MANTAVYA Vishesh/ અમદાવાદ મ્યુનિ.ની ‘ટોઇલેટ એક કૌભાંડ કથા’!

ટોઈલેટ એક પ્રેમકથા ફિલ્મ આવી હતી, જે દેશના મોટાભાગના લોકોએ જોઈ હતી અને વખાણી પણ હતી. તે એક સામાજિક ફિલ્મ હતી અને સામાજિક સંદેશ પણ આપતી હતી. તેની સાથે ટોઈલેટની જરૂરિયાત પર ભાર મૂકતી હતી. અહીં પણ વાત તો ટોઈલેટની જ છે, પરંતુ ‘ટોઇલેટ એક પ્રેમકથા’ નહીં પણ ‘ટોઇલેટ એક કૌભાંડ કથા’ની છે.

Mantavya Vishesh

ટોઈલેટ એક પ્રેમકથા ફિલ્મ આવી હતી, જે દેશના મોટાભાગના લોકોએ જોઈ હતી અને વખાણી પણ હતી. તે એક સામાજિક ફિલ્મ હતી અને સામાજિક સંદેશ પણ આપતી હતી. તેની સાથે ટોઈલેટની જરૂરિયાત પર ભાર મૂકતી હતી. અહીં પણ વાત તો ટોઈલેટની જ છે, પરંતુ ‘ટોઇલેટ એક પ્રેમકથા’ નહીં પણ ‘ટોઇલેટ એક કૌભાંડ કથા’ની છે. આ કૌભાંડ બીજે ક્યાંય નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આચરવામાં આવ્યું છે.

‘ટોઇલેટ એક પ્રેમકથા’માં સામાજિક સંદેશ હતો, જ્યારે ‘ટોઇલેટ એક કૌભાંડ કથા’માં કૌભાંડની ગંધ છે. લોકો ગરીબી રેખા પરથી ઉપર આવવા માટે જે શોર્ટકટ અપનાવી રહ્યા છે તેનો પુરાવો છે ‘ટોઇલેટ એક કૌભાંડ કથા.’ ‘ટોઈલેટ એક પ્રેમકથા’માં ટોઇલેટ એક બનાવવામાં આવ્યું હતું, પરંતુ તેનો સામાજિક સંદેશ બધા સુધી પ્રસારિત કરવામાં આવ્યો હતો, જ્યારે ‘ટોઈલેટ એક કૌભાંડ કથા’માં પણ ટોઈલેટ તો એક જ સ્થળે બનાવાયું છે, પરંતુ તેના માટે જુદાં-જુદાં કોન્ટ્રાક્ટરોને જુદી-જુદી રકમની ચૂકવણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ એક ટોઈલેટ અનેક કોન્ટ્રાક્ટર અનેક તેવી સ્થિતિ છે.

મ્યુનિસિપાલિટીએ ચાર વર્ષમાં કોન્ટ્રાક્ટરોને એક જ ટોઇલેટનું અનેક વખત રિપેરિંગ કરવા પાછળ બે કરોડ રૂપિયાથી પણ વધુ રકમ ચૂકવી દીધી છે. તેથી વિપક્ષ પણ સવાલ પૂછી રહ્યો છે કે એક ટોઇલેટ કોન્ટ્રાક્ટર અનેક, આવો ‘ચમત્કાર’ કોર્પોરેશને કઈ રીતે કર્યો. હવે કોર્પોરેશન તેના આ ચમત્કારને સમજાવે.  ટોઇલેટ એક કૌભાંડ અનેકમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટોઇલેટ બનાવવાના એક જ સ્થળનો વારંવાર ઉલ્લેખ કરીને તેના બિલો બનાવાયા છે અને તેની ચૂકવણી પણ કરી દેવાઈ છે. મોટાભાગે રિપેરિંગમાં એક જ ટોઇલેટનો ખર્ચ લાખ રૂપિયા કરતાં વધારે બતાવાયો છે અને તેની ચૂકવણી કરી દેવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડની મીટિંગમાં જમાલપુર વોર્ડના કોર્પોરેટર રફીક શેખે સ્વચ્છ ભારત મિશન હેઠળ થયેલા કૌભાંડની વિગતો રજૂ કરી હતી. તેમનો આક્ષેપ છે કે મધ્ય ઝોનના છ વોર્ડમાં બનાવાયેલા ટોઇલેટના રિપેરિંગમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમણે ફક્ત આક્ષેપ જ કર્યો ન હતો, પણ આ કૌભાંડની વાત પુરાવા સાથે અને ટોઇલેટ રિપેરિંગના બિલો સાથે રજૂ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે મધ્ય ઝોનના છ વોર્ડ પૈકી શાહપુર, દરિયાપુર અને જમાલપુર વોર્ડમાં અનુક્રમે 115 ટોઇલેટ અને 466 ટોઇલેટના બિલની ચૂકવણી કરવામાં આવી હતી. આ માટે ઉત્તર ગુજરાત લોકસેવા ટ્રસ્ટને 115 ટોઇલેટના 4.60 લાખ રૂપિયા ચૂકવાયા હતા. આમ રિપેરિંગ ખર્ચ પેટે ટોઇલેટ દીઠ 40 હજારથી વધુ રકમ ચૂકવાઈ હતી. જ્યારે દરિયાપુર વોર્ડમાં આ જ ટ્રસ્ટને 466 ટોઇલેટના 18.64 લાખ રૂપિયાની રકમ ચૂકવાઈ ગઈ છે. જ્યારે જમાલપુર વોર્ડમાં 850 ટોઇલેટના રિપેરિંગ પેટે રૂ. 34 લાખનું ચૂકવણુ કરવામાં આવ્યું છે.

