Ahmedabad News: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના દસમા ધોરણના વિદ્યાર્થી નયન ગિરીશભાઈ સંતા પર તેની જ સ્કૂલનાઅને તેના જ ક્લાસના વિદ્યાર્થીએ ગઈકાલે છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં નયન ગિરીશભાઈ સંતાનું મોત થયું છે. આ હુમલાના પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થીએ દાવો કર્યો છે કે તેના પેટમાં છરો નહીં પણ ફિઝિક્સમાં ઉપયોગમાં લેવાતુ સાધન ભોંકી દેવામાં આવ્યું હતું.
તેણે સ્કૂલના વલણનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ટીચર અને સિક્યોરિટી ગાર્ડ હાજર હોવા છતાં પણ તેને કોઈએ મદદ કરી ન હતી અને નયન 30 મિનિટ સુધી રીતસર ત્યાં તરફડ્યો હતો અને પછી બીજા વિદ્યાર્થીઓ તેને રીક્ષામાં નાખી હોસ્પિટલ લઈ ગયા હતા. સ્કૂલના વહીવટીતંત્રએ વિદ્યાર્થીને આ પ્રકારે ઇજા પામ્યો હોવા છતાં પણ કોઈપણ પ્રકારની મદદ કરી ન હતી અને 108 બોલાવવાની તસ્દી સુદ્ધા લીધી ન હતી. જો 108 બોલાવવામાં આવી હોત તો કદાચ તેનો જીવ બચી ગયો હોત.
આશ્ચર્યની વાત એ છે કે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતમાં આ વિદ્યાર્થીને છરી મારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ છરી પાછી તેના જ ધોરણના વિદ્યાર્થીએ મારતા મામલો વધુ સંગીન બન્યો છે.
ગંભીર રીતે ઇજા પામેલા નયનને મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના મોત બાદ સિંધી સમાજમાં જબરદસ્ત આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો અને સિંધી સમુદાયના સભ્યો સેવન્થ ડે સ્કૂલ પર ત્રાટક્યા હતા. સિંધી સમાજના લોકોએ સેવન્થ ડે સ્કૂલમાં ઘૂસીને તોડફોડ કરી હતી. વીફરેલા વાલીઓએ સ્કૂલમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને આચાર્યને માર માર્યો હતો.
તેઓએ સ્કૂલના બારીબારણા અને દરવાજા તોડી નાખ્યા હતા. શિક્ષકો અને શાળાના વહીવટી સ્ટાફને પણ માર માર્યો હતો. પોલીસ મદદે આવી ન હોત તો પ્રિન્સિપાલને પણ જીવ બચાવવો ભારે પડી ગયો હતો. આટલેથી જ ન અટકતા વાલીઓએ સ્કૂલની બહાર પણ ચક્કા જામ કર્યો છે. આ હુમલામાં શાળાના પ્રિન્સિપાલથી લઈને શિક્ષકો તથા અનેક કર્મચારીઓ પણ ઇજા પામ્યા છે. પોલીસની હાજરીમાં સ્ટાફને ઢોર માર માર્યો છે.
સ્કૂલ સામે ગુસ્સે ભરાયેલા વાલીઓનો દાવો છે કે સેવન્થ ડે સ્કૂલમાં અનેક ગેરકાયદે પ્રવૃત્તિ થાય છે. સ્કૂલમાં નશાનો વેપાર થાય છે. બાકી આઠમા ધોરણનો વિદ્યાર્થી કોઈને છરી લઈને મારે તે વાત જ સમજની બહાર છે. કોઈ એવો મોટો વિવાદ ન હતો કે કોઈનું ખૂન કરી શકાય. વીફરેલા વાલીઓએ પોલીસની ગાડીને પણ બાનમાં લીધી છે. પોલીસ હાલમાં તેમને સમજાવટથી શાંત પાડી રહી છે અને જરૂર પડે તો વધુ પોલીસ કુમક બોલાવવાની પણ પોલીસે તૈયારી રાખી છે. તેની સાથે પોલીસે વાલીઓને જો ગેરકાયદે પ્રવૃત્તિ થતી હશે તો તેની તપાસ કરવાનું વચન પણ આપ્યું છે. પોલીસે આ કેસમાં હત્યાની કલમ ઉમેરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમ અંગે શાળાના એડમિન મયૂરિકાબહેને જણાવ્યું હતું કે કેટલાક દિવસ પહેલા બે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાને લઈને તકરાર થઈ હતી. વિદ્યાર્થીએ શાળામાં રજૂઆત ન કરતાં વાલીને રજૂઆત કરી હતી. વિદ્યાર્થીને છરી મારવામાં આવી હતી તે શાળાના કમ્પાઉન્ડની અંદર નહીં પણ બહાર મારવામાં આવી હતી. વિદ્યાર્થીને છરી વાગતા પેટ પર હાથ મૂકી શાળામાં આવ્યો હતો.
સીસીટીવીમાં બાળક પેટ પર હાથ મૂકીને આવતો દેખાય છે. છરી મારનારા વિદ્યાર્થી સામે અગાઉ બે વખત ફરિયાદ થઈ હતી. આ વિદ્યાર્થી છરી લઈને શાળામાં આવ્યો ન હતો, પરંતુ તેણે બહાર રાખેલા વાહનમાં છૂપાવી હોવાની પૂરી સંભાવના છે. મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ માટે શાળામાં રજા જાહેર કરાઈ છે.
આ પણ વાંચો: Ahmedabad News/અમદાવાદની ખાનગી સ્કૂલ સેવન્થ ડેએ સરકારી આદેશના ધજાગરા ઉડાવ્યા
આ પણ વાંચો: સુરતની સેવન્થ ડે સ્કૂલના 100 વિદ્યાર્થીઓ અને શિક્ષકો ધર્મશાળામાં ફસાયા
આ પણ વાંચો: Ahmedabad News/બોપલની શિવ આશિષ સ્કૂલ દ્વારા 145 વિદ્યાર્થીને કરાવ્યો મહારાષ્ટ્રનો પ્રવાસ, DEOએ ફટકારી નોટિસ
