેની સાથે-સાથે નાઇટ કોમ્બિંગ અને પેટ્રોલિંગ કર્યુ હતુ.

અંકલેશ્વરમાં પણ પોલીસ વડાના નેજા હેઠળ ગુનાહિત ભૂતકાળ ધરાવતા તત્વોને રીતસરની ચીમકી આપવામાં આવી હતી. કેટલાય શંકાસ્પદોને પોલીસે બોલાવ્યા હતા અને તેમની પૂછપરછ હાથ ધરી હતી. તેની સાથે અહીં પણ પોલીસે ગુનાહિત તત્વો, અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વોની યાદી બનાવી છે. હવે આ યાદી કાયમી ધોરણે રાખવામાં આવશે.
પરપ્રાંતીય વસાહતોમાં બનતા ગુનાઓને ધ્યાનમાં રાખીને પોલીસે ત્યાં પણ પેટ્રોલિંગ વધાર્યુ છે. આ ઉપરાંત આ પ્રકારની વસાહતોમાં પોલીસોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી ગુનાઓ પર અંકુશ રાખી શકાય. પોલીસને ઉપરથી જ સ્પષ્ટ આદેશ અપાયો છે કે કોઈપણ અસામાજિક તત્વ કાયદાનો ભંગ કરતો દેખાય તો તેના પર તૂટી જ પડો અને તેને બરોબરની નશ્યત કરો. તેના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસે તેના આ આખા અભિયાન દરમિયાન દરેક વિસ્તારના માથાભારે તત્વો, હિસ્ટ્રીશીટરો, ચોર, આર્મ એક્ટનો ભંગ કરનારાઓ, અસામાજિક તત્વો, નશાખોરો, વારંવાર મારામારીમાં સંડોવાયેલાઓ, નિયમિત રીતે લૂંટ અને પોકેટમારી કરનારાઓમાં સંડોવાયેલાઓની યાદી તૈયાર કરી છે. આ યાદી પોલીસને આગામી સમયમાં ઘણી ઉપયોગી નીવડશે તેમ માનવામાં આવે છે. કોઈપણ ઘઠના બનશે તેમની સામે પહેલા કાર્યવાહી કરવામાં આવશે.
આ જ દિશામાં આગળ વધતા નર્મદા જિલ્લાના પોલીસ વડાએ પ્રશાંતે પણ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપી છે કે બધા જ પોલીસ સ્ટેશનોમાં અસામાજિક તત્વો અને લુખ્ખાતત્વો તથા માથાભારે તત્વોની યાદી તૈયાર રાખવામાં આવે. તેની સાથે દરેક પોલીસ સ્ટેશનોને સૂચના આપી દેવામાં આવી હતી કે આ તત્વોને પોલીસ સ્ટેશને બોલાવીને ચેતવણી આપી દેવામાં આવે, તેની સાથે તેઓ નિયમિત રીતે પોલીસ સ્ટેશનમાં હાજરી આપે તેમ પણ જણાવી દેવાયું છે. આ ઉપરાંત જો ગુનો કર્યો તો જાહેરમાં તેમની સર્વિસ કરવામાં આવશે તેવી ખુલ્લી ચેતવણી પોલીસે આપી છે. આમ પોલીસે બતાવી દીધું છે કે પોલીસ તેનો દંડો ઉગામે છે ત્યારે તેની અસામાજિક તત્વોની કેવી નશ્યત થાય છે.
આની સાથે-સાથે જેલોમાં પણ પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કર્યુ છે. જેલોમાં પેરોલ પર છૂટેલા કેદીઓ બહાર જઈને કેટલા ગુના કરે છે તેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આના આધારે આ ગુનેગારોને ભવિષ્યમાં પેરોલ આપવો કે નહીં તે નિર્ણય કરાશે. આમ પ્રજાને સુરક્ષાનો અહેસાસ કરાવવા માટે રાજ્યમના લગભગ બધા જ જિલ્લાઓમાં પોલીસ અસામાજિક તત્વો પર તૂટી પડી છે. તેથી આશા રાખીએ કે આગામી દિવસોમાં પ્રજા હવે શાંતિ અને સલામતીનો અહેસાસ કરે.
આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર
આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ
આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’