કોઈને પણ થાય કે અહીં કૌભાંડ ક્યા આવ્યું. હવે વાત અહીં એવી છે કે તંત્રએ આપેલી માહિતી મુજબ આ ત્રણેય વોર્ડમાં કુલ ટોઇલેટની સંખ્યા જ 218 છે. હવે ટોઇલેટની સંખ્યા જ 218 હોય તો 1,431 ટોઇલેટના રિપેરિંગનું બિલ કઈ રીતે બન્યું. આમ મ્યુનિસિપાલિટીએ બાકીના 1,213 ટોઇલેટના બિલ ક્યાંથી ચૂકવ્યા, જ્યારે ટોઇલેટ જ અસ્તિત્વમાં નથી. આમ કોર્પોરેટર રફીક શેખનો દાવો છે કે અસ્તિત્વમાં જ નથી તેવા ટોઇલેટના રિપેરિંગના બિલો પણ બની ગયા અને તેનું ચૂકવણું પણ થઈ ગયું. ક્યાંય સ્થળ પર જઈને જાત તપાસ કરવામાં ન આવી કે આ ટોઇલેટ છે કે નહીં. પાછું આ જ તંત્ર કહે છે કે  આ ત્રણેય ઝોનમાં ટોઇલેટની કુલ સંખ્યા જ 218 છે. પ્રજાના રૂપિયાનો રીતસરનો આ પ્રકારનો દુર્વ્યય, રૂપિયા સીધેસીધા ઉસેટી જવાની જ વાત થઈ. રફીક શેખે આ રૂપિયા ક્યાં ગયા તેની ચૂકવણીની તપાસ કરવા વિજિલન્સ તપાસની માંગ કરી છે.

આ તો ટોઇલેટ પણ ભૂતિયા, રીપેરિંગ પણ ભૂતિયા લોકોએ કર્યુ, પરંતુ બિલો જ વાસ્તવિક અને તેની ચૂકવણી હકીકત. આને ‘ટોઈલેટ એક કૌભાંડ કથા’ નહીં તો શું કહેવાય. આમ તંત્રમાં બેઠેલાઓ હવે ટોઇલેટને પણ કૌભાંડ કરવામાંથી બાકાત નહીં રાખે. જો કોર્પોરેશન સ્તરે આ પ્રકારનું કૌભાંડ થયું હોય તો તેનો સીધો અર્થ એમ જ થાય કે ગ્રામ પંચાયત સ્તરે તો કોઈ કામગીરી નહીં જ થઈ હોય. આ નાણા સ્વચ્છ ભારત અભિયાનના નામે કોઈ ટોઇલેટ એક કૌભાંડ કથાની જેમ કૌભાંડીઓની ખિસ્સામાં જ ગયા હશે.

આ બતાવે છે કે સ્વચ્છતા અભિયાનના નામે પ્રજાના ખિસ્સાની કેવી રીતે સફાઈ કરવામાં આવી છે. તંત્રએ કદાચ સ્વચ્છતા અભિયાનનો અર્થ આ જ પ્રકારનો કર્યો લાગે છે તેથી જ તો ટોઇલેટ હોય એ તો રિપેરિંગ થાય તે સમજી શકાય, પણ ટોઇલેટ બન્યા જ નથી તેના પણ રિપેરિંગના બિલો બને છે અને પાસ પણ થઈ જાય છે. તંત્રએ ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા કોઈપણ ફિલ્ટર રાખ્યા લાગતા નથી, પ્રજાની પરસેવાની કમાણીના નાણાને લઈને ભ્રષ્ટાચારીઓ લીલાલહેર કરે છે તેનું વધુ એક ઉદાહરણ ટોઇલેટ એક કૌભાંડ કથા છે. આ કથા કદાચ અમદાવાદ પૂરતી સીમિત હોય તેમ લાગતું નથી, રાજ્યના બીજા શહેરો અને ગ્રામીણ વિસ્તારો સુધી તેનો વ્યાપ હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. અમદાવાદમાં તો કૌભાંડની રકમ કરોડોમાં થઈ એટલે વાત બહાર આવી પણ નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં તો તેનો વ્યાપ ઘણો મોટો હોય તેવું માનવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી