Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાના પ્લેન બોઇંગની ફ્લાઇટ ડ્રીમલાઇનર 787 ઉપડી હતી ત્યારે તેમા પેસેન્જરો અને ક્રુ મેમ્બરો સહિત સવાર 242 લોકોને ખબર પણ નહીં હોય કે આ તેમની છેલ્લી ફ્લાઇટ હશે. પ્લેને અમદાવાદ એરપોર્ટ પરથી 1-38 મિનિટે ટેકઓફ કર્યુ અને ટેક ઓફ કર્યો અને તરત જ પાયલોટે એટીસીને Maydayનો મેસેજ મોકલ્યો. એટીસી કોઈ પ્રતિસાદ આપે તે પહેલાં તો તેણે નજર સામે પ્લેનને આગનો ગોળો બનતા જોયું. આમ ફક્ત બે જ મિનિટમાં એટલે કે 1-40 મિનિટે તે મેઘાણીનગરમાં જ આઇજીબી કમ્પાઉન્ડમાં તૂટી પડ્યુ. આ પ્લેન 11 વર્ષ જૂનું હતું.
પ્લેનક્રેશ પછી એરપોર્ટ અને ઘટનાસ્થળની સ્થિતિ
અમદાવાદ એરપોર્ટ પરથી ઉપડેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 તૂટી પડી તેના પગલે એરપોર્ટ પર તરત જ એરપોર્ટના આસપાસના રસ્તા બંધ કરી દેવાયા હતા. એરપોર્ટના વિસ્તારોમાં રીતસરનો અંધાધૂંધીનો માહોલ જોવા મળ્યો હતો. આસપાસના લોકોને તો પહેલા સમજ જ ન પડી હતી કે આ શું થયું છે, પછી સમજ્યા કે પ્લેન તૂટી પડ્યું છે. એરપોર્ટ ઓથોરિટીએ તરત જ પ્લેન તૂટી પડવાના સ્થળે અગ્નિશામક દળની ગાડીઓ રવાના કરી હતી. તેની સાથે સંખ્યાબંધ એમ્બ્યુલન્સ પણ મોકલાઈ હતી. રસ્તાઓ પર કેટલાય લોકો સ્તબ્ધ તો સૂનમૂન થઈ ઊભા રહી ગયા હતા તો ઘણા મદદે દોડી ગયા હતા.
પ્લેન ક્રેશ પછી હોસ્ટેલની સ્થિતિ
અમદાવાદ એરપોર્ટ પરથી ઉપડેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઇન્ટર્ન ડોક્ટરો રહે છે તે હોસ્ટેલ પર ક્રેશ થઈ હતી. તેના પગલે ઘણા બધા ઇન્ટર્ન ડોક્ટરોના મૃત્યુ થયા હોવાનું પણ કહેવાય છે. હોસ્ટેલમાં બધું રીતસર વિખેરાઈ ગયું હતું. આખી હોસ્ટેલને જાણે મોટો આંચકો લાગ્યો હોય તેવી સ્થિતિ હતી. હોસ્ટેલમાં રહેતા ડોક્ટરો કંઇ સમજે તે પહેલાં તો મોતને ભેટી ગયા હતા, જ્યારે જે ઇજા પામ્યા તેમને લારીમાં નાખીને લઈ જવા પડ્યા હતા. નજીકમાં રહેતા ઝૂંપડપટ્ટીના લોકો આ હોસ્ટેલોમાં રહેનારાઓમાં લારીમાં નાખીને હોસ્પિટલમાં લઈ ગયા હતા.
સિવિલ હોસ્પિટલમાં ભારે અફડાતફડીનો માહોલ
અમદાવાદમાં પ્લેન ક્રેશના પગલે તાત્કાલિક ઇમરજન્સી સેવા કામે લગાડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં રીતસરનો અંધાધૂંધીનો માહોલ હતો. એક પછી એક આવતા મૃતદેહો અને તેમની સ્થિતિ જોઈને ડોક્ટરો સ્તબ્ધ થઈ ગયા હતા. તેના લીધે આજુબાજુમાંથી અને ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોને પણ મદદમાં લેવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં કોવિડ પછી પહેલી વખત આ પ્રકારની અંધાધૂંધી સર્જાઈ હતી. એક પછી એક મૃતદેહો બળેલી હાલતમાં લાવવામાં આવ્યા હતા.
