Navsari News/ નવસારી બીલીમોરા સોમનાથ મંદિરના મેળામાં 50 ફૂટ રાઈડ તૂટી, 5 ઘાયલ, એક ગંભીર!

કાલે મોડી રાતે 11:45 વાગ્યે, 50 ફૂટ ઊંચી ટાવર રાઈડ અચાનક નીચે પટકાઈ. રાઈડનો કેબલ છટકી જવાથી આ દુર્ઘટના બની હોવાનો પ્રાથમિક અંદાજ લગવામાં આવે છે.

Top Stories Gujarat Others Breaking News

Navsari News: નવસારી જિલ્લાના બીલીમોરામાં સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે વિશાળ મેળો ભરાયો હતો. આ મેળો દર વર્ષે હજારો ભક્તોને આકર્ષે છે, જેમાં ધાર્મિક પૂજા-અર્ચના સાથે સાથે મનોરંજન માટે વિવિધ પ્રકારની રાઈડ્સ અને ઝૂલા પણ લગાવવામાં આવે છે. પરંતુ આ વખતે મેળાની ખુશી એક ભયંકર દુર્ઘટનામાં પરિવર્તિત થઈ ગઈ હતી.

રવિવારે લગભગ 11:45 વાગ્યે એક 50 ફૂટ ઊંચી ટાવર રાઈડ અચાનક નીચે પટકાઈ હતી. રાઈડના કેબલ છટકી જવાથી આ દુર્ઘટના બની હોવાનો પ્રાથમિક અંદાજ લગવામાં આવે છે. આ ઘટનામાં રાઈડમાં બેઠેલા લગભગ 10 જેટલા લોકોમાંથી 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એમાં બે બાળકો, બે મહિલા અને રાઈડ ઓપરેટરનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Mantavya News (@mantavyanews)

ઘાયલોના નામ અને હાલત

આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં જશ રાજીવ ટંડેલ (વર્ષીય 14), દીર્ઘ હેમંત ટંડેલ ( વર્ષીય 14), રોશની વિકાસ પટેલ (વર્ષીય 30), દિશા રાકેશ પટેલ (વર્ષીય 21) તેમજ રાઈડ ઓપરેટર બકીલનો સમાવેશ થાય છે. ચારેયને બીલીમોરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે બકીલની હાલત ગંભીર હોવાથી તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.

ઈજાગ્રસ્તોના પરિજનોનો આક્રોશ

ઇજાગ્રસ્ત બાળકોના પિતા રાજીવ ટંડેલે જણાવ્યું કે, “મારો પુત્ર તથા મિત્રો મેળામાં ગયા હતા. રાઈડમાં બેઠા બાદ અચાનક અવાજ થયો અને રાઈડ નીચે આવી પડી. સદભાગ્યે વધુ મોટી દુર્ઘટના બની નથી. પરંતુ આ ઘટના એજન્સીની બેદરકારી દર્શાવે છે.”

ઘટનાસ્થળે ભાગદોડ 

રાઈડ અચાનક નીચે પટકાતાં મેળામાં હાજર લોકોમાં ભયને કારણે બૂમાબૂમ  થઈ ગઈ હતી. બાળકો તથા મહિલાઓને ઈજા થતાં માતા-પિતા અને પરિજનોમાં ભયનો માહોલ સર્જાયો. બીલીમોરા ફાયર બ્રિગેડ તથા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

શિવમ એજન્સી પર સવાલો

આ રાઈડનું કોન્ટ્રાક્ટ શિવમ એજન્સી પાસે હતું. આ એજન્સીએ પ્રથમ વખત બીલીમોરા મેળામાં સાત અલગ-અલગ રાઈડ માટે પરવાનગી મેળવી હતી. એજન્સીના માલિક વિરલ પીઠવા મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી છે. તેમણે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા જણાવ્યું કે, “કેબલ તૂટ્યો નથી, પરંતુ છટકી ગયો છે. મારી કારકિર્દીમાં પહેલી વાર આવી ઘટના બની છે, હું તપાસ કરાવીશ.”

