Ahmedabad News: અમદાવાદમાં ખોખરા ખાતે સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાને લઈને વાતાવરણમાં જબરદસ્ત ગરમી છે. અમદાવાદના વેપારી એસોસિયેશન દ્વારા આ હત્યાને આકરા શબ્દોમાં વખોડી કાઢવામાં આવતા આજે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. તેમા પણ કાંકરિયા, ઇસનપુર, મણિનગર અને ઘોડાસરમાં સ્વૈચ્છિક બંધ જાહેર કરવામાં આવ્યો છે. એક રીતે ગોધરા હત્યાકાંડ પછી જે સ્થિતિ હતી તેવી જ સ્થિતિનું આટલા વર્ષે જાણે ફરીથી નિર્માણ થયું છે. ગોધરા પછી ખોખરા હોય તેવી સ્થિતિ છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદે વેપારીઓને બંધ પાળવા અપીલ કરી છે. આખા વિસ્તારની દુકાનોની સાથે સ્કૂલો બંધ રાખવાની પણ અપીલ હતી. હત્યાને ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં અજંપાભર્યો માહોલ છે. બંધના એલાનના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકવામાં આવ્યો છે. આખા વિસ્તારમાં સ્થિતિ તનાવપૂર્ણ પરંતુ અંકુશમાં છે. આખા વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જરૂર પડે તો સીઆરપીએફ અને એસઆરપીને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
આખા વિસ્તારમાં જાણે અગ્નિ પેટાવવાની તૈયારીમાં હોય અને પલિતો ચાંપવાની જ જાણે રાહ જોવાતી હોય તેવી સ્થિતિ છે. પોલીસ તે જોવા આતુર છે કે આગામી 48થી 72 કલાક સુધી આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને જે બળતામાં ઘી હોમે. તેથી પોલીસે આ વિસ્તારમાં બંદોબસ્ત કડક કર્યો છે. તકેદારીના ભાગરૂપે કેટલાય અસામાજિક તત્વોને પોલીસે અત્યારથી જ અટકાયતમાં લઈ લીધા છે. આવા બીજા તત્વોને પણ અટકાયતમાં લેવાનું જારી છે. તેની સાથે જ્યાં-જ્યાં પણ ભીડ થતી હોય તેને પોલીસ તીતરબીતર કરી નાખે છે. ગમે તેવી દુકાનથી લઈને કોઈપણ સ્થળે પોલીસ ભીડ જામવા દઈ રહી નથી. બધુ રાબેતા મુજબ ચાલે તે માટે પણ પોલીસ સક્રિય છે.
એબીવીપી, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ છે. તેઓ મણિનગર, કાંકરિયા, ઘોડાસર અને ઇસનપુરમાં સ્થિતિ ન વણસાવે તે માટે પોલીસ સક્રિય છે અને તેણે કડકાઈભરી સમજાવટનો દોર પણ આરંભ્યો છે. પોલીસ આજના દિવસનો બંધ શાંતિપૂર્ણ રીતે પૂરો થાય તે માટે ઉભડક જીવે બેઠી છે. પોલીસ ગોધરા પછી ખોખરા કોઈપણ રીતે થવા દેવા માંગતી નથી.
આ પણ વાંચો: Ahmedabad News/અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની તપાસ સંભાળી, બેની ધરપકડ
આ પણ વાંચો: Ahmedabad News/નયનના પેટમાં છરો નહીં, ફિઝિક્સનું સાધન મરાયું હતું, પ્રત્યક્ષદર્શીનો દાવો
આ પણ વાંચો: Gandhinagar News/ગાંધીનગર : પરિવારની સંમતિ વગર થતા લગ્નો બાબતે રજૂઆત
