રાજ્ય સરકાર રાજ્યમાં કુપોષિતો માટે જંગી ખર્ચ કરતી હોવા છતાં પણ તેઓ કેમ કુપોષિત રહી જાય છે તેવી ઘટના પર પ્રકાશ પાડતો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે….સુરતના કતારગામમાં ગોતાલાવાડી સ્થિત આંગણવાડીમાં બહાર આવેલા કૌભાંડે બતાવી દીધું છે કે રાજ્યમાં સરકારના જંગી ખર્ચ છતાં બાળકો અને મહિલાઓ કેમ કુપોષિત છે…. આ આંગણવાડી માટે ફાળવવામાં આવેલી ચણાની દાળ રીતસરમાં બજારમાં વેચાતી જોવા મળી છે…. હવે સરકારે આંગણવાડી માટે મફતમાં ફાળવેલા ચણાની દાળના પેકેટ ખુલ્લા બજારમાં પ્રતિ કિલો રૂ.50ના ભાવે વેચાવા માટે કઈ રીતે પહોંચી ગયા તે મોટો સવાલ છે….

આ આંગણવાડી દ્વારા કુપોષિત બાળકો અને ધાત્રી માતાઓને આ દાળ આપવામાં આવે છે….હવે તે દાળ બજારમાં વેચાતી હોવાનું જાણમાં આવતા જાગૃત નાગરિકો દ્વારા સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરવામાં આવી છે…. તેના પગલે વહીવટીતંત્ર દોડતું થઈ ગયું છે. ગરીબ નાગરિકના હક્કના અનાજનું બારોબાર બજારમાં વેચાણ કરવાની જાગૃત નાગરિકે ફરિયાદ કરતાં તંત્ર સ્તબ્ધ થઈ ગયું છે…. આ અંગે સુરતના મેયરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અને આવું ધકેલપંચા દોઢસો જેવું તંત્ર ચલાવતા આંગણવાડીના સાહેબોને પણ આ બનાવ અંગે ફરિયાદ કરવામાં આવી છે….
જાગૃત નાગરિકની ફરિયાદના પગલે તંત્રમાં સોંપો પડી ગયો છે….સ્થાનિકોનું કહેવું છે કે આંગણવાડીમાં આ પ્રકારના ગેરવહીવટનો કારોબાર ખુલ્લેઆમ ચાલતો હતો, પરંતુ આ પ્રકારે ફરિયાદ કરવાની કોઈ હિંમત દાખવતું ન હતુ, હવે એક સ્થાનિકે આ હિંમત કરતાં તંત્રના પગ તળે રેલો આવ્યો છે…. આ ફરિયાદના પગલે હવે આ આખા બનાવમાં કયા અધિકારીઓની સંડોવણી છે અને કયા અધિકારીઓ આંખ મીંચામણા કરી રહ્યા છે તેની તપાસના ચક્રો આગામી દિવસમાં ગતિમામ થઈ શકે છે….

આ બતાવે છે કે સરકાર દ્વારા રાજ્યની પ્રજામાંથી કુપોષણ દૂર કરવા માટે લખલૂટ ખર્ચ કરવામાં આવી રહ્યો હોવા છતાં પણ પ્રજામાંથી કુપોષણ દૂર થતું નથી…. ભ્રષ્ટાચારીઓ ગરીબોના હક્કનું અનાજ પણ જમી જાય છે તો આ જવાબદારી કોની. આ અનાજ સરકારે ગરીબો માટે આપ્યું છે તો પછી તે ગરીબના પેટમાં જવાના બદલે બજારમાં વેચાવવા માટે ક્યાંથી પહોંચી જાય….આંગણવાડીના સાહેબો અને સંલગ્ન અધિકારીઓએ આનો જવાબ આપવો પડશે…. આ વાત હવે સુરતની ફક્ત તે આંગણવાડી પૂરતી જ સીમિત રહી નથી…. આગામી દિવસોમાં રાજ્યની બધી જ આંગણવાડીઓનું ઓડિટ કરવાની જરૂરિયાત વર્તાઈ રહી છે….
તેમા પણ જે આંગણવાડી વિસ્તારમાં કુપોષિતોની સંખ્યા વધારે પ્રમાણમાં હોય તે આંગણવાડીની તો ખાસ તપાસ થવી જરૂરી છે…. સરકાર દ્વારા ગરીબો માટે ફાળવવામાં આવતું અનાજ સગેવગે કરતા આ અનાજ માફિયાઓ સામે ત્વરિત કાર્યવાહી કરવી જરૂરી છે…. આ ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થતી નથી એટલે જ તેમને રીતસરનો છૂટો દોર મળે છે, જો તેઓની સામે આકરી કાર્યવાહી થાય તો મજાલ છે કે તે આ પ્રકારનો ભ્રષ્ટાચાર કરે….

