Jasdan/ જસદણમાં માર્ગનું બાંધકામ જ ‘ફગદણ’ !

જસદણ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની ગયો લાગે છે. આ આક્ષેપ બીજા કોઈએ નહીં પણ ચિતલિયા રોડના ચૂંટાયેલા જ નગરસેવક નથુભાઈ છાયાણી અને આ વિસ્તારના જાગૃત નાગરિકોએ કર્યો છે.

Mantavya Vishesh

જસદણ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની ગયો લાગે છે. આ આક્ષેપ બીજા કોઈએ નહીં પણ ચિતલિયા રોડના ચૂંટાયેલા જ નગરસેવક નથુભાઈ છાયાણી અને આ વિસ્તારના જાગૃત નાગરિકોએ કર્યો છે. તેઓની ફરિયાદ છે કે રસ્તાના કામોમાં બેધડક અને બિન્દાસ્ત બનીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તંત્રનું જાણે કોઈ રણીધણી જ ન હોય તે રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ પ્રકારનું સાવ હલકી ગુણવત્તાવાળુ બાંધકામ કરનારા કોન્ટ્રાક્ટરને રૂપિયા પણ ચૂકવાઈ ગયા છે, હવે આ નબળી ગુણવત્તાવાળા બાંધકામની જવાબદારી તંત્ર લેશે તે મોટો સવાલ છે.

રાજ્ય સરકારે જસદણમાં ચિતલિયા રોડ પર એક કિલોમીટરના માર્ગ બાંધકામ માટે રૂ. 3.52 કરોડની માતબર રકમ મંજૂર કરી હતી, જસદણ નગરપાલિકાને પ્રથમ હપ્તા પેટે રૂ. 1.41 કરોડની ફાળવણી પણ કરી દેવાઈ હતી. આટલી નબળી ગુણવત્તાના બાંધકામ છતાં પણ કોન્ટ્રાક્ટરને બિલિંગ પેટે રૂ. 1.30 કરોડથી વધુની રકમ ચૂકવી દેવાઈ હતી. સામાન્ય રીતે આટલી નબળી ગુણવત્તાના બાંધકામ હોય ત્યારે કોન્ટ્રાક્ટ સરખું કરી આપે નહીં ત્યાં સુધી તેને રકમ ચૂકવાતી નથી, પરંતુ અહીં તો જસદણના ફગદણ કોર્પોરેટરોએ આ બિલ મંજૂર પણ કરી દીધા છે.

આ બતાવે છે કે માર્ગ બાંધકામના કામમાં જબરદસ્ત ભ્રષ્ટાચાર થયો છે. તેના વગર આ પ્રકારે બિલને મંજૂરી મળે જ નહીં. રોડના બાંધકામને લઈને સ્થાનિકોમાં જબરદસ્ત નારાજગી છે. તેમનું કહેવું છે કે સરકારે રકમ મંજૂર કરી હોવા છતાં પણ જાણે પોતાના ઘરમાંથી રૂપિયા કાઢીને રોડ બનાવવાનો હોય તે રીતનો કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી કુંડીઓ પણ તૂટી ગઈ છે. આ બાબત તેનો પુરાવો છે કે તંત્રને કશાની પડી જ નથી.

વર મળો, વધુ મરો પણ ગોરનું તરભાણું ભરો તે ન્યાયે અહીં સરકારે નક્કી કરેલા કામોમાં મોટાપાયા પર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. પ્રજાકીય કાર્યોમાં તંત્ર દ્વારા આવી જ વેઠ ઉતારવામાં આવે છે તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. આ કંઈ ફક્ત આજની વાત નથી, કાયમથી અહીં આવું જ ચાલ્યુ આવે છે.

ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને ખુલ્લી આંખે દેખાતી ગેરરીતિ છતાં પણ નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો મૌન છે. તેઓએ તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ ન્યાયે મોઢું બંધ કરીને બેઠા છે. જાણે દરેકને તેમનો હિસ્સો મળી ગયો હોય અને ‘પેટ ભરાયા’ પછી ઓડકાર આવે તેવી તેમનું મૌન છે.

શું જસદણની પ્રજા વિકાસથી વંચિત રહેવા જ ટેવાયેલી છે. તેમના નસીબમાં સમખાવા પૂરતો એક સરખો રસ્તો પણ નથી. ભ્રષ્ટાચારીઓ તેમના માટે એક રસ્તો પણ છોડવા તૈયાર નથી. તેઓએ બસ ગમે ત્યાંથી ઉસેટી જ લેવું છે. આ પ્રકારના ભ્રષ્ટાચારના કારણે જ જસદણ વિકાસથી વંચિત રહી ગયું છે.

નગરપાલિકાના સભ્ય સુરેશભાઈ છાયાણીએ ત્યાં સુધી આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટરે નબળી કામગીરી કરી હોવા છતાં પણ તેને તંત્રએ ચૂકવણી કરી છે, આ જોતાં આ કૌભાંડમાં જસદણ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, એન્જિનીયર, કન્સલ્ટન્ટ એજન્સી અને ટીપીઆઈ સહિતના લોકોએ જબરદસ્ત મિલીભગત કરી હોવાની સંભાવના નકારી શકાય તેવી નથી.

નબળી ગુણવત્તાવાળા રોડ અંગે નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણીએ જણાવ્યું હતું કે અમને જસદણમાં વિકાસના કાર્યોમાં રસ છે અને પ્રજાના રૂપિયા ખોટા વેડફાય નહીં તે અમારે ખાસ જોવાનું છે.  અમારી પાસે નબળા રોડને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને અમે આ અંગે ઘટનાસ્થળે જઈને જાત તપાસ પણ કરી હતી. તેમા કોન્ટ્રાક્ટરનું અગાઉનું બિલ તો ચૂકવાઈ ગયું છે, હવે આગામી બિલમાં અમે ધ્યાન રાખીશું અને બિલ ચૂકવણી કરતાં પહેલા તેની ખરાઈ કરીશું. તેના પછી જ તેની ચૂકવણી કરીશું.

તેમણે ભ્રષ્ટાચારના આક્ષેપો ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે કોઈએ આ કૌભાડમાં રૂપિયા પડાવ્યા નથી. ખિસ્સા ગરમ કર્યા નથી. આ બધી બાબતો પાયા વગરની છે. દરેક કામનું ઓડિટ થાય છે. આ ઓડિટ મુજબ રૂપિયા આપવામાં આવે છે. અમારા ધ્યાનમાં કોઈ ભ્રષ્ટાચાર આવશે તો અમે ચોક્કસ પગલાં ભરીશું. ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરીશું, અમે આખા રોડનું કામ હોય તો આ કામ જેટલા ટકા આગળ વધે તે મુજબ જ બિલ ચૂકવીએ છીએ, કંઈ તે થોડું કામ કરે તો આખું બિલ ચૂકવી દેતા નથી. તેથી અહીં કૌભાંડને લગતી તો કોઈ વાત જ નથી. રોડની બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપમાં કોઈ વજૂદ નથી. આ ઉપરાંત જ્યાં પણ નબળું કામ થયું છે ત્યાં અમે અગાઉ કામગીરી કરી જ છે. તેથી અહીં ભ્રષ્ટાચારને કોઈ અવકાશ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી