Gujarat News/ એસ્સારનો યુકેમાં મોટો વિસ્તરણ પ્લાન, 235 ફોરકોર્ટ્સ બાદ હવે 800 સાઇટ્સનું લક્ષ્ય

Essar Energy Transition: એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન રિટેલે યુકેની SGN રિટેલનું 100% અધિગ્રહણ કર્યું. સોદા બાદ કંપનીનું નેટવર્ક 235 ફોરકોર્ટ્સ સુધી પહોંચ્યું છે અને 2031 સુધીમાં 800 સાઇટ્સનું લક્ષ્ય છે.

Gujarat
Essar Energy Transition: 2031 સુધીમાં 800 સાઇટ્સનું લક્ષ્ય

Gujarat News: એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન રિટેલ (EET Retail) એ યુકેના અગ્રણી સ્વતંત્ર ફોરકોર્ટ ઓપરેટર SGN રિટેલનું 100 ટકા અધિગ્રહણ કરવાની જાહેરાત કરી છે. આ સોદા બાદ EET રિટેલના (Essar Energy Transition) ફોરકોર્ટ નેટવર્કમાં 118 નવા સ્થળો ઉમેરાશે. હાલની 117 સાઇટ્સ સાથે SGN રિટેલની 118 સાઇટ્સ જોડાતા EET રિટેલનું કુલ નેટવર્ક 235 ફ્યુઅલ ફોરકોર્ટ્સ સુધી પહોંચશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ નેટવર્કનો વાર્ષિક થ્રુપુટ 650 મિલિયન લિટરથી વધુ રહેશે. આ સાથે EET રિટેલ યુકેનું બીજું સૌથી મોટું બેકવર્ડ-ઇન્ટિગ્રેટેડ ફોરકોર્ટ ઓપરેટર બનશે.

Essar Energy Transition: 2031 સુધીમાં 800 ફોરકોર્ટ્સનું લક્ષ્ય

એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન રિટેલે યુકેમાં પોતાના ફોરકોર્ટ નેટવર્કને વધુ વિસ્તરણ કરવાની યોજના બનાવી છે. કંપનીનું લક્ષ્ય 2031 સુધીમાં 800 ફોરકોર્ટ્સ સુધી પહોંચવાનું છે. આ તમામ સ્થળોને ચેશાયરમાં આવેલી એસ્સારની સ્ટેનલો રિફાઇનરીમાંથી ઇંધણ પૂરું પાડવાની યોજના છે.સ્ટેનલો મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ યુકેના રોડ ટ્રાન્સપોર્ટ ફ્યુઅલના આશરે 20 ટકા ઉત્પાદન કરે છે.

રિફાઇનરીથી સીધું ફોરકોર્ટ સુધી ઇંધણ

આ અધિગ્રહણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યુકેની ફ્યુઅલ સપ્લાય ચેઇનને વધુ સંકલિત બનાવવાનો છે. કંપનીનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં યુકેમાં ફ્યુઅલ ઉત્પાદન અને રિટેલ વચ્ચેનું અંતર વધ્યું છે અને તેના કારણે આયાત તથા જટિલ સપ્લાય ચેઇન પર નિર્ભરતા વધી છે. EET રિટેલ હવે રિફાઇનરીમાં ઉત્પાદિત ઇંધણને પોતાના ફોરકોર્ટ નેટવર્ક સુધી વધુ સીધી રીતે પહોંચાડવાનું મોડલ વિકસાવી રહી છે. કંપનીના મતે, આ વ્યવસ્થા સ્થાનિક ઇંધણ પુરવઠાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે અને વૈશ્વિક સપ્લાયમાં અચાનક વિક્ષેપ આવે ત્યારે યુકેની ઊર્જા સુરક્ષાને પણ ટેકો આપી શકે છે.

કંપનીનું કહેવું છે કે ઉત્પાદન અને રિટેલને એક જ નેટવર્ક સાથે જોડવાથી સપ્લાય ચેઇનમાં રહેલી કેટલીક બિનકાર્યક્ષમતાઓ ઘટાડવામાં મદદ મળી શકે છે. તેનો લાભ ભવિષ્યમાં ફોરકોર્ટ પર વાહનચાલકોને વધુ સ્પર્ધાત્મક ભાવના રૂપમાં મળી શકે છે.આ ઉપરાંત EET રિટેલ પોતાના ફોરકોર્ટ્સ પર હોટ ફૂડ, કન્વિનિયન્સ સ્ટોર, વેલેટિંગ અને ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ જેવી સુવિધાઓનો પણ વિસ્તાર કરી રહી છે.

2016માં ગ્રેહામ પીકોક અને સુસાન ટોબેલ દ્વારા સ્થાપિત SGN રિટેલ યુકેમાં 118 વ્યૂહાત્મક રોડસાઇડ સ્થળોનું સંચાલન કરે છે. કંપની વિવિધ રિટેલ, કન્વિનિયન્સ અને ફૂડ-ટુ-ગો બ્રાન્ડ્સ સાથે કામ કરે છે.EET રિટેલ માટે આ અધિગ્રહણ તેના લાંબા ગાળાના વિસ્તરણમાં મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. કંપની 2031 સુધીમાં આશરે 800 સાઇટ્સ સુધી પહોંચીને યુકેના ફોરકોર્ટ બજારમાં લગભગ 9 ટકા હિસ્સો મેળવવાનું લક્ષ્ય ધરાવે છે.

£250 મિલિયનની નવી ડેટ સુવિધા

કંપની અનુસાર, આ સોદાને કંપનીના રોકાણ અને £250 મિલિયનની નવી સિનિયર ડેટ ફેસિલિટીના સંયોજનથી ફંડ કરવામાં આવશે. આ નાણાકીય વ્યવસ્થા માટે અનેક આંતરરાષ્ટ્રીય બેંકોના જૂથે સહયોગ આપ્યો છે. EET રિટેલના સીઈઓ અરવાન રુઇયાએ જણાવ્યું કે SGN રિટેલનું અધિગ્રહણ સીધી રિફાઇનરી સપ્લાય સાથે જોડાયેલું રાષ્ટ્રવ્યાપી ફોરકોર્ટ નેટવર્ક ઊભું કરવાની કંપનીની યોજનાને વધુ વેગ આપશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સોદો માત્ર ફોરકોર્ટ નેટવર્કના વિસ્તરણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ યુકેમાં ઇંધણના ઉત્પાદનથી લઈને ગ્રાહક સુધી પહોંચતી સપ્લાય ચેઇનને વધુ સંકલિત બનાવવાની તેની લાંબા ગાળાની વ્યૂહરચનાનો પણ મહત્વનો ભાગ છે.


આ પણ વાંચો: હોમ અને કાર લોન મોંઘી થઈ શકે! SBIના રિપોર્ટથી વધ્યું ટેન્શન, રેપો રેટમાં 0.50% વધારાની શક્યતા

આ પણ વાંચો: RBI વેચશે ₹1 લાખ કરોડની સરકારી સિક્યોરિટીઝ, જાણો ક્યારે થશે હરાજી

આ પણ વાંચો: એક જ ઝટકામાં ચાંદી ₹10,000 સસ્તી, સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો