Gujarat News : આ વર્ષે ગુજરાતમાં 15 જૂન પહેલા જ ચોમાસાનું આગમન થશે, તેવી આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં ચોમાસુ બેસતુ હોય છે. જોકે આ વર્ષે કેરળમાં ચોમાસાનું વહેલું આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. એને જોતાં ગુજરાતમાં 15 જૂન પહેલાં જ ચોમાસું બેસી જાય એવી શક્યતા છે. હવામાન વિભાગે આ વર્ષે રાજ્યમાં સરેરાશ 114 ટકા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચોમાસું સામાન્ય કરતાં સારું રહેતું આવ્યું છે. આ વર્ષે પણ સામાન્ય કરતાં સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 2015થી 2024 સુધીનાં 10 ચોમાસાની સ્થિતિ જોઇએ તો 6 વખત સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે, જ્યારે 4 વખત સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. 2019માં 146.17% સાથે સૌથી વધુ વરસાદ થયો હતો. આ ઉપરાંત 2024માં 143.14%, 2020માં 136.85%, 2022માં 122.09% અને 2023માં 108.16% વરસાદ થયો હતો. બીજી તરફ સૌથી ઓછો 76.73% વરસાદ 2018માં થયો હતો. આ સમયે રાજ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિ બની હતી. આ ઉપરાંત 2015માં 81.57%, 2016માં 91.17%, 2021માં 98.48% વરસાદ થયો હતો.
2022થી 2024 સુધીના છેલ્લાં 3 ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઇ ચૂક્યો છે.હવામાનની આગાહી કરતી સ્કાયમેટે એજન્સી બાદ ભારતીય હવામાન વિભાગે પણ આગામી ચોમાસાને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં 103% સાથે ચોમાસું સામાન્ય જઇ શકે છે, જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે 105% સાથે ચોમાસું સામાન્ય વધુ સારું રહી શકે છે. સ્કાયમેટ પ્રમાણે, ચોમાસાને ખરાબ કરનાર અલ નિનો આ વખતે સક્રિય નથી.
ચોમાસા દરમિયાન પણ એ સક્રિય થવાની શક્યતા નથી. લા નિનો થોડા સમય માટે એક્ટિવ થઇ હાલ ન્યૂટ્રલ તરફ જઇ રહ્યું છે, જે ચોમાસા દરમિયાન પણ ન્યૂટ્રલ રહેવાની શક્યતા છે. બીજી તરફ ઈન્ડિયન ઓશન ડિપોલ પણ ચોમાસા પહેલાં પોઝિટિવ થઇ જશે. આ તમામ પરિબળોથી ચોમાસું ખરાબ નહીં થાય. સામાન્ય ચોમાસા પ્રમાણે 103% સાથે દેશમાં સરેરાશ 895 મિમી વરસાદ થઇ શકે છે. આ ચોમાસામાં સરેરાશ વરસાદ સામે 96%થી 104% સાથે સામાન્ય ચોમાસાનું રહેવાની શક્યતા 40% છે, જ્યારે 104%થી વધુ વરસાદની શક્યતા 30% છે, એટલે કે ચોમાસું સામાન્ય કે તેથી સારુ રહેવાની શક્યતા 70% છે, એટલે જ ચોમાસું સારું માનવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં ચોમાસાના 4 મહિનામાં વરસાદની સ્થિતિ
જૂન : જૂન મહિનાથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય-પૂર્વ ગુજરાત સાથે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં સારો વરસાદ થઇ શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સારા વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.
જુલાઇ : જુલાઇથી બંગાળની ખાડીમાં વેધર સિસ્ટમ સક્રિય થઇ પશ્ચિમ તરફ આગળ વધતી હોય છે. એને લઇ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક સારો વરસાદ થઇ શકે છે. જુલાઇ અંતમાં ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ બની શકે છે.
ઓગસ્ટ : ઓગસ્ટ મહિનામાં સૌથી સારા વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ બનતાં પૂરની જેવી સ્થિતિ બની શકે છે.
સપ્ટેમ્બર : સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય વચ્ચે પણ સારા વરસાદની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઇ શકે છે. 2024માં ગુજરાતમાં 11 જૂને ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયો હતો
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાના વહેલા આગમનની શક્યતા છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. 2024ની વાત કરીએ તો 11 જૂનના રોજ ચોમાસાનું વિધિવત્ આગમન થયું હતું, જોકે ગયા વર્ષે દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થયા બાદ ઘણા દિવસો સુધી દક્ષિણ ગુજરાતમાં જ ચોમાસું અટકી ગયું હતું અને ત્યાર બાદ અન્ય ઝોનમાં આગળ વધ્યું હતું.
24 મે 2025ના રોજ કેરળમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે 01 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વર્ષે 8 દિવસ વહેલું આગમન થયું છે. મોસમ વિભાગના મતે 16 વર્ષમાં પ્રથમવાર એવું બન્યું છે કે ચોમાસું આટલું જલદી આવ્યું છે. 2009માં ચોમાસું 9 દિવસ પહેલાં આવ્યું હતું. 2024માં 30 મેના રોજ દસ્તક દીધી હતી.
કેરળમાં વિધિવત્ આગમન થયા બાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. 4 જૂન સુધી મધ્ય અને પૂર્વ ભારતને કવર કરે એવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળ પહોંચતું હોય છે અને 8 જુલાઈ સુધી આખા દેશને કવર કરી લે છે. 17 સપ્ટેમ્બર આસપાસ વિદાયની શરૂઆત થાય છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ વિદાય થઈ જાય છે. મોસમ વૈજ્ઞાનિકોના મતે ચોમાસાની શરૂઆતની તારીખ અને સિઝન દરમિયાન કુલ વરસાદ વચ્ચે કોઈ સંબંધ નથી. ઝડપી કે મોડું પહોંચવાનો એ મતલબ નથી કે એ દેશના અન્ય વિસ્તારોમાં પણ એ રીતે જ આગળ વધશે.
આ પણ વાંચો:અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય, પશ્ચિમ અને પૂર્વમાં ભારે વંટોળ સાથે વરસાદ
આ પણ વાંચો:ઉત્તર ગુજરાતને ધમરોળતું વાવાઝોડું અને વરસાદ
આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી
