Ahmedabad News: અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની જઘન્ય હત્યાએ આખા ગુજરાતને સ્તબ્ધ કરી દીધુ છે. આ ઘટનામાં હુમલાખોર વિદ્યાર્થી દસમા ધોરણમાં જ ભણતો હોવાની જાણકારી સામે આવી છે. તેની સામે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ હુમલાખોર વિદ્યાર્થીએ નયન પર બોક્સ કટરથી હુમલો કર્યો હતો. તેણે બોક્સ કટર વડે કરેલા જીવલેણ હુમલામાં નયનનું મોત થયું હતું. સામાન્ય રીતે સ્ટેશનરીની દુકાનેથી મળી જતાં બોક્સ કટરનો ઉપયોગ વિદ્યાર્થીઓ સ્કૂલના પ્રોજેક્ટ માટે પણ કરતાં હોય છે.
આ આખા ઘટનાક્રમમાં ચર્ચામાં આવેલો આઠમા ધોરણનો વિદ્યાર્થી ત્યાં હાજર હતો. હાલના તબક્કે તો આ હત્યામાં તેની કોઈ ભૂમિકા હોવાની જાણકારી મળી નથી. પણ અગાઉના એક ઝગડામાં તે સામેલ હતો. પોલીસની પૂછપરછમાં આ હુમલાખોર વિદ્યાર્થીએ સ્વીકાર્યુ હતું કે છેલ્લા એક મહિનામાં તે પોતાના ખિસ્સામાં બોક્સ કટર લઈને સ્કૂલે આવતો હતો. આ જોતાં પોલીસને પણ લાગી રહ્યુ હતું કે તે જાણે આ પ્રકારનો હુમલો કરવાની તૈયારીમાં હતો.

આના પગલે પોલીસ માની રહી છે કે હત્યાના તાર એક મહિના પહેલા થયેલા ઝગડા સાથે જોડાયેલા છે. પોલીસ તપાસમાં આવેલી જાણકારી દર્શાવે છે કે સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક સમયથી બે જૂથમાં વહેંચાઈ ગયા હતા. એક મહિના પહેલા હાલમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીની આઠમા ધોરણના વિદ્યાર્થી સાથે કોઈ માથાકૂટ થઈ હતી. આ વાત શિક્ષક અને શાળા સંચાલકોના મુદ્દા પર ધ્યાનમાં આવી હતી. જો કે તેમણે આ મુદ્દે ખાસ ગંભીરતા દાખવી ન હતી. તેમણે બંને જૂથોના વિદ્યાર્થીઓને બોલાવીને સમાધાન કરાવ્યું હતું.

આ અંગે વદુ જાણકારી એવી મળી હતી કે શિક્ષકોના કહેવાના પગલે બંને જૂથોના વિદ્યાર્થીઓએ એકબીજાને ગળે લગાવ્યા હતા. એકબીજાને સોરી કહીને સમાધાન કરાવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે શિક્ષકોએ કે શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓ વચ્ચેની આ માથાકૂટ અંગે વાલીઓને જાણ કરવા સુદ્ધાની તસ્દી લીધી ન હતી. જો વાલીઓને જાણ કરવામાં આવી હોત તો તેમની સક્રિયતાથી આ પ્રકારનો હત્યાકાંડ રોકી શકાયો હોત.

જો કે આ સમાધાન ભલે શિક્ષકોએ કરાવ્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓના જૂથોના ગળે તે ઉતર્યુ ન હતું. મર્ડરની ઘટનાના અઠવાડિયા પહેલાં જ મૃતકના પિતરાઈ અને હત્યા કરનારા દસમા ધોરણના વિદ્યાર્થી વચ્ચે પણ ઝગડો થયો હતો. સ્કૂલમાં એકબીજાને ધક્કો વાગતા મામલો વકરી ગયો હતો. તે સમયે આરોપીએ વિદ્યાર્થીને હું તને જોઈ લઇશ તેવી ધમકી આપી હતી. વોટ્સએપ ચેટમાં પણ તે વાતનો ખુલાસો થયો હતો મૃત્યુ પામનાર વિદ્યાર્થીએ પણ આરોપીને વળતો જવાબ આપ્યો હતો કે તું છે કોણ તે મને જોઈ લઈશ તેમ કહે છે. આના કારણે છેલ્લા કેટલાય દિવસથી સ્કૂલમાં ગરમાગરમીનું વાતાવરણ રહેતું હતું.
આ બધી ખારાશને ધ્યાનમાં રાખીને 19મી ઓગસ્ટના રોજ સ્કૂલ છૂટ્યા પછી સાતથી આઠ વિદ્યાર્થીઓનું જૂથ એકત્રિત થયું હતું. આ સમયે અદાવત રાખીને આરોપી વિદ્યાર્થીએ તેના પરના બોક્સ કટરથી નયન પર હુમલો કર્યો હતો. તેના લીધે નયન લોહીલુહાણ થઈ ગયો હતો. હુમલો થયો તે વખતે અગાઉ ઝગડો કરનારા આઠમા ધોરણનો વિદ્યાર્થી પણ ત્યાં હાજર હતો, તેથી હવે પોલીસે તેને પણ અટકાયતમાં લેવા ચક્રો ગતિમાન કર્યા છે. નયનને લોહીલુહાણ હાલતમાં મૂકીને જ હુમલાખોર અને તેના સાથીઓ ભાગી ગયા હતા. આના પછી તે વિદ્યાર્થી લોહી નીંગળતી હાલતમાં સ્કૂલના કમ્પાઉન્ડમાં આવ્યો હતો. તે સમયે જો સ્કૂલના ગાર્ડ અને વિદ્યાર્થીઓએ તેના પર ધ્યાન આપ્યું હોત અને તાત્કાલિક 108 બોલાવી હોત તો તેને બચાવી શકાયો હોત.
આ પણ વાંચો: Ahmedabad News/અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની તપાસ સંભાળી, બેની ધરપકડ
આ પણ વાંચો: Ahmedabad News/નયનના પેટમાં છરો નહીં, ફિઝિક્સનું સાધન મરાયું હતું, પ્રત્યક્ષદર્શીનો દાવો
આ પણ વાંચો: Ahmedabad News/અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની તપાસ સંભાળી, બેની ધરપકડ
