Ahmedabad News: અમદાવાદની ખાનગી સ્કૂલે સરકારી આદેશના ધજાગરા ઉડાવ્યા છે. આમ સરકારની મંજૂરી વગર પ્રવાસનું આયોજન કરનારી ખાનગી સેવન્થ ડે સ્કૂલ વિવાદમાં આવી છે. હરણીકાંડ પછી સ્કૂલોને પ્રવાસની મંજૂરી બંધ કરવામાં આવી હતી.
29મી સપ્ટેમ્બરે બાળકોને મહેસાણાના બ્લિસ વોટર પાર્કમાં લઈ જવાયા હતા. સેવન્થ ડે સ્કૂલના સંચાલકોએ મંજૂરી વગર પ્રવાસ યોજ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે સરકારી નિયમોના ધજાગરા ઉડાડવાના પગલે સ્કૂલ અને સરકાર બંને ભીંસમાં મૂકાયા છે.
સ્કૂલને સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે તે કયા પ્રકારની મંજૂરી હેઠળ આ પ્રકારે વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જઈને તેમની સલામતીને જોખમમાં મૂકી રહી છે. રાજ્ય સરકારની મંજૂરી જ નથી ત્યારે સ્કૂલે કયા અધિકાર હેઠળ આ પ્રકારના પ્રવાસનું આયોજન કર્યુ હતું. સ્કૂલે શું વિદ્યાર્થીઓના વાલીઓને વિશ્વાસમાં લીધા હતા કે સરકારની મંજૂરી નથી ત્યારે વિદ્યાર્થીઓને આ રીતે પ્રવાસે લઈ જઈએ છીએ તો કંઇક થાય તો તેની જવાબદારી કોની રહેશે. આ પ્રકારની જવાબદારી સુનિશ્ચિત કર્યા વગર સ્કૂલ વિદ્યાર્થીઓને પ્રવાસે કઈ રીતે લઈ ગઈ.
તેની સાથે વોટરપાર્કના આયોજકો પર પણ સવાલ ઉઠ્યા છે. શું તેઓને ખબર નથી કે શાળાઓને પ્રવાસ માટે મંજૂરી નથી. સ્કૂલે નિયમનો ભંગ કર્યો તો તેની સાથે વોટર પાર્કે પણ નિયમનો ભંગ કર્યો. બધા શું આ રીતે કાયદાકીય નિયમોની પરવા કર્યા વગર કામ કરે છે અથવા પડશે એવા દેવાશે તેની વૃત્તિ હેઠળ કામ કરે છે.
સ્કૂલના આ પગલાંના લીધે શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયું છે. અમદાવાદના ડીઇઓએ કહેવું પડ્યું છે કે સરકારે શાળાઓને કોઈપણ પ્રકારના પ્રવાસના આયોજન માટે મંજૂરી આપી નથી. સ્કૂલે તેની પોતાની મરજીથી આ પ્રવાસનું આયોજન કર્યુ છે. આના લીધે સરકાર સમગ્ર બનાવની તપાસ કરીને આગામી સમયમાં સ્કૂલ સામે પગલાં લેશે. આ અંગે જરૂર પડી તો આકરાં પગલાં લેવામા આવશે અને નિયમોને નેવે મૂકનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ પણ વાંચો: આજથી ગુજરાત શિક્ષણ બોર્ડની પ્રથમ સત્રની પરીક્ષા, 20 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે
આ પણ વાંચો: સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની પરીક્ષા, ગેરરીતિ રોકવા ચુસ્ત આયોજન
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલ વાનચાલકે વિદ્યાર્થીનીની છેડતી કરી
