Israel News : ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આખા ગાઝા પર કબજો કરવાની જાહેરાત કરી છે. જેને પગલે IDFએ પેલેસ્ટાઇનના લોકોને વિસ્તાર ખાલી કરવા આદેશ આપ્યો છે. ઈઝરાયલી સેનાએ સતત પાંચ દિવસથી ગાઝા પર ભયાનક હુમલો કરતાં 320 લોકોના મોત થયા છે. સેનાના મિસાઈલ સહિતના હુમલામાં શરણાર્થી શિબિરો અને હોસ્પિટલને મોટાપાયે નુકસાન થયું છે, ત્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu) એ આખા ગાઝા પર કબજો જમાવવાની વાત કરતા વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે.
નેતન્યાહૂના નિર્ણય બાદ ઈઝરાયલી સેના (IDF)એ પૂરજોશમાં અભિયાન શરૂ કરી દીધું છે. આઈડીએફએ દક્ષિણ ગાઝાના ખાન યુનુસની આસપાસના વિસ્તારો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. પેલેસ્ટાઈની લોકોને તાત્કાલીક વિસ્તાર ખાલી કરવા કહ્યું છે.ઈઝરાયલી સેનાએ ગાઝામાં મોટાપાયે નવું અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. નેતન્યાહૂએ ટેલીગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘યુદ્ધ ખૂબ ગંભીર છે અને અમે આગળ વધી રહ્યા છીએ. અમે ગાઝા પટ્ટીના તમામ વિસ્તારો પર કબજો કરી લઈશું. અમે હાર નહીં માનીયે. સફળતા મેળવવા માટે અમારે એવું કામ કરવું પડશે, જેને અટકાવી ન શકાય.
’ઈઝરાયલના વડાપ્રધાને કહ્યું કે, ‘વ્યવહારિક અને રાજદ્વારી કારણોસર આપણે ગાઝાની વસ્તીને દુષ્કાળ તરફ ન જવા દેવી જોઈએ. ઈઝરાયલના મિત્ર દેશો પણ ભુખમરાની તસવીરોને સહન નહીં કરે.’ નેતન્યાહૂએ ગઈકાલે (18 મે) યુદ્ધવિરામ માટે કેટલીક શરતો મુકી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી અમારા તમામ બંધકોને છોડવામાં ન આવે, ત્યાં સુધી કોઈપણ પ્રસ્તાવ પર કોઈ વાતચીત થશે નહીં. નેતન્યાહૂએ યુદ્ધવિરામ માટે શરત મૂકી છે કે, ‘ગાઝાને સંપૂર્ણ હથિયારોથી ખાલી કરી દેવું જોઈએ, હમાસના આતંકવાદીઓએ ગાઝા છોડી દેવું પડશે.
’ઈઝરાયેલી સેના દ્વારા છેલ્લા પાંચ દિવસથી ગાઝા પર હુમલો કરવામાં આવી રહ્યો છે. ઈઝરાયલી સેનાએ 14 મેએ ઉત્તર અને દક્ષિમ ગાઝામાં હુમલા કર્યા હતા, જેમાં બે ડઝન બાળકો સહિત 70 લોકોના મોત થયા છે. જ્યારે 15 મેએ ખાન યુનિસ શહેરમાં થયેલા હુમલામાં 54 લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ઈઝરાયલી સેનાએ 16મેએ પણ ગાઝામાં અનેક હુમલા કરતા 93 લોકોના મોત થયા છે.
એક પત્રકારે ઈન્ડોનેશિયન હૉસ્પિટલમાં 93 મૃતદેહોની ગણતરી થઈ હોવાની પુષ્ટી કરી છે. સેનાએ 17-18 મેએ કરેલા હુમલામાં 103 લોકોના મોત થયા છે. આ તમામ હુમલાઓમાં અનેક બાળકો અને મહિલાઓના મોત થયા છે. આ ઉપરાંત ગાઝા સ્થિત શરણાર્થી શિબિરો અને હોસ્પિટલોને પણ મોટાપાયે નુકસાન થયું છે.
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, જો બિડેનના બાળકોની સુરક્ષા હટાવી
આ પણ વાંચો:બિડેને વિદાય લેતા રશિયા પર લગાવ્યા નવા પ્રતિબંધ, કહ્યું- યુક્રેનને ફાયદો થશે
આ પણ વાંચો:હોદ્દો છોડતા પહેલા બિડેને પુત્ર હન્ટરને માફ કર્યો