ડોક્ટરો અને પેરામેડિક્સ ખડેપગે
અમદાવાદમાં પ્લેન ક્રેશના પગલે અમદાવાદીઓને સેવાભાવે તરત જ વર્તાઈ આવ્યો હતો. અમદાવાદના ડોક્ટરો અને પેરામેડિક્સ સેવા માટે ખડેપગે રહી ગયા હતા. તેઓએ પૂરઝડપે ઇજાગ્રસ્તોને મદદ કરવા અને ઘાયલોની સેવામાં લાગી ગયા હતા. ઇજાગ્રસ્તોને મદદ કરવા 108 જ નહીં બીજી બધી એમ્બ્યુલન્સો પણ સતત દોડતી રહી હતી. તેના કારણે કેટલાયને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી.
અગ્નિશામક દળની ભૂમિકા
અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 મેઘાણીનગરમાં ક્રેશ થઈ હતી. તે સીધી ઇન્ટર્ન ડોક્ટરો રહેતા હતાં ત્યાં જ ક્રેશ થઈ હતી. તેના પગલે અગ્નિશામક દળની ગાડીઓ તરત જ ધસી ગઈ હતી. અગ્નિશામક દળે દર્શાવેલી ત્વરિત કામગીરીના પગલે આગને ફેલાતી અટકાવવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયનમંત્રીને તાત્કાલિક રવાના કરવામાં આવ્યા હતા. અમિત શાહે સીએમ સાથે વાત કરીને જરૂરી મદદની ખાતરી આપી હતી. પીએમ મોદીએ પણ ઉડ્ડયન મંત્રી સાથે વાત કરીને આખી ઘટના પર નજર રાખવા જણાવ્યું હતું.
હતભાગી ફ્લાઇટમાં 169 ભારતીય, 53 બ્રિટિશર
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં 242 લોકો સવાર હતા. ઉડાન ભરતાની સાથે જ વિમાન ક્રેશ થઈ ગયું અને ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો. અમદાવાદના મેઘાણી નગરમાં વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં સિવિલ હોસ્પિટલની ઇમારત અતુલ્યમને પણ નુકસાન થયું છે. આ હતભાગી ફ્લાઇટમાં કુલ 242 પ્રવાસીઓમાં 169 ભારતીય, 53 બ્રિટિશર, 7 પોર્ટુગલના રહેવાસી અને એક કેનેડિયન નાગરિક હતો. જ્યારે બે કેપ્ટન અને બે પાયલોટ સહિત 12 ક્રૂ મેમ્બરો હતા
પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલાઓના સગાઓના આંસુ સૂકાતા નથી
અમદાવાદ એરપોર્ટ પર પોતાના સગાસંબંધીને લંડન જવા માટે વિદાય કરવા આવેલા સગાઓને ખબર નહીં હોય કે તેઓ તેમને આ અંતિમ વખત જ જોઈ રહ્યા છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 તૂટી પડવાના સમાચાર મળતાં જ તેઓને જીવ તાળવે ચોંટ્યા હતા અને તેમણે તરત જ તેના અંગે સમાચાર જાણવા દોટ લગાવી હતી. તેમના મોતના સમાચાર મળતાં તેમના પર આભ તૂટી પડ્યુ હતુ. તેઓ રોઈ-રોઈને અડધા થઈ ગયા હતા. હમણા જ હસતા-હસતા ગયેલો કોઈનો ભાઈ, બહેન, પતિ,પિતા કે મિત્ર આ પ્રકારે લાશમાં તબ્દીલ થયેલો જોવા મળશે તેવી તેમને કલ્પના પણ ન હતી. પોતાના સગાની આ સ્થિતિ જોઈને ઘણા લોકોની તબિયત પણ બગડી હતી.
હોસ્ટેલમાં રહેતા ઇન્ટર્ન ડોક્ટરોના પણ મોત
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ તેમાં પ્લેન સીધુ અમદાવાદના મેઘાણીનગરમાં ઇન્ટર્ન ડોક્ટરોની હોસ્ટેલ પર પડ્યું હતું. આ હોસ્ટેલના કેટલાક ઇન્ટર્ન ડોક્ટરોના મૃત્યુ થયાના અહેવાલ છે. આવા જ એક ઇન્ટર્નની માતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર હોસ્ટેલમાં બીજા માળે જ જમવા ગયો હતો. તે જ સમયે તેણે રીતસર સામે પ્લેનના સ્વરૂપમાં મોત આવતું જોયું હતું. આ જોઈ તેણે ત્વરિત નિર્ણય લેતા બીજા માળેથી કૂદકો માર્યો હતો. તેના લીધે થોડી ઇજાના પગલે તે બચી જવામાં સફળ રહ્યો હતો. આ મૃતકોના સગાઓ સિવિલ આવતા ચોમેર રૂદન અને કલ્પાંત જોવા મળતું હતું. આખું વાતાવરણ ગમગીન અને ઉદાસીભર્યુ બની ગયું હતું. સિવિલ હોસ્પિટલ જાણે સ્મશાનગૃહ બની ગઈ હોય તેવી સ્થિતિ હતી.