પરંતુ ભક્તો અને સ્થાનિક લોકોમાં એજન્સીની બેદરકારી અંગે સવાલો ઊઠી રહ્યા છે. રાઈડ શરૂ કરતાં પહેલાં ટેકનિકલ ચકાસણી થઈ હતી કે નહીં? આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.

મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા

બીલીમોરા સોમનાથ મંદિર ટ્રસ્ટે આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, “અમે  માત્ર મેદાન ભાડે આપ્યું હતું. રાઈડની ટેક્નિકલ ચકાસણી અને સુરક્ષાની જવાબદારી એજન્સી તથા સંબંધિત વિભાગોની હતી. મંદિર ટ્રસ્ટ આ ઘટનામાં કોઈ પણ  રીતે જવાબદાર નથી.”

તપાસ માટે FSL ટીમ

નવસારી જિલ્લા પોલીસે આ દુર્ઘટનાની તપાસ શરૂ કરી હતી. સુરત અને વલસાડની FSL ટીમને બોલાવવામાં આવી છે જેથી ઘટનાની ટેક્નિકલ તપાસ થઈ શકે. આ ઉપરાંત નવસારી મનોરંજન વિભાગ દ્વારા ટેક્નિકલ કમિટીની રચના કરવામાં આવી છે, જે રાઈડના તમામ પાસાંની તપાસ કરશે.

સુરક્ષા મુદ્દે સવાલો

આ દુર્ઘટનાએ મેળાની રાઈડ્સની સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે મેળાની મંજૂરી જિલ્લા કલેક્ટર કચેરીના મનોરંજન વિભાગ દ્વારા આપવામાં આવે છે, જેમાં SOP મુજબ તમામ નિયમોનું પાલન થવું જોઈએ.

સમગ્ર ઘટના વિડીયોમાં જુઓ: [fvplayer id=”27″]

હવે પ્રશ્ન એ છે કે

શું નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં?

શું રાઈડની યોગ્ય ટેકનિકલ ચકાસણી કર્યા વિના તેને શરૂ કરવામાં આવી હતી?

આવા સવાલો ભક્તો અને સ્થાનિક લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યા છે.

લોકપ્રતિનિધિઓની પ્રતિક્રિયા

બીલીમોરા નગરપાલિકાના વિપક્ષી નગર સેવક મલંગભાઈ કોલિયાએ જણાવ્યું કે, “અમે ફાયરબ્રિગેડ પર હાજર હતા ત્યારે આ ઘટના બની. પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે કેબલમાં કોઈ ફોલ્ટના કારણે રાઈડ અડધેથી નીચે પટકાઈ છે. જો બેદરકારી સાબિત થાય તો જવાબદાર સામે કડક પગલાં લેવાશે.”

મેળાના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન

આ દુર્ઘટનાથી ભવિષ્યમાં મેળાની રાઈડ્સને લઈ લોકોમાં ભય ફેલાયો છે. ઘણા ભક્તો કહે છે કે ધાર્મિક મેળામાં આવી જોખમી રાઈડ્સને મંજૂરી આપવી જ ન જોઈએ. હવે વહીવટી વિભાગની જવાબદારી છે કે આવી ઘટનાઓને ફરી બનતી અટકાવે.

નવસારીના બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર ખાતે  શ્રાવણ માસના અંતિમ સોમવારે થયેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને ભયભીત કરી મૂક્યો છે. હાલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે અને ઘટનાની સઘન તપાસ શરૂ થઈ છે. પરંતુ આ ઘટના મેળાની સુરક્ષા વ્યવસ્થાની ખામીઓને સ્પષ્ટ રીતે બહાર લાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  મંતવ્ય ન્યૂઝના વૃક્ષો વાવો અભિયાનનું સીઆર પાટીલના હસ્તે નવસારીમાં પ્રારંભ

આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડ મસ્જિદ ફાયરીંગમાં નવસારીના યુવકનું થયું મોત

આ પણ વાંચો: નવસારી: બેફામ આઈસર ચાલકે સાઇકલ લઈને જઈ રહેલા વ્યક્તિને ઉડાવ્યો