LIFESTYLE: વિટામિન, ખનીજ, એન્ટિ-ઑક્સિડન્ટ્સ અને ફાઇબરથી ભરપૂર એવા ફળોને ખાવાથી ઘણા સ્વાસ્થ્યલાભ મળે છે. એવામાં દરેક વ્યક્તિને પોતાના આહારમાં ફળોનો સમાવેશ કરવાની સલાહ મળે છે. અલબત્ત, એમાંથી અમુક ફળો એવા છે કે જેને સમારીને ખાવા પડે છે જ્યારે કેટલાક ફળોને તમે સીધા જ ખાઇ શકો છો. આ તબક્કે ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે સમારેલા ફળ કેટલા સમય સુધી ખાવાલાયક રહે છે? શું એકવાર ફળ સમારી લઇએ પછી એ ખરાબ થઇ જાય છે? તો આવો જાણીએ કે, આ વિશે ન્યુટ્રિશન ઍક્સપર્ટ તબીબનું શું કહેવું છે?
સમારેલાં ફળો કેટલા સમય સુધી ખાવાલાયક રહે છે?
ન્યુટ્રિશન ઍક્સપર્ટ તબીબના જણાવ્યાનુસાર, ગળ્યું ખાવાની તલપને સંતોષવા માટેનો સૌથી ઉત્તમ વિકલ્પ એ ફળ છે. પરંતુ, કોઇ પણ ફળને સમાર્યા બાદ અડધા કલાકની અંદર અવશ્ય ખાઇ લેવું જોઇએ, જેથી તમારા શરીરને એમાં રહેલાં તમામ પોષક તત્વો મળી રહે.
ફળને સમાર્યા બાદ શું એ ખરાબ થઇ જાય છે?
ડૉક્ટરના મતે, એવું બિલકુલ નથી કે ફળને સમારી લીધા બાદ એ તરત જ ખરાબ થઇ જાય છે, પરંતુ એને જેટલી જલદી ખાવામાં આવે તેટલું વધુ સારું! હકીકતમાં સમારેલાં ફળોમાં ઇન્ફેક્શન નું જોખમ વધી જાય છે. વળી, હાલ ચોમાસું પણ ચાલી રહ્યું હોવાથી ગરમી, ભેજ અને બફારાને કારણે સૂક્ષ્મ જીવોનો વિકાસ ઘણો ઝડપથી થાય છે. એવામાં, સમારેલાં ફળોમાં ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. આના કારણે જ એવી હંમેશાં સલાહ આપવામાં આવે છે કે જો તમે ફળો અથવા સલાડ ખાવા ઇચ્છો છો તો, એમને સમારીને મૂકી ન રાખશો. તમારે, બને એટલો જલદી એમને ન્યાય આપી દેવો જોઇએ.
ફળ આરોગવાનો યોગ્ય સમય કયો છે?
સામાન્ય સંજોગોમાં સવારે, સાંજે તથા રાત્રે કેટલાક ફળોને આરોગવાની સલાહ આપવામાં આવતી નથી. પરંતુ, ન્યુટ્રિશન ઍક્સપર્ટ તબીબના મતે, ફળોનું સેવન કરવાનો કોઇ વિશેષ સમય નથી હોતો. તમે આખા દિવસમાં ગમે તે સમયે ફળ ખાઇ શકો છો અને જો તમારી ઇચ્છા હોય તો જમ્યા પછી તરત પણ તમે ફળોનું સેવન કરી શકો છો.
આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.
આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે
