Surat News : સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ વિરૂધ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ કરેલા વિવાદાસ્પદ નિવેદને ગુજરાતમાં રોષ જગાવ્યો છે. સરદાર પટેલના અપમાનને લઈ પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે આ મરાઠી માનસ ઊભું કરી ગુજરાતીઓને ટાર્ગેટ કરી ગુજરાતના મહાનુભાવોનું અપમાન કરવાનો પ્રયાસ છે, એ ક્યારેય સહન ન થાય. તેમણે આ મામલે રાજ ઠાકરેએ માફી માગવી જોઈએ, એમ કહ્યું હતું.
તે સિવાય તેમણે આ નિવેદનોને મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોને લડાવવાના પ્રયાસ તરીકે ગણાવ્યાં છે અને રાજ ઠાકરેની પાર્ટીનું કોઈ અસ્તિત્વ ન હોવાથી એને ફરીથી ઊભી કરવા માટેનો નિષ્ફળ પ્રયાસ ગણાવ્યો છે.ગઈકાલે (18 જુલાઈ) એક સભામાં રાજ ઠાકરેએ આરોપ મૂક્યો હતો કે મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો પ્રયાસ અમુક ગુજરાતી વેપારીઓ અને નેતાઓનો હતો. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરતાં જણાવ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને ન મળે એ માટેનું પહેલું નિવેદન સરદાર પટેલે આપ્યું હતું.
અગાઉ સુધી જેને “લોહપુરુષ” તરીકે આદર આપવામાં આવતો હતો એવા સરદાર પટેલને રાજ ઠાકરેએ નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત તેમણે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને પણ નિશાન બનાવતાં કહ્યું કે મહારાષ્ટ્રમાં જ્યારે પણ આંદોલનો થયાં છે ત્યારે મોરારજી દેસાઈએ ગોળીબારનો આદેશ આપી મરાઠી લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. રાજ ઠાકરેએ દાવો કર્યો કે ઘણાં વર્ષોથી ગુજરાતીઓની મુંબઈ પર નજર છે.રાજ ઠાકરેનાં આ નિવેદનો પર પ્રતિક્રિયા આપતાં અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે રાજ ઠાકરે બાળા સાહેબ ઠાકરેના પરિવારમાંથી આવે છે, જેથી તેઓ સન્માનનીય વ્યક્તિ છે, પરંતુ સન્માનનીય વ્યક્તિ હોવાને કારણે દેશના મહાનુભાવોનું અપમાન કરવાનો તેમને કોઈ હક નથી.
રાજ ઠાકરે સરદાર સાહેબ અને મોરારજી દેસાઈ વિશે ઘસાતું બોલીને મહાનુભાવોનું અપમાન કરી રહ્યા છે. કથીરિયાએ આક્ષેપ કર્યો કે રાજ ઠાકરે ભાષા અને પ્રાંતના વિવાદમાંથી બહાર આવી શક્યા નથી અને હવે સરદાર સાહેબ તથા મોરારજી દેસાઈને નિશાન બનાવી રહ્યા છે.અલ્પેશ કથીરિયાએ ભારપૂર્વક કહ્યું હતું કે આવી સન્માનનીય વ્યક્તિઓ, જેમણે ભારતભૂમિ માટે આખું જીવન અર્પણ કર્યું છે તેમનું અપમાન એટલે ભારત દેશનું અપમાન. આ કોઈ વ્યક્તિથી સહન ન થાય. રાજ ઠાકરેએ જાહેરમાં માફી માગવી જોઈએ. આ રાજ ઠાકરેની પોતાની રાજનીતિ ચમકાવવાનો, મરાઠી માનસ ઊભું કરવાનો, ગુજરાતીઓને ટાર્ગેટ કરી મહાનુભાવોને અપમાન કરવાનો પ્રયાસ છે, જે ક્યારેય સહન કરવામાં નહીં આવે.
અલ્પેશ કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ ઠાકરે આવાં નિવેદનો આપી રહ્યા છે, કારણ કે તેઓ ઘણા દિવસોથી ચર્ચામાં નથી અને તેમની પાર્ટીની કોઈ સીટ નથી. તેમની પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી. તમે ફરીથી ઊભા થાઓ, લોકશાહીમાં તેને આપણે આવકારીએ છીએ, પરંતુ ઊભા થવાના પ્રયાસમાં વ્યક્તિ તથા દેશનું અપમાન, મહાનુભાવોનું અપમાન અને આજુબાજુના લોકોને ભડકાવવાનો આ પ્રયાસ છે, જે યોગ્ય નથી.
તેમણે ચેતવણી આપી કે લોકો જાગ્રત છે અને દરેક પ્રાંતના લોકોને માર મારવામાં આવે છે, ગેરવર્તન કરવામાં આવે છે, ધંધાને નુકસાન પહોંચાડવામાં આવે છે. તેમણે ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર ગુજરાતીઓના યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જે ગુજરાતીઓએ મહારાષ્ટ્રની અંદર સિંહફાળો આપ્યો છે તેમને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તેમના મહાનુભાવો વિશે ખરાબ બોલવામાં આવી રહ્યું છે, જે સહન કરવામાં નહીં આવે. અપીલ છે કે તેઓ જાહેરમાં માફી માગે.હાલ આ સમગ્ર મામલો સુરત સહિત ગુજરાતમાં રાજકીય ગરમાવો પેદા કરી રહ્યો છે, જેમાં ગુજરાતી સન્માન અને રાષ્ટ્રીય મહાનુભાવોના અપમાનનો મુદ્દો કેન્દ્રસ્થાને છે.
આ પણ વાંચો:મહારાષ્ટ્ર સરકાર ઝૂકીઃ હિન્દી ફરજિયાત રીતે નહીં લદાય