જાગૃત નાગરિક આ કૌભાંડ બહાર લાવતા તંત્ર હવે દોષનો ટોપલો ઢોળવા માટે બલિનો બકરો શોધવાની ફિરાકમાં લાગી ગયું છે…. હવે વિચાર કરો કે ગુજરાતમાં સુરતને સમૃદ્ધ શહેર માનવામાં આવે છે…. હવે આ જ વિસ્તારમાં ત્રણથી છ વર્ષના 33 હજારથી પણ વધારે કુપોષિત બાળકો નોંધાયેલા છે…. હવે વિચારો આખો વિસ્તાર સમૃદ્ધ તો પછી આટલી નાની વયના બાળકો કુપોષિત ક્યાંથી હોય, આ લોકોના કુપોષણનું કારણ છે આ ભ્રષ્ટાચારીઓ…
સરકાર દ્વારા ગરીબોના પોષણને મોકલેલો પોષણક્ષમ અનાજનો પુરવઠો આ ભ્રષ્ટાચારીઓ જ રીતસર ‘જમી’ જાય છે….આશ્ચર્યની વાત એ છે કે આ ભ્રષ્ટાચારીઓ ગમે તેટલો ભ્રષ્ટાચાર કરે પણ તેમના આ ‘કુપોષણ’નો અંત આવતો નથી, તેના કારણે કુપોષિત બાળકો અતિકુપોષિત થતાં જાય છે….જ્યારે ધાત્રી મહિલાઓને પણ પોષણક્ષમ અનાજ મળતું નથી….

આ તો ફક્ત એક જ વિસ્તારમાં આવેલી આંગણવાડીની વાત થઈ, આ જોતાં તો લાગે છે કે રાજ્યની બધી જ આંગણવાડીઓમાં શું આવું જ લોલમલોલ ચાલતું હશેને…. આવું હોય ત્યારે તો પછીસરકાર ગમે ત્યારે રૂપિયા ખર્ચે તો ગુજરાત કુપોષણમાંથી બહાર જ ક્યાંથી આવે…. ગુજરાત આજે કુપોષણના મોરચે રાષ્ટ્રીય સ્તરે શરમજનક રેકોર્ડ ધરાવે છે તે આ ગરીબોનું અનાજ પણ બજારમાં વેચી ખાતા ભ્રષ્ટાચારીઓ અને કૌભાંડીઓનું પાપ છે. આવા કૌભાંડીઓ હોય ત્યાં સુધી ગુજરાતમાં કુપોષણ ક્યાંથી દૂર થાય….
રાજ્યમાં જરા પણ કોઈ કૌભાંડ પ્રકાશમાં આવે તો તરત જ ઢાંકપીછોડાના કવાયત શરૂ થઈ જાય છે અને ઢાંકપિછોડો કરવાનું શક્ય ન લાગે તો પછી કૌભાંડીઓ બલિનો બકરો શોધી કાઢે છે, જેથી તેમને ઓછામાં ઓછું નુકસાન થાય….છેવટે બચવા માટે વગદાર રાજકારણીના પગ પકડી લેવામાં આવે છે. બસ આખુ પ્રકરણ ત્યાં પૂરુ થઈ જાય છે….
હવે આ કિસ્સામાં પણ ફરિયાદના પગલે સુરત મહાનગરપાલિકાએ તપાસ કરી છે…. તેની તપાસમાં તો તે નક્કી થઈ ગયું છે કે આંગણવાડીની ચણાની દાળ જ ખુલ્લા બજારમાં વેચવામાં આવતી હતી. આ દાળ આંગણવાડીના લાભાર્થીઓ માટે હતી…. આ લાભાર્થીઓની દાળ ખુલ્લા બજારમાં પહોંચી તેના માટે જવાબદાર કોણ છે તે શોધવાનું શરૂ કરાયું છે. હવે તંત્ર આને લઈને કોનો કાંઠલો ઝાલે છે તે જોવાનું રહેશે….
આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?
આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો
આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત
