Anand News : આણંદ-ગોધરા વચ્ચે ડબલ લાઈન રેલવે પ્રોજેક્ટ હવે પૂરો થઈ ગયો છે. 78.80 કિમી.લાંબો રેલવે પ્રોજેક્ટ પૂરો થતા વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિકનું ભારણ ઘટ્યું છે. તે સિવાય તેને કારણે વધુ પેસેન્જર ટ્રેનો શરૂ કરવામાં મદદ મળી છે. સતત વ્યસ્ત રહેતા વડોદરા રેલવે સ્ટેશન સતત વ્યસ્ત રહેતા તેનું ભારણ ઘટાડવા માટે, વડોદરા સ્ટેશનને બાયપાસ કરીને અમદાવાદથી રતલામ સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાઈ છે.
આ વ્યવસ્થાના ભાગરૂપે, આણંદ-ગોધરા સુધીના 78.80 કિલોમીટર લાંબા ડબલિંગ પ્રોજેક્ટને પાંચ તબક્કાની કામગીરી પછી કાર્યરત કરવામાં આવ્યો છે. આથી, આણંદ-ગોધરાની સિંગલ લાઇન હવે ડબલ લાઇન બની ગઈ છે.માર્ચ મહિનાથી આ બંને લાઇનનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે. આ પ્રોજેક્ટને વર્ષ 2017-18માં મંજૂરી મળી હતી, અને તેની પાછળ અંદાજે રૂ. 726.52 કરોડનો ખર્ચ થયો છે.
આણંદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં આણંદ, ઉમરેઠ, ડાકોર, સેવલિયા, ગોધરા સહિત 13 સ્ટેશનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ વર્ષ 2019માં અમદાવાદથી એક કાર્યક્રમ દરમિયાન આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.આ પ્રોજેક્ટ માટે 11.6 હેક્ટર ખાનગી અને 5.58 હેક્ટર સરકારી જમીન મળીને કુલ 16.64 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી હતી. આ લાઇન ઉપર 10 મહત્વના અને 110 નાના-મોટા બ્રિજ/પુલનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટથી અમદાવાદ-વડોદરા અને વડોદરા-ગોધરા લાઇન ઉપર મુસાફરો તેમજ માલસામાનના ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં સફળતા મળી છે.આ પ્રોજેક્ટથી ટ્રેનોની સમયમર્યાદામાં પણ સુધારો થવા સાથે મુસાફરીનો સમય ઘટ્યો છે. આનાથી રોજિંદા મુસાફરો, વેપારીઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો માટે મુસાફરી સરળ બની છે.
મહત્વનું છે કે, વધતી જતી માંગને પહોંચી વળવા માટે વધારાની લાઇનથી વધુ પેસેન્જર ટ્રેનો શરૂ કરવામાં મદદ મળી છે. આ પ્રોજેક્ટથી આર્થિક વિકાસને પ્રોત્સાહન મળ્યું છે, અને માલના પરિવહન માટે રેલવે ઉપર નિર્ભર રહેતી કૃષિ અને ઉત્પાદન પ્રવૃત્તિઓને પણ ફાયદો થયો છે.
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર બાદ PM મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે, અહીં જાણો કર્યક્રમ
આ પણ વાંચો:કૈલાશ પર્વત અને આદિ કૈલાશ પર્વત કેવી રીતે અલગ છે? PM મોદીએ અહીં ધર્યુ હતું ધ્યાન