9000ના ભોગ લેનારું બોઇંગ છે કે ઉડતું ‘કોફિન’ !
AIR INDIA વિમાન દુર્ઘટનામાં બોઇંગનું 787 ડ્રીમલાઇનર સામેલ હતું. બોઇંગ વિમાનો ક્રેશ થયા હોય તેવો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ બોઇંગ વિમાનો ઘણી વખત ક્રેશ થયા છે. આ પહેલા, વર્ષ 2024 માં, દક્ષિણ કોરિયામાં એક બોઇંગ વિમાન ક્રેશ થયું હતું, જેમાં લગભગ 180 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આમાં બોઇંગનું 737-800 વિમાન સામેલ હતું, જે 737 મેક્સનું નવું સંસ્કરણ છે. બોઇંગ વિમાનો વિશ્વભરમાં લગભગ 6,000 અકસ્માતો અને ઘટનાઓમાં સામેલ હતા, જેમાંથી 415 જીવલેણ હતા અને 9,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિશ્વભરમાં ઉડતા હજારો પેસેન્જર વિમાનોમાંથી ઓછામાં ઓછા 4,000 બોઇંગ 737-800 છે. NYT ના અહેવાલમાં જણાવાયું છે કે એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકા કેટલાક મુખ્ય ખંડો છે જ્યાં બોઇંગ વિમાનોનો ઉપયોગ થાય છે.
સીએમ ભુપેન્દ્ર પટેલે કાર્યક્રમ રદ કર્યા
અમદાવાદ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થવાના પગલે ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ સુરતના પ્રવાસે હતા અને ત્યાંથી તેમના કાર્યક્રમ રદ કર્યા હતા. આ જ રીતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ વડોદરાથી આવ્યા હોવાનું મનાય છે. જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ચૂંટણી પ્રવાસ ટૂંકાવ્યો હતો. આ સિવાય કેન્દ્રીય નેતાઓ અમિત શાહ અમદાવાદ આવવા રવાના થયા છે અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી આવવાના છે. જ્યારે વડાપ્રધાન મોદી આવશે તેમ મનાય છે. રાજ્યના બીજા બધા જ ધારાસભ્યોએ તેમના કાર્યક્રમો રદ કરી નાખ્યા છે અને સિવિલ હોસ્પિટલમાં ધામા નાખ્યા હોવાનું કહેવાય છે.
ગુજરાત સરકારના ત્વરિત પગલાં
અમદાવાદ એરપોર્ટ પરથી ઉપડેલું એર ઇન્ડિયાનું પ્લેન બોઇંગ 171 શહેરમાં મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડ્યુ તેના પગલે ગુજરાત સરકારે ત્વરિત પગલાં લીધા હતા. રાજ્ય સરકાર આખા વિસ્તારમાં વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લઈ જવાય તે માટે ગ્રીન કોરિડોરની રચના કરવામાં આવી હતી. સ્થાનિક, ડોક્ટરો, પેરામેડિક્સની ટીમને તાત્કાલિક ખડેપગે કરી દેવાઈ હતી. એમ્બ્યુલન્સો અવિરત દોડી રહી હતી. ફાયરબ્રિગેડની કામગીરીના લીધે ક્રેશ પછી આગ આગળ ફેલાઈ ન હતી. રાજ્ય સરકારના ત્વરિત પગલાંના લીધે દુર્ઘટનાનો વ્યાપ વધતાં અટકાવી દેવાયો છે.
કેન્દ્ર સરકારે લીધેલા પગલાંમાં જોઈએ તો એરપોર્ટ ઓથોરિટીએ ગુરુવાર માટે બાકીની બધી ફ્લાઇટ રદ કરી હતી. એરપોર્ટ સત્તાવાળાઓને MayDayનો સંદેશો મળતા તેણે તેમની ટીમ રવાના કરી હતી. તેની સાથે રાજ્ય સરકારને સાબદી કરી હતી. ડીજીસીએને જાણકારી મળતા તેની એક ટીમ દિલ્હીથી અમદાવાદ આવવા નીકળી ગઈ છે. એનડીઆરએફની છ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ પણ વાંચો:અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું
આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા
