Ahmedabad News : પેઇંગ ગેસ્ટ (PG) માટે અમદાવાદમાં સોસાયટીનું NOC અને પોલીસ વેરિફિકેશન હોવું ફરજિયાત છે. જો આ NOC નહી હોય તો નોટિસ આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં 385 જેટલા PGને નોટિસ આપવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં રહેણાંક બિલ્ડિંગોમાં પેંઇંગ ગેસ્ટ(PG) ચાલતા હોવાનું સામે આવ્યું છે.
જેથી દરેક ઝોનમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં શહેરમાં કુલ 401 જેટલા PG ચલાવવામાં આવી રહ્યા હોવાની વિગતો સામે આવી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે. PG ચલાવવા માટે સોસાયટી- ફ્લેટની NOC અને પોલીસ વેરિફિકેશન લેવાનું હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા નિયમોનું પાલન ન કરનાર 385 જેટલા PGને નોટિસ આપવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો સોસાયટી અથવા ફ્લેટનું NOC અને પોલીસ વેરિફિકેશન હશે તો જ PG ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવશે નહીં તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવશે. જો આ બંને વસ્તુ નહીં હોય તો PG ચલાવવા મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવનાર છે.
અમદાવાદ શહેરમાં અનેક ફ્લેટ અને સોસાયટીઓમાં PG ચલાવવામાં આવે છે જેના કારણે થઈને ત્યાંના સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. મોટાભાગે કોલેજમાં અભ્યાસ કરતા અથવા નોકરી કરતા એકલા રહેનારા યુવક-યુવતીઓ ફ્લેટમાં PG તરીકે રહેતા હોય અને તેઓ દ્વારા ન્યુસન્સ કરવામાં આવતું હોવાની ફરિયાદો અવારનવાર મળતી હોય છે. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ મામલે ગાઈડલાઈન બનાવવામાં આવી છે. જેથી હવે શહેરમાં કોઈપણ રહેણાંક વિસ્તારમાં PG ચલાવવું હોય તો સોસાયટીનું NOC અને પોલીસ વેરિફિકેશન હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
સૌથી વધારે શહેરના બોપલ, થલતેજ, વસ્ત્રાપુર, સેટેલાઈટ, ઘાટલોડીયા, એસજી હાઈવે, ઘુમા, ગોતા, ચાંદલોડિયા, જગતપુર, ચાંદખેડા જેવા વિસ્તારોમાં PG ચલાવવામાં આવી રહ્યા છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના સર્વેમાં 401 જેટલા PG મળી આવ્યા છે અને 8 જેટલા PG હાલ બંધ હાલતમાં છે ત્યારે હવે આગામી દિવસોમાં જો મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાઇડલાઇન પ્રમાણે એનઓસી નહીં હોય તો PG સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર-2025ના રાજ્ય સ્વાગતમાં જનફરિયાદોનું નિવારણ કર્યું
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નો શુભારંભ કરાવ્યો
